અમરેલીના જાફરાબાદ દરિયામાં ગુમ માછીમારનો મળ્યો મૃતદેહ, પરિવારમાં શોકનું મોજું
- અમરેલી દરિયામાં લાપતા માછીમારનો મળ્યો મૃતદેહ
- જયશ્રી તાત્કાલિક બોટનો લાપતા ખલાસીની લાશ મળી
- નવસારીના વાંસી બોરસી ગામેથી મળી ખલાસીની લાશ
- લાપતા હરેશ બારૈયાનો મૃતદેહ મળી આવ્યો
- મૃતક હરેશ બારૈયાના પરિવારમાં ફરી વળ્યું શોકનું મોજું
- જાફરાબાદના દરિયામાં લાપતા થયા હતા 9 માછીમાર
અમરેલી : અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં લાપતા થયેલા નવ માછીમારોમાંથી એક માછીમાર હરેશ બારૈયાનો મૃતદેહ નવસારીના વાંસી બોરસી ગામ નજીક દરિયાકાંઠે મળી આવ્યો છે. હરેશ બારૈયા ‘જયશ્રી’ નામની બોટનો ખલાસી હતો. આ ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જાફરાબાદના દરિયામાંથી ‘જયશ્રી’ બોટ સહિત નવ માછીમારો ગત સપ્તાહે લાપતા થયા હતા. આ ઘટના બાદ નેવી, કોસ્ટગાર્ડ, હેલિકોપ્ટર અને બે વેસલની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં હરેશ બારૈયાનો મૃતદેહ નવસારીના વાંસી બોરસી ગામ નજીકથી મળ્યો છે.
અન્ય એક મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને તે કયા ખલાસીનો છે તેની તપાસ ચાલી રહી છે. લાપતા થયેલા બાકીના સાત માછીમારોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રીના આદેશ મુજબ વહીવટી તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચો- Ahmedabad: સેમિકન્ડક્ટર ક્ષેત્રે સર્વોપરિતાની દિશામાં ભારતનું પ્રથમ પગલું
પરિવારજનોમાં શોક
હરેશ બારૈયાના મૃતદેહ મળવાની જાણ થતાં તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. લાપતા માછીમારોના પરિવારજનો દ્વારા રાજ્ય સરકારને બાકીના માછીમારોને શોધી કાઢવા અને આવી ઘટનાઓ રોકવા માટે સત્વર પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
જાફરાબાદના દરિયામાં વારંવારની દુર્ઘટનાઓ
અમરેલી જિલ્લાના જાફરાબાદ અને રાજુલા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી એ મુખ્ય આજીવિકા છે, પરંતુ દરિયામાં વધતી જતી પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને કટોકટીની આરોગ્યસંભાળ સેવાઓના અભાવે માછીમારોના જીવને જોખમ વધી રહ્યું છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે, જેમાં માછીમારો દરિયામાં લાપતા થયા હતા. આ ઘટનાએ દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતી માટે વધુ સઘન પગલાંની જરૂરિયાત ઉભી કરી છે.
આ પણ વાંચો- ભુજની સંસ્કાર કોલેજ બહાર વિદ્યાર્થીને માર્યા છરીના ઘા : BCA યુવતી અને મિત્ર ઈજાગ્રસ્ત, આરોપી ફરાર


