Bharuch : મોડી રાતથી મેહુલિયાની ધમાકેદાર બેટિંગ, તંત્રની પ્રિ-માનસૂન કામગીરીની પોલ ખુલી
- ભરૂચમાં મોડી રાત્રીએથી વહેલી સવાર સુધી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા (Bharuch)
- ભરૂચનાં કસક સેવાશ્રમ રોડ, ફાટા તળાવ, ફુરજા ચાર રસ્તા, દાંડિયા બજાર, ડભોયાવાડમાં વરસાદી પાણી ભરાયા
- ભરૂચમાં વરસાદી પાણી ભરાતા ફાટા તળાવ વિસ્તારમાં ગટરનાં ગંદા પાણીમાં બાળકો નાહતા નજરે પડ્યા
Bharuch : ભરૂચ જિલ્લામાં ગત મોડી રાત્રીથી જ ધોધમાર વરસાદના પગલે ઠંડક પ્રસરી હતી. વહેલી સવારથી બપોર સુધી પણ વરસાદી માહોલ રહેતા ભરૂચનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
કરોડોનાં ખર્ચની કામગીરી બાદ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભરૂચ શહેરમાં કરોડોનાં ખર્ચે પેવર બ્લોકની કામગીરી બાદ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભરૂચનાં સેવાશ્રમ રોડ પર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન અને પેવર બ્લોકની કામગીરી માટે 3 કરોડ ઉપરાંતનું આંધણ કરાયું હતું. છતાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. સાથે ભરૂચનાં ફાટા તળાવથી પૂજા ચાર રસ્તા સુધી પણ બ્લોક ગટર અને RCC રસ્તા પાછળ 3 કરોડ ઉપરાંત આંધણ કરવા છતાં આ વિસ્તારમાં પણ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા વિકાસમાં વિનાશ થતો હોય તેવા આક્ષેપ થયા છે. ભરૂચનાં કસક વિસ્તારમાં પણ જાહેર માર્ગો, દાંડિયા બજાર અને ડભોયાવાડ અનેક વિસ્તારોમાં ઉભરાતી ગટરોના પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થયા હતા. આ ગંદા પાણીમાં બાળકો નહાતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો - Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારે વરસાદની આગાહી
વરસાદી કાંસની સફાઈના નામે લાખો રૂપિયા વરસાદમાં ધોવાઈ ગયાનો આરોપ
ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષે વરસાદી કાંસની સફાઈનાં નામે 50 લાખ રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. તે રીતે જ આ વખતે પણ વરસાદી કાંસની સફાઈના નામે લાખો રૂપિયા વરસાદમાં ધોવાઈ ગયા હોય તેઓ લોકો અનુભવ કરી રહ્યા છે. ભરૂચ શહેરમાં (Bharuch) વરસાદી ઝાપટાઓનાં કારણે ભરૂચમાં પણ વરસાદી માહોલ જાણતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા લોકોને હાલાકી ભોગવી પડી હતી. ભરૂચમાં રવિવારી બજાર ભરાતી હોય છે પરંતુ, ફાટા તળાવથી ફુરજા ચાર રસ્તા સુધી ધૂંટણસમા વરસાદી પાણી રહેતા રવિવારી બજારમાં પણ લોકોની નહિવત અવર-જવરનાં કારણે વેપારીઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડ્યો હોવાનાં અહેવાલો પણ સામે આવ્યા છે. સાથે વરસાદી પાણી ઘૂંટણસમા જ રહેતા લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી હોવાનાં અહેવાલો પણ મળી રહ્યા છે.
આ પણ વાંચો - Surat Rain: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી
ખુલ્લી ગટરો પણ બાળકો જોખમી બની, બિસ્માર રોડ, ખાડાઓથી નાગરિકોમાં ભય!
ભરૂચ (Bharuch) ફાટા તળાવથી ફુરજા ચાર રસ્તા તરફ જવાના માર્ગ ઉપર બ્લોક ગટરની કામગીરી અધૂરી હોય અને આરસીસી રસ્તાની કામગીરી પણ અધુરી હોય જેના કારણે ખુલ્લી ગટરો પણ બાળકો માટે જોખમી બની ગઈ છે અને વરસાદી પાણીમાં કાંસો પણ ન દેખાવાનાં કારણે જો બાળક ઘૂંટણસમા પાણીમાં પસાર થાય તો તેને ગટરમાં ડૂબી જવાનો પણ ભય ઊભો થયો છે. ત્યારે નગરપાલિકાની લાપરવાહીનાં કારણે ઘરમાં જ પૂરાઈ રહેવાની નોબત આવી હોવાનું લોકો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ શહેર-જિલ્લામાં વરસેલા વરસાદનાં કારણે ભરૂચનાં જાહેર માર્ગોની કપચીઓ પણ ઉખડી જવાના કારણે માર્ગો બિસ્માર બનતા ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણી વાહનચાલકોને નજરે ન પડતા ઘણા જાહેર માર્ગો પણ વાહનચાલકો માટે અકસ્માતનું આમંત્રણ આપતા બની ગયા હોવાની પણ માહિતી સામે આવી છે.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Gujarat Rain: સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ


