Ambaji : આજે દેવપોઢી એકાદશી, સરસ્વતી નદીમાં ભક્તોએ સ્નાન કરી પ્રાર્થના કરી
- આજે દેવપોઢી એકાદશીનો પવિત્ર દિવસ, કોટેશ્વર મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઊમટ્યા
- ભગવાન વિષ્ણુ શયન કરે, ભગવાન શિવ બ્રહ્માંડની જવાબદારી સંભાળે એવી માન્યતા
- પ્રાચીન વિષ્ણુ મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર, 7800 વર્ષ જૂના આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ
- લોકપ્રિય મંદિરોમાંનું એક ઋષિકેશ મંદિર, લગભગ 7000-8000 વર્ષ જૂનું
- ઋષિકેશ મંદિરની બાજુમાં ભૂરા આરસપહાણથી બનેલું કર્ણિકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર
આજે 6 જુલાઈ 2025 નાં રોજ દેવપોઢી એકાદશીનો પવિત્ર દિવસ છે. આજે અંબાજી નજીક આવેલા કોટેશ્વર મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઊમટ્યા હતા. અહીં, વિષ્ણુ ભગવાનની પ્રાચીન મૂર્તિ પણ આવેલી છે. આજે ભક્તોએ સરસ્વતી નદીમાં સ્નાન કરી વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા હતા અને પ્રાર્થના કરી હતી.
ભગવાન વિષ્ણુ શયન કરે, ભગવાન શિવ બ્રહ્માંડની જવાબદારી સંભાળે
આજનાં દિવસથી પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થયો છે, જે 118 દિવસ સુધી ચાલશે. આ સમયગાળો શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કારતક માસને આવરી લે છે. દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી (1 નવેમ્બર) સુધી ચાલનારા આ સમયગાળામાં ભગવાન વિષ્ણુ શયન કરે છે અને ભગવાન શિવ બ્રહ્માંડની જવાબદારી સંભાળે છે. બીજી તરફ અંબાજી નજીક રાજસ્થાનનાં આબુરોડ નજીક અરાવલી પર્વતમાળાની વચ્ચે ઋષિકેશ ઉંમરની ગામે આવેલું પ્રાચીન વિષ્ણુ મંદિર પણ ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. 7800 વર્ષ જૂના આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. લોકમાન્યતા અનુસાર, અહીં માંગેલી માનતા પૂર્ણ થાય છે. આ મંદિરમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં ગુજરાતી અને રાજસ્થાનના ભક્તો અગિયારસ ભરવા માટે આવતા હોય છે.
આ પણ વાંચો - SUNA BESHA : 'સુના બેશા' વિધિમાં ભગવાન જગન્નાથજીના પરિવારે સોનાના આભૂષણો ધર્યા
અંબાજી નજીક રાજસ્થાનમાં આવેલું છે પ્રાચીન મંદિર
ભક્તોમાં સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક ઋષિકેશ મંદિર છે. એવું માનવામાં આવે છે કે તે લગભગ 7000-8000 વર્ષ જૂનું છે અને ગાઢ લીલાછમ અરવલ્લી જંગલની વચ્ચે ટેકરી પર આવેલું છે. પૌરાણિક રાજા અમરીશે અમરાવતી સંસ્કૃતિની યાદમાં આ મંદિર બનાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર સફેદ આરસપહાણનું માળખું છે, જેની દિવાલો પર સુંદર શિલ્પો છે. દંતકથાઓ કહે છે કે આ રાજાએ 67 "અશ્વમેધ યજ્ઞ" કર્યા હતા, જેના કારણે ભગવાન ઇન્દ્ર જોખમમાં હતા. ભગવાન ઇન્દ્રનો ક્રોધ ખરેખર વિશ્વનાં આ ભાગ પર પડ્યો હતો, જેના કારણે આ ભૂમિ ખૂબ પવિત્ર બની ગઈ હતી. રાજા અમરીશના "ઇષ્ટદેવ" અથવા પ્રમુખ દેવતા ભગવાન ઋષિકેશ હતા, જેમણે તેમને બચાવ્યા હતા.
આ પણ વાંચો - Devshayani Ekadashi 2025 : જાણો ભગવાન વિષ્ણુના પ્રિય પર્વનું મર્મ, મહત્વ અને માહાત્મ્ય
કર્ણિકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિરમાં ભક્તોની ભીડ
યજ્ઞકુંડ આજે પણ અસ્તિત્વમાં છે અને ભકતો તેની મુલાકાત લે છે. ઋષિકેશ મંદિરની બાજુમાં ભૂરા આરસપહાણથી બનેલું કર્ણિકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે. અંબાજી દર્શન કરવા આવતા ભક્તો અને માઉન્ટ આબુ તરફ જતા ભક્તો ઋષિકેશ ભગવાનનાં દર્શન, ભદ્રકાળી માતાજીનાં દર્શન અને ખાટું શ્યામ ભગવાનનાં દર્શન કરતા હોય છે. આજે અગિયારસનાં દિવસે મોટી સંખ્યામાં અહીં ભીડ જોવા મળી હતી.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી
આ પણ વાંચો - AMARNATH YATRA માટે શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો રવાના, સુરક્ષા વ્યવસ્થાની સરાહના


