Teacher's Day : પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક આધુનિક ટેકનોલોજીના સમન્વયથી છાત્રોને કરાવે છે અભ્યાસ
અહેવાલ---કૌશિક છાયા, કચ્છ કર્મનિષ્ઠ શિક્ષક ધારે તો શું ન કરી શકે તેનો જીવંત દાખલો પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક દ્રષ્ટિહીનતાની ખામીને અવગણીને સામાન્ય શિક્ષક જેમ આધુનિક ટેકનોલોજીના સમન્વયથી છાત્રોને કરાવે છે અભ્યાસ ભુજના હાથીસ્થાન કુમાર શાળા નં.૫ના શિક્ષક ઉંમરભાઇ લુહાર સાચા કેળવણીકારની...
Advertisement
અહેવાલ---કૌશિક છાયા, કચ્છ
- કર્મનિષ્ઠ શિક્ષક ધારે તો શું ન કરી શકે તેનો જીવંત દાખલો
- પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક દ્રષ્ટિહીનતાની ખામીને અવગણીને સામાન્ય શિક્ષક જેમ આધુનિક ટેકનોલોજીના સમન્વયથી છાત્રોને કરાવે છે અભ્યાસ
- ભુજના હાથીસ્થાન કુમાર શાળા નં.૫ના શિક્ષક ઉંમરભાઇ લુહાર સાચા કેળવણીકારની ભૂમિકા ખરાઅર્થમાં નિભાવી રહ્યા છે
- ઓનલાઇન વીડિયો ડાઉનલોડ કરીને દ્રશ્ય- શ્રાવ્ય માધ્યમના ઉપયોગથી અલગ અલગ વિષયના પીરિયડ લઇ બાળકોને અભ્યાસ કરાવે છે
દર વર્ષ ૫ સપ્ટેમ્બરના દિવસને સમગ્ર ભારતમાં મહાન કેળવણીકાર દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં એમના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. એક શિક્ષકની ભૂમિકા સમાજમાં મૂલ્યવાન છે. નવી પેઢીમાં ન માત્ર શિક્ષણ પરંતુ ઉચ્ચ મૂલ્યોનું સિંચન પણ શિક્ષક કરતો હોય છે. તેમાં પણ બાળકો પોતાના શિક્ષકને આદર્શ માનીને તેમના ગુણો અને તેના મૂલ્યોને અપનાવીને જીવનની રાહ કંડારતા હોય છે. ગુણવાન શિક્ષક ન માત્ર સમાજ પરંતુ શાળામાં ભણનારા સેંકડો બાળકો માટે આદર્શ જીવનનો એક જીવંત દાખલો બની જતો હોય છે. આજે આપણે આવા જ કર્મનિષ્ઠ પ્રજ્ઞાચક્ષુ ભુજના શિક્ષકની વાત કરવી છે, જે સંગીત શિક્ષક હોવાછતાં શાળાના બાળકોની જરૂરીયાતને ધ્યાનમાં લઇને દ્રષ્ટિ ધરાવતા સામાન્ય શિક્ષકની જેમ અન્ય વિષયોનો અભ્યાસ ખૂબ સરળતાપૂવર્ક કરાવે છે.

કેળવણીકાર હોવાના દાખલા સ્વરૂપ તેઓએ રસ્તો શોધ્યો
જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ એવા ઉંમરભાઇ લુહારે કુદરતે આપેલી ખામીને અવગણીને સંગીતમાં પોતાનું કૌશલ્ય વિકસાવ્યું છે. હાલ તેઓ ભુજની હાથીસ્થાન કુમાર શાળા નં.૫ માં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બાળકોને વિવિધ સંગીતના સાધનો શીખવાડવા સાથે સંગીતના સુરોની આરાધના કરાવે છે. આ સાથે પોતાની કર્મનિષ્ઠા દર્શાવતા તેઓ શાળા અને બાળકોની જરૂરીયાતને લક્ષમાં રાખીને સામાન્ય શિક્ષકની જેમ અન્ય વિષયોના પીરિયડ લે છે. જે જોઇને બાળકો પણ અવાચક થઇ જાય છે. તેઓ દષ્ટિહીન હોવાથી તે સામાન્ય શિક્ષક જેમ પુસ્તકો વાંચીને બાળકોને અભ્યાસ કરાવી શકે તેમ નથી. પરંતુ આમછતાં તેઓએ હાર ન માનતા બાળકોની ચિંતા અને ખરા કેળવણીકાર હોવાના દાખલા સ્વરૂપ તેઓએ આનો પણ રસ્તો શોધી લીધો છે.

પર્યાવરણ, ગુજરાતી વિષયોના રેકોર્ડડ વીડિયોનો ઉપયોગ
આ અંગે ઉમરભાઇ જણાવે છે કે, શાળા અને બાળકોની જરૂરીયાતને ધ્યાને રાખીને માત્ર સંગીત શિખવાડીને બેસી જવાના બદલે મારા બાકી સમયમાં અન્ય પીરિયડ લઉં તો બાળકોને ઉપયોગી થઇ શકું તેવો વિચાર આવ્યો પરંતુ બંને આંખે દષ્ટિ ન હોવાથી વાંચ્યા વગર બાળકોને કઇ રીતે પાઠ ભણાવવા તે પ્રશ્ન ઉભો થયો. જે અંગે મે મનોમંથન કરતા તેનો ઉકેલ પણ મને મળી આવ્યો. તેઓ ઉમેરે છે કે, ઓનલાઇન ધો. ૧ થી ૫ના પર્યાવરણ(આસપાસ), ગુજરાતી વિષયોના રેકોર્ડડ વીડિયો ઉપલબ્ધ છે. તેથી મારા ઘરના લેપટોપમાં તેને ડાઉનલોડ કરી લીધા છે. લેપટોપ સાથે મારું સ્પીકર કનેકટ કરું છું. જેથી કલાસમાં બાળકોને વીડિયોમાં જે શિક્ષક પાઠનું વાંચન કરતા હોય તે જોવા મળે અને સાથે સંભળાય, વચ્ચે વચ્ચે મુદાવાર હું વીડિયો સ્ટોપ કરીને બાળકોને મુદાવાર પાઠનો મર્મ સમજાવતો જતો હોઉં છું. બાળકોને પણ આ રીતે અભ્યાસ કરવામાં ખૂબ મજા પડી રહી છે.

સ્ક્રીન પર દ્રશ્યો દેખાતા હોવાથી વિદ્યાર્થીઓને પણ ફાયદો
સ્ક્રીન પર દ્રશ્યો દેખાતા હોવાથી તેઓ એકાગ્રતાથી બેસીને સમજણ મેળવે છે. આ સાથે પ્રશ્ન –જવાબ વગેરે કરીને બાળકોને સમગ્ર પાઠ એકદમ યોગ્ય રીતે શીખવાડું છું. લેપટોપ અને સ્પીકર ઘરે થી જ લઇ આવું છું. કારણ કે, તેમાં મને ફાવે તે રીતે સેટીંગ કરેલું હોવાથી હું તેને આસાનીથી પ્રેઝન્ટેશન માટે કામમાં લઇ શકું છું. શાળાના બાળકો સાથે વાત કરતા તેઓએ પણ જણાવ્યું હતું કે, ટિચર પ્રજ્ઞાચક્ષુ હોવાછતાં તે રીતે ધગશથી અમને અભ્યાસ કરાવે છે તેને જોઇને અમને એમ થાય છે કે, જીવનમાં આપણે ધારે તે કરી શકીએ છીએ. કોઇપણ સમસ્યા ત્યાં સુધી જ સમસ્યા હોય છે જયાં સુધી તેનો ઉકેલ નથી મળી આવતો. અમારા સંગીત શિક્ષક અમારા માટે પ્રેરણારૂપ છે. તેઓ જણાવે છે કે, આ સમગ્ર કાર્યમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફનો સહયોગ હોવાથી હું મારી કામગીરી સારી રીતે પાર પાડી શકું છું.


