ગુજરાતમાં ‘કફ સિરપ’નો કાળો કારોબાર ; પ્રિસ્ક્રિપ્શન વગર મળતા ‘ઝેર’નો ગુજરાત ફર્સ્ટનો મહાખુલાસો- આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા!
- કફ સિરપનો કાળો કારોબાર : ગુજરાત ફર્સ્ટના સ્ટિંગથી મોટો ખુલાસો – આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા!
- પ્રિસ્ક્રિપ્શન વગર ‘ઝેર’નું વેચાણ : અમદાવાદની દુકાનો બેનકાબ, ગાંધીનગર સુધી હડકંપ
- ગુજરાત ફર્સ્ટનો મહાખુલાસો : કફ સિરપનો નશો યુવાનોને ગળી રહ્યો છે – આરોગ્ય વિભાગ જાગ્યું
- ડોક્ટરની ચિઠ્ઠી વગર કફ સિરપ આપતી દુકાનો ઝડપાશે? મંત્રી પ્રફુલ પાનસેરીયાનો મોટો નિર્ણય
- “આ ઝેર છે, દવા નહીં”: ગુજરાત ફર્સ્ટના સ્ટિંગથી કફ સિરપનો કાળો ધંધો ખુલ્લો પડ્યો
ગુજરાત ફર્સ્ટના સીનિયર પત્રકાર ઉમંગ રાવલના એક્સક્લુઝિવ સ્ટિંગ ઓપરેશનથી રાજ્યમાં કફ સિરપના કાળા કારોબારનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફાર્મસી સ્ટોર્સ પર ડોક્ટરની ચિઠ્ઠી વગર જ કફ સિરપ આપી દેવામાં આવે છે – એટલું જ નહીં, દુકાનદારો તો પ્રશ્ન પૂછવાનું પણ જરૂરી નથી સમજતા! આ ખુલાસાએ ગાંધીનગર સુધી હડકંપ મચાવી દીધો છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસરથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ તુરંત તપાસના આદેશ આપ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગના અધિક કમિશનર ધનંજય ત્રિવેદીએ પણ કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
ગુજરાત ફર્સ્ટના સ્ટિંગ ઓપરેશનમાં જાણવા મળ્યું કે અમદાવાદના વટવા, નિકોલ, બોપલ, સેટેલાઇટ, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોની મેડિકલ સ્ટોર્સ પર કોઈ પણ પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન માંગવામાં આવતું નથી. કફ સિરપ જેવી શેડ્યુલ H અને શેડ્યુલ H1 શ્રેણીની દવાઓ કે જે નશીલી અસર કરી શકે છે, તે ખુલ્લેઆમ વેચાઈ રહી છે.
આ સિરપમાં કોડીન, ડેક્સ્ટ્રોમેથોર્ફન જેવા પદાર્થો હોય છે, જે વધુ પડતા પ્રમાણમાં લેવામાં આવે તો નશાનો આનંદ આપે છે અને લિવર-કિડનીને ગંભીર નુકસાન પહોંચાડે છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં આવી જ કફ સિરપમાં સોલ્વન્ટ મિક્સ કરીને વેચવાના કારણે બાળકોના મોત થયા હતા. તે કેસનો હવાલો આપતાં આરોગ્ય વિભાગના અધિક કમિશનર ધનંજય ત્રિવેદીએ કહ્યું, “શેડ્યુલ H દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચી જ ન શકાય. જો મેડિકલ સ્ટોર ધારકો ડોક્ટરની પ્રેક્ટિસ કરશે તો તેમની સામે કડકમાં કડક પગલાં લેવાશે.”
ગુજરાત ફર્સ્ટના ખુલાસા પછી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ તુરંત પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “આજે જ હું આરોગ્ય સચિવ સાથે ચર્ચા કરીશ અને સમગ્ર મામલાની ઊંડી તપાસ કરાવીશ. ડોક્ટરની પરવાનગી વગર આવી દવાઓનું વેચાણ થઈ શકે નહીં. આવી દવાઓ ખાસ કરીને બાળકો માટે ખતરારૂપ છે. દોષિત મેડિકલ સ્ટોર ધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
રાજ્યના અન્ય મંત્રી જીતુ વાઘાણીએ પણ આ મામલે ગંભીરતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “પ્રતિબંધિત કે શેડ્યુલ દવાઓ મેડિકલ સ્ટોરમાં ડોક્ટરની ચિઠ્ઠી વગર વેચાઈ શકે નહીં. હું આરોગ્ય મંત્રી અને વિભાગને આ બાબત ધ્યાને મૂકીશ. જો આવું થતું હશે તો આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લેશે.”
આ ખુલાસામાં જાણવા મળ્યું કે ઘણા યુવાનો અને કિશોરો આ કફ સિરપનો નશા માટે ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક કેસમાં તો એક જ વખતે 4-5 બોટલ ખરીદી લેવામાં આવે છે, અને દુકાનદારો એક પણ પ્રશ્ન નથી પૂછતા. ડ્ર્ગ્સ કંટ્રોલ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ગુજરાતમાં આવા કફ સિરપના દુરુપયોગના હજારો કેસ નોંધાયા છે, અને ઘણા યુવાનોને ડી-એડિક્શન સેન્ટરમાં દાખલ કરવા પડ્યા છે. ગુજરાત ફર્સ્ટના સ્ટિંગમાં દેખાતું હતું કે એક જ વિસ્તારમાં 80%થી વધુ દુકાનો પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ આપી રહી છે.
આરોગ્ય વિભાગે હવે મોટા પાયે ચેકિંગ અભિયાન શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. FDCA (ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) દ્વારા દોષિત મેડિકલ સ્ટોર્સની લાઇસન્સ રદ કરવાથી લઈને ફોજદારી કાર્યવાહી સુધીના પગલાં લેવાની વાત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “આવી દવાઓનું વેચાણ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની કલમ 18(c)નો સીધો ભંગ છે, જેમાં 5 વર્ષ સુધીની જેલ અને લાખોનો દંડ થઈ શકે છે.”
આ ખુલાસાએ ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા કાળા કારોબારીઓને બેનકાબ કર્યા છે. ગુજરાત ફર્સ્ટના આ અહેવાલથી રાજ્ય સરકાર સુધી પડઘમ પડ્યા છે. આગામી દિવસોમાં મોટા પાયે કાર્યવાહીની અપેક્ષા છે.
આ પણ વાંચો- Ahmedabad : AMCનો સપાટો; BU ફાયર NOC વગરના 28 એકમો સીલ, હોસ્પિટલથી ટ્યુશન ક્લાસ સુધી કાર્યવાહી