કલોલમાં આવેલી Swaminarayan Medical College માં MBBS સીટો વધીને 200 થઈ
- કલોલ સ્થિત Swaminarayan Medical College માં MBBS સીટો 200 સુધી વધી
- ગુજરાતમાં તબીબી અભ્યાસ માટે વધારાની 50 નવી સીટો
- મેડિકલ કોલેજમાં વધુ બેઠકો, વિદ્યાર્થીઓને મળી અભ્યાસની તક
- મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં નવી આશા, 50 સીટો ઉમેરાઈ
Swaminarayan Medical College : ગુજરાતમાં તબીબી શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. તબીબી અભ્યાસક્રમોની બેઠકો વધારવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું લેવાયું છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા કલોલ (જિ. ગાંધીનગર) સ્થિત સ્વામિનારાયણ મેડિકલ કોલેજને MBBSની બેઠકો વધારવાની માન્યતા આપવામાં આવી છે, જેનાથી રાજ્યમાં વધુ 50 નવી સીટો ઉમેરાઈ છે.
NMC દ્વારા માન્યતા : 150 માંથી સીધી 200 બેઠકો
અગાઉ આ મેડિકલ કોલેજમાં 150 MBBS સીટોની માન્યતા હતી. પરંતુ હવે NMC દ્વારા તેને વધારીને કુલ 200 બેઠકોની માન્યતા આપવામાં આવી છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે ગુજરાત સરકારની એડમિશન કમિટી દ્વારા હાલમાં જ ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આ વધારાની 50 સીટો ત્રીજા રાઉન્ડમાં જોડાતા, મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને અમદાવાદની નજીક આવેલી આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સંચાલિત કોલેજમાં અભ્યાસ કરવાની તક મળશે.
શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓનું ઉત્તમ માળખું
સ્વામિનારાયણ મેડિકલ કોલેજ માત્ર સીટોની સંખ્યા માટે જ નહીં, પરંતુ તેના ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓ માટે પણ જાણીતી છે. કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે આધુનિક તકનીકોથી સજ્જ ક્લાસરૂમ, સુસજ્જ લાઇબ્રેરી, સ્કિલ લેબ અને સૌથી મહત્ત્વનું તો, અનુભવી મેડિકલ ફેકલ્ટીઓ કાર્યરત છે. આ કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલની વાત કરીએ તો, તે 700 બેડની વિશાળ સુવિધા ધરાવે છે. આ હોસ્પિટલ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ ઉત્તર ગુજરાતના હજારો જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે સારવારનું એક મુખ્ય સ્ત્રોત પણ છે, જે સંસ્થાની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.
PG કોર્સ અને ઉચ્ચ કોટિનું શિક્ષણ
કોલેજ દ્વારા નજીકના ભવિષ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) કોર્સ એટલે કે MD અને MS કોર્સ પણ શરૂ કરવાની યોજના છે, જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને નિષ્ણાત ડોક્ટર બનવા માટેની તક સ્થાનિક સ્તરે જ મળી શકશે. આ સંસ્થાનો મૂળ ધ્યેય માત્ર તબીબી શિક્ષણ આપવાનો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં માનવીય મૂલ્યોના સંસ્કાર સિંચન સાથે ઉચ્ચ કોટિનું તબીબી શિક્ષણ આપવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ વધારાની બેઠકોથી મેરિટમાં પાછળ રહેલા પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું પૂરું થશે અને રાજ્યના આરોગ્ય માળખાને વધુ બળ મળશે.
આ પણ વાંચો : Ahmedabad : સ્તન કેન્સર અંગે જાગૃતિ માટે 'ધ પિંક રન'નું આયોજન, ત્રણ શ્રેણીમાં યોજાશે દોડ


