બિપરજોયથી સંભવિત અસરગ્રસ્તોને સહાય માટે સેનાએ કમરકસી, તમામ પ્રકારની મદદ માટે ખડેપગે
કુદરતી આપત્તિના સમયે લોકોને પડતી મુશ્કેલીઓને ઘટાડવાના તેના મક્કમ સંકલ્પને સાર્થક કરતા ભારતીય સેના ગુજરાતમાં ભયંકર ચક્રવાત બિપરજોયના લેન્ડફોલ પછી સ્થાનિકોને સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે.
ભુજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા ,ગાંધીનગર , નલિયા, દ્વારકા અને અમરેલી ખાતે પૂર રાહત ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે અને જરૂરી તમામ સામાન તૈયાર રાખવામાં આવ્યો છે.
આર્મી સત્તાવાળાઓએ સિવિલ એડમિનિસ્ટ્રેશન તેમજ NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. આનાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને પોતાનું મહત્તમ યોગદાન આપવાનું પ્લેટફોર્મ મળી રહ્યું છે.
મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતીય સેનાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને કટોકટીના સમયે સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું હતું.તોફાની પવનો અને ભારે વરસાદને કારણે નુકસાન ઓછું થાય તે સુનિશ્ચિત કરવા માટે પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.





