Ahmedabad : હસમુખભાઈ પટેલ તાલીમ વિના માત્ર બે રંગની બોલપેનથી બનાવે છે શિવજીની વિવિધ મુદ્રાની અદભુત તસવીરો
Ahmedabad : પવિત્ર શ્રાવણ મહિનામાં દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા ચિત્રો સાથે અનોખા "શિવ દર્શન" નું આયોજન પ્રાચીન શ્રી સપ્તેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીનાં કાંઠે આવેલા અતિ પ્રાચીન 'શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર' માં બે દિવસ માટે શિવ દર્શનનો પ્રારંભ 17 મી ઓગસ્ટ, 2025 રવિવારનાં રોજ સવારે 10 કલાકેથી થશે. આ શિવ દર્શનની પૂર્ણાહુતિ 18 ઓગસ્ટ, સોમવારનાં રોજ થશે. દેશનાં 12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા આ ચિત્રો અમદાવાદનાં શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા દોરવામાં આવ્યા છે.
ભગવાન શિવના 251 ચિત્રોનાં શિવ દર્શનનો પ્રારંભ વર્ષ 2006 માં થયો હતો
ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 જેટલા ચિત્રોનાં શિવ દર્શનનો પ્રારંભ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વર્ષ 2006 નાં શ્રાવણ પર્વમાં થયો હતો. ત્યારબાદ તમામ 12 જ્યોતિર્લિંગમાં "શિવ દર્શન"નું આયોજન કરાયું હતું. વર્ષ 2017 માં મહારાષ્ટ્રમાં આવેલા ઘુષ્ણનેશ્વર જ્યોતિર્લિંગમાં આ યાત્રા સંપન્ન થઈ હતી. 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી હવે શિવદર્શન ગુજરાતનાં પ્રાચીન મંદિરોમાં આયોજિત કરવાનું નક્કી કર્યું છે, જેમાં આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદી કાંઠે આવેલા પ્રાચીન મંદિર સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં શિવ દર્શનનું આયોજન કરાયું છે.
અમદાવાદનાં હસમુખભાઈ પટેલે માત્ર બે રંગનો ઉપયોગ કરી વિવિધ મુદ્રાઓ અંકિત કરી
અમદાવાદમાં પાન પાર્લરનો વ્યવસાય ધરાવતા હસમુખભાઈ પટેલ માત્ર લાલ અને કાળા એમ બે કલરનો ઉપયોગ કરી શિવ ભગવાનની વિવિધ મુદ્રાઓ અંકિત કરે છે. બાર જ્યોતિર્લિંગમાં તેમણે અંકિત કરેલી દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમા ધરાવતી કૃતિઓનું શિવદર્શનનું આયોજન પૂર્ણ થયું છે. શિવભક્ત હસમુખ પટેલનું કહેવું છે કે, ચિત્રો દોરવાની કોઈ પણ પ્રકારની તાલીમ કે શિક્ષણ લીધું નથી પરંતુ, ભગવાન શિવની કૃપાથી મહાદેવના ચિત્રો દોરું છું. ભગવાન શિવનો સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે દર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં 'શિવ દર્શન'નું આયોજન થાય તેવો સંકલ્પ પણ કર્યો છે. આ ચિત્રો ભક્તોનાં દર્શન માટે જ છે. બાર જ્યોતિર્લિંગમાં શિવ દર્શનનાં સંકલ્પને પૂરા કર્યા બાદ હવે ગુજરાતમાં પણ શિવ દર્શનનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો છે, જેમાં અગાઉ ધંધુકા નજીકનાં ભીમનાથ મહાદેવ, બોટાદ નજીકનાં ઘેલા સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ગોપનાથમાં શિવ દર્શનનું આયોજન કરાયું હતું.
ભગવાન શિવનાં રુદ્ર અવતારો મને રાત્રિ નિંદ્રામાં આવતા : હસમુખ પટેલ
શિવભક્ત હસમુખ પટેલે જણાવ્યું કે, ભગવાન શિવની ઉપાસના, સેવા બાળપણમાં જ કરવા લાગ્યો હતો. અમદાવાદના લગભગ તમામ શિવાલયોમાં શ્રૃંગાર કરવાનો લાવો મને મળ્યો હતો. ભગવાન શિવનાં રુદ્ર અવતારો મને રાત્રિ નિંદ્રામાં આવતા રહેતા હતા. પરંતુ, મને ખ્યાલ નહોતો કે આ મારી જોડે શું બની રહ્યું છે? મને એવો અહેસાસ થયો કે હું શિવજીની ભક્તિ કરું છું તો મને એના સપના આવ્યા કરે પરંતુ, બે-ચાર મહિના નીકળી ગયા છતાં આ સપના નિરંતર ચાલુ જ રહ્યા હતા. આથી, મારી પાસે જે બે બોલપેનો પડી હતી લાલ અને કાળી તેનાથી સફેદ કાગળ પર મેં એક દિવસ ભગવાન શિવના ચિત્રો દોરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આબેહૂબ જે સપનામાં આવતા હતા એ જ ભગવાન શિવના અવતારો કાગળ પર ઊતરી આવ્યા.
આ પણ વાંચો - સ્વતંત્રતા દિવસ નક્કી કરવા ઉજ્જૈનથી આવ્યા હતા પંડિતજી, ગણતરી બાદ આપ્યું સમાધાન
'ભગવાન શિવનાં જેમ-જેમ વિચારો આવ્યા તેમ વિવિધ સ્વરૂપનાં ચિત્રો બનાવ્યા'
તેમણે કહ્યું કે, હું એ ચિત્રોને જમા કરતો રહેતો. મેં કોઈ દિવસ મહાપુરાણ વાંચ્યું નથી. બસ, નિરંતર ભગવાન શિવના જેમ-જેમ વિચારો આવ્યા, જેમ-જેમ સપના આવતા હતા એમ ચિત્રો કંડારવા લાગ્યો. દરમિયાન, એક દિવસ મારા મિત્ર નરેશભાઈ દવે મારા પાર્લરે આવ્યા અને મને પૂછ્યું કે આ ચિત્ર તમે કેવી રીતે બનાવો છો ? ત્યારે મેં એમને કીધું કે મને આમાં કોઈ ખ્યાલ નથી પરંતુ, અત્યાર સુધીમાં 100 થી 150 ચિત્ર બની ચૂક્યા છે. તો એમને મને વળતો પ્રશ્ન પૂછ્યો કે આનું તમે શું કરવા માંગો છો ? ત્યારે મેં કહ્યું કે, શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આનું એક શિવદર્શન યોજાય એવી મારી ઇચ્છા છે. મારે આ માટે એક રૂપિયા પણ લેવો નથી. બસ માત્ર ભગવાન શિવના સાનિધ્યમાં સંપૂર્ણ મુદ્રાઓ ત્યાં શિવદર્શન માટે યોજાય અને લોકો તેને જોઈ અભિભૂત થાય એવી ઇચ્છા છે. ત્યારબાદ અમે શ્રી સોમનાથ દાદાના સાનિધ્યમાં 51 થી 150 મુદ્રાઓ એમના ચરણોમાં ભક્તોનાં દર્શન હેતું મૂકી હતી, જેનાં દર્શન કરી લોકો અભિભૂત થઈ ગયા હતા. ત્યારથી આ સિલસિલો દેશભરમાં 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં 12 વર્ષ સુધી ચાલ્યો હતો.
આ પણ વાંચો - કેટલા ભણેલા છે બીજાનું ભવિષ્ય બતાવનાર Dhirendra Krishna Shashtri? સત્ય જાણીને લાગશે ઝટકો
'ભગવાન શિવની ઉપાસના મારી પાસે એમને કરાવી'
શિવભક્ત હસમુખ પટેલે કહ્યું કે, 12 વર્ષ પૂર્ણ થયા ત્યારે મને યાદ આવ્યું કે ભગવાને સપનામાં કહ્યું હતું કે આ ત્રણ કલર એક હોમાત્મક કલર કહેવાય છે, જ્યારે તમે લઘુદ્ર કરો ત્યારે ત્રણ કલર વાપરવામાં આવતા હોય છે લાલ, કાળો અને સફેદ... આ એક હવનકુંડના ત્રણ કલર છે મને બિલકુલ જ્ઞાત નતું કે આ કલર એમાં વપરાય છે પણ મને યાદ થયું કે આ તો એક હોમાત્મક ભગવાન શિવની ઉપાસના મારી પાસે એમને કરાવી.
આ પણ વાંચો - Janmashtami 2025 : ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી વાંસળીનું મહત્વ અને માહાત્મ્ય


