VADODARA : જાહેરમાં ગંદકી કરનાર રેસ્ટોરેન્ટ સીલ
વડોદરા (VADODARA) માં જાહેરમાં ગંદકી કરનાર રેસ્ટોરેન્ટને આજે પાલિકા (VMC) દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. અને રેસ્ટોરેન્ટ બહાર નોટીસ ચોંટાડી દેવામાં આવી છે. વડોદરાનો સ્વચ્છતામાં નંબર પાછળ ઠેલાયા બાદ પાલિકા તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેની ચોતરફથી સરાહના થઇ રહી છે. આવી કડક કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહે તેવી લોક માંગ ઉઠી છે
કડક કાર્યવાહીના ભાગ રૂપે સીલ મારી દેવામાં આવ્યું
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આરસી દત્ત રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ચુંગ ફા ચાઇનીઝ નામની રેસ્ટોરેન્ટ આવેલી છે. તેના કર્માચરી દ્વારા ગતરાત્રે વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાતા પાલિકાના કર્મીએ પકડી પાડ્યો હતો. જે બાદ આજે રેસ્ટોરેન્ટ સામે કડક કાર્યવાહીના ભાગ રૂપે સીલ મારી દેવામાં આવ્યું છે. આટલું જ નહિ તેની સામે દંડ વસુલમાં આવનરા હોવાનું પાલિકાના સુત્રો જણાવી રહ્યા છે.
પેનલ્ટી પણ ફટકારવામાં આવશે
પાલિકાના અધિકારી સુરેશ તુવેર જણાવે છે કે, ગઇ કાલે રાત્રે 11 વાગ્યે જેતલપુર બ્રિજ નીચે ચુંગ ફા ચાઇનીઝ રેસ્ટોરેન્ટના કર્મચારી કચરો અને વધેલા ખોરાકનો નિકાલ કરતા અમારા કર્મચારીના હાથે ઝડપાઇ ગયા હતા. સ્ટાફે આ અંગે ઉપરી અધિકારીને જાણ કરી હતી. જે બાદ આજે રેસ્ટોરેન્ટને સીલ કરી દેવામાં આવી છે. દરેકને નમ્ર અપીલ છે કે, તમામ કચરો કચરાપેટી અથવા ડોર ટુ ડોરના વાહનમાં જ નાંખો. જાહેર જગ્યા પર નાંખશે તે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ પેનલ્ટી પણ ફટકારવામાં આવશે.
નોટીસમાં કઇ વાતનો ઉલ્લેખ
પાલિકા દ્વારા ચુંગ ફા રેસ્ટોરેન્ટ બહાર નોટીસ ચોંટાડી દેવામાં આવી છે અને સીલ મારી દેવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ગઇ રાત્રે આપની રેસ્ટોરેન્ટના કામદાર જેતલપુર બ્રિજ નીચે વધેલો ખોરાક અને હોટેલ વેસ્ટ નાંથી ગંદકી કરતા પાલિકાના સ્ટાફ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. તેઓને કચરાનો યોગ્ય નિકાલ કેવી રીતે તેની સમજ હોવા છતાં જાહેરમાં કચરો નાંખી જાહેર આરોગ્યને નુકશાન થાય તેવું કૃત્ય કરેલ છે. તેઓ ધી જીપીએમસી એક્ટ 1949 - પરિશિષ્ઠ - ક - ના પ્રકરણ 14 (3) ની વિવિધ જોગવાઇઓને ભંગ કરેલ છે. જેથી તેઓની પાસેથી દંડ વસુલ કરવાનો હોવાથી આજરોજ 13, માર્ચના રોજ રેસ્ટોરેન્ટ સીલ કરવામાં આવે છે. આ સીલ વોર્ડ ઓફિસરની પરવાગની વગર ખોલવું નહિ. અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે.
આ પણ વાંચો -- VADODARA : જોખમી કેમીકલની અસુરક્ષિત હેરાફેરી નાકામ બનાવતી LCB


