Bharuch: ભરુચમાંથી મોટા દેહ વેપારનો ભાંડો ફૂટ્યો, 14 મહિલા સહિત 18 લોકોને પોલીસે પકડ્યા
Bharuch:ગુજરાતના ઔદ્યોગિક શહેર ભરૂચમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને માનવ તસ્કરી (Human Trafficking) સાથે સંકળાયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભરૂચ SOG (Special Operations Group) અને LCB (Local Crime Branch)ની ટીમે સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન પાર પાડીને મોટા દેહ વેપાર (Prostitution) ના રેકેટનો ભાંડો ફોડ્યો છે. સ્પા અને ગેસ્ટ હાઉસોમાં દેહનો વેપાર કરાવવા બાંગ્લાદેશી શખ્સ ઘરકામ અને બ્યુટીપાલરમાં નોકરી અપાવવાની લાલચે ભારતમાં 60 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને લાવ્યો હતો. ત્યારે ભરુચમાંથી 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની મળી કુલ 14 મહિલાઓ તથા 4 પુરુષો મળી 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Bharuch: ફારૂકના રહેણાંક મકાન પર દરોડો
પોલીસના સકંજામાં આવેલો આ રેકેટનો મુખ્ય સૂત્રધાર બાંગ્લાદેશી નાગરિક ફારૂક શેખ (Farooq Sheikh) છે, જે ભરૂચમાં જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી અલફારૂક પાર્ક સોસાયટી (Alfarooq Park Society) માં રહેતો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ફારૂકના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન બાંગ્લાદેશી એજન્ટ ફારૂક અને ચાર મહિલાઓ મળી આવતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં ફારૂક શેખે કબૂલ્યું કે તે પોતે પણ ગેરકાયદેસર ઘૂસણખોર છે. તે પશ્ચિમ બંગાળનો ખોટો જન્મનો દાખલો બનાવીને છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં છુપાઈને રહેતો હતો. ફારૂક બાંગ્લાદેશમાં તેના સગા-સંબંધીઓ અને સરહદ પરના એજન્ટોના માધ્યમથી આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવતીઓનો સંપર્ક કરતો હતો અને તેમને ભારતમાં ઘરકામ, બ્યુટી પાર્લર કે અન્ય જગ્યાએ ઉંચા પગારની નોકરી અપાવવાનું વચન આપીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરાવતો હતો.
ગોવા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી તાર
ફારૂક શેખે પોલીસ સમક્ષ સ્ફોટક કબૂલાત કરી કે આજદિન સુધીમાં તેણે અંદાજે 60 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને નોકરીના બહાને ભારતમાં લાવીને અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા સેક્સ રેકેટમાં વહેંચી દીધી હતી. તેણે જણાવ્યું કે વર્તમાન રેડમાં જે 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની મહિલાઓ ઝડપાઈ છે, તે સિવાયની મહિલાઓને તેણે ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં અન્ય એજન્ટોના હવાલે કરી દીધી હતી, જે ત્યાંના સ્પા અને ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કર તરીકે કામ કરતી હતી. આ કબૂલાતથી સ્પષ્ટ થાય છે કે આ રેકેટ માત્ર ભરૂચ પૂરતું સીમિત નહોતું, પરંતુ તે આંતરરાજ્ય નેટવર્ક ધરાવતું હતું.
સ્પા અને ગેસ્ટ હાઉસ સંચાલકો પણ સહ-આરોપી
પોલીસે ફારૂક શેખના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી તો ભરૂચ અને અંકલેશ્વરના કેટલાક સ્પા અને ગેસ્ટ હાઉસના સંચાલકોની સીધી સંડોવણી ખુલી હતી. આ સંચાલકો ફારૂક પાસેથી 'સેક્સ વર્કર' તરીકે મહિલાઓને લઈને તેમને ગ્રાહકો પૂરા પાડતા હતા.
'નોકરીને બદલે અમને ધંધામાં ધકેલી દીધી'
ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ફારૂક શેખે તેમને સારી નોકરીના સપના દેખાડી ભારતમાં લાવ્યો હતો, પરંતુ અહીં આવ્યા પછી બળજબરીથી અને દબાણપૂર્વક તેમને વિવિધ ગેસ્ટ હાઉસો અને સ્પામાં દેહ વેપારના કાળા કારોબારમાં ધકેલી દેવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રુ. 65,000ની કિંમતના 5 મોબાઈલ ફોન, બાંગ્લાદેશી નેશનલ આઈડી કાર્ડ્સ અને કૂટણખાનાને લગતો અન્ય મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તમામ ઘૂસણખોરોને બાંગ્લાદેશ પાછા મોકલાશે
ભરૂચ પોલીસે આ કેસમાં કડક વલણ અપનાવ્યું છે. ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનાર તમામ 12 બાંગ્લાદેશી મહિલાઓ અને મુખ્ય એજન્ટ ફારૂક શેખને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તેમના મૂળ વતન બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે. માનવ તસ્કરી અને ગેરકાયદેસર ઘૂસણખોરીના આ ગંભીર કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે દેશવ્યાપી તપાસ શરૂ કરી છે.
મુખ્ય સંચાલકો નામ
ફારૂક શોએબ શેખ,(રહે. અલફારૂક પાર્ક, ભરૂચ,મુખ્ય એજન્ટ (બાંગ્લાદેશી)
નાઝીમખાન સઈદખાન,(રહે. જુની કોલોની અંકલેશ્વર ,ભરૂચના મુસ્કાન સ્પાનો સંચાલક)
રઈશ મહંમદ રફીક શેખ, (રહે. મોફેસર જીન ભરૂચ,મંગળ બજાર સ્થિત ગેસ્ટ હાઉસનો સંચાલક)
સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા, (રહે. સર્જન ટાવર અંકલેશ્વર",અંકલેશ્વરના ગોલ્ડન સ્પાનો સંચાલક)
અહેવાલઃ દિનેશ મકવાણા
આ પણ વાંચોઃ Surat માંથી મોટું જુગારધામ ઝડપાયું, રાંદેર પોલીસના દરોડામાં 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત


