Bhavnagar: NSUI પ્રમુખની સાયબર ફ્રોડથી કમાણી, જાણો સમગ્ર મામલો
- Bhavnagar: અમદાવાદ સાયબર ક્રાઇમે સાયબરની કાર્યવાહી
- NSUI પ્રમુખ અર્શમાનખાન બલોચની ધરપકડ
- વિદેશમાં ઠગાઈ માટે સ્થાનિકોના 11 બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા
- ફ્રોડના નાણાં આંગડિયા મારફતે ઉપાડતો
ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની તપાસમાં મોટો ખુલાસો
આ કેસની શરૂઆત અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલી એક ફરિયાદથી થઈ હતી, જેમાં એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટના બહાને 47.50 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીના લોકેશન ટ્રેક કરીને ભાવનગર જિલ્લામાંથી અર્શમાનખાન બલોચની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, અર્શમાનખાન બલોચ માત્ર કન્સ્ટ્રક્શનનો બિઝનેસમેન કે NSUIનો પ્રમુખ જ નહોતો, પરંતુ તે લાંબા સમયથી સાયબર ઠગાઈની આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલો હતો.
દુબઈ કનેક્શન અને કમિશનનું નેટવર્ક
આરોપી અર્શમાનખાન બલોચનો સંપર્ક થોડા સમય અગાઉ દુબઈની મુલાકાત દરમિયાન સાયબર ફ્રોડ કરતી ગેંગ સાથે થયો હતો. ત્યારથી તેણે આ ગેંગ માટે ભારતમાં એકાઉન્ટ્સ પૂરા પાડવાનું કામ શરૂ કર્યું. તેણે સ્થાનિક લોકોના 11 બેંક એકાઉન્ટ્સ સાયબર ઠગોને પૂરા પાડ્યા હતા, જેમાં ફ્રોડ કરીને મેળવેલા કરોડો રૂપિયા જમા થતા હતા.
બલોચનું કામ આ એકાઉન્ટ્સમાં જમા થયેલા નાણાં અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા આંગડિયા મારફતે ઉપાડી લેવાનું હતું. તે આ સમગ્ર રકમમાંથી પોતાનું 25 ટકા કમિશન રાખી લેતો હતો, અને બાકીની રકમ વિદેશમાં બેઠેલા સાયબર ઠગોને હવાલા કે ક્રિપ્ટોકરન્સી મારફતે પહોંચાડતો હતો. તપાસમાં અત્યાર સુધીમાં આ એકાઉન્ટ્સમાં કરોડો રૂપિયાની એન્ટ્રીઓ મળી આવી છે, જેમાં દોઢ કરોડ રૂપિયા આંગડિયા મારફતે મેળવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
લક્ઝુરિયસ લાઈફસ્ટાઇલ
સાયબર ફ્રોડના ગેરકાયદે નાણાંમાંથી બલોચે છેલ્લા કેટલાક સમયમાં મોટા પ્રમાણમાં સંપત્તિ વસાવી લીધી છે. તેના કબજામાંથી પોલીસને BMW, ફોર્ચ્યુનર, થાર અને ઇનોવા જેવી મોંઘી અને લક્ઝુરિયસ ગાડીઓ મળી આવી છે, જે તેની ગેરકાયદેસર કમાણીનું પ્રમાણ દર્શાવે છે. આરોપીનો તેના વિસ્તારમાં ખોફ હતો અને લોકો તેનાથી ડરતા હતા. તેના વિરુદ્ધ અગાઉ પણ બે જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હાલમાં સાયબર ક્રાઇમ પોલીસ એ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે આરોપી કેટલા સમયથી આ ફ્રોડમાં સક્રિય હતો અને કઈ રીતે તે ફ્રોડના નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશની ગેંગ સુધી પહોંચાડતો હતો.


