અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં કરાયું 143 મું અંગદાન
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતાં ૫૪ વર્ષીય અમૃતભાઇ પંચાલને એકટીવા સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં ૧૦૮ દ્રારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉકત અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું , જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા.
સમગ્ર વિગત એવી છે કે ,અમદાવાદનાં નરોડામાં રહેતાં ૫૪ વર્ષના અમૃતભાઈને બાઈક સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા ૧૦૮ દ્રારા તારીખ ૧૧ ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. તા.૧૩ ફેબ્રુઆરીના રોજ તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ વર્ષો પહેલા ડૉ.એચ.એલ ત્રિવેદી સાહેબની સમજણથી તેમનાં ઘરનાં એક વડીલનું અંગદાન કર્યું હોવાનું જણાવ્યું તેમજ એ અંગદાન કરનાર પુત્રને આજેપણ તેમનાં પિતાશ્રી કોઈ બીજાંનાં શરીરમાં જીવિત છે. હજુ પણ તેમને દરેક પ્રસંગે આશીર્વાદ આપતા હોય તેવી લાગણી તેઓ અનુભવે છે તેવું જણાવ્યું.
વસંતપંચમીની પૂર્વ સંધ્યા એ સમગ્ર પરીવારજનો એ લીધો અંગદાન અંગેનો પવિત્ર નિર્ણય
તેથી આ દુઃખની ઘડીમાં પણ જ્યારે અમૃતભાઇનાં બ્રેઈન ડેડ હોવાની સિવિલ હોસ્પિટલનાં ડોકટરો એ જાણ કરી ત્યારે તરત જ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર ડૉ. એચ.એલ.ત્રિવેદી એ વર્ષો પૂર્વે સમજાવેલ અંગદાનના મહત્વને યાદ કરી અંગદાનનો નિણર્ય લીધો. અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબો એ તેમના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. જેના અંતે બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે , ડૉ.એચ.એલ ત્રિવેદી સાહેબે શરૂ કરેલ અંગદાનથી જીવનદાનનો વિચાર આજે સાચા અર્થમાં સમાજ માં પ્રસર્યો હોય તેવું લાગે છે. સ્વ. એચ એલ ત્રિવેદી સાહેબ જીવતા જીવ તો ઘણા લોકો ને મદદરૂપ થયા છે પણ મૃત્યુ પછી પણ તેમનાં વિચારો લોકો ને નવુજીવન આપવાનાં આ મહાયજ્ઞ માં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
અહેવાલ - સંજય જોશી
આ પણ વાંચો -- એક વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી!



