ગોંડલમાં મકાન ધરાશાયી, 2 મહિલાઓ સહિત 3 લોકો દટાયા
- મકાનમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી
- પતિ પત્ની અને માતા મકાન પડતા દટાઇ ગયા હતા
- તંત્ર દ્વારા તત્કાલ રાહત કામગીરી શરૂ કરાઇ હતી
ગોંડલ નાં સહજાનંદનગર વિસ્તાર માં વહેલી સવારે બે માળનું મકાન ધડાકાભેર ધરાશઇ થતા મકાન માં સુતેલા મકાન માલિક તથા તેની માતાને ગંભીર ઇજાઓ પંહોચી હતી.જ્યારે તેના પત્નિનું દબાઇ જવાથી મોત નિપજ્યુ હતુ.ફાયર બ્રિગેડ ટીમે ચાર કલાક ની જહેમત બાદ ઇજાગ્રસ્ત માતા પુત્ર ને મલબા માંથી બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા.જ્યારે દબાઇ જવાથી મૃત્યુ પામેલા મહીલાનાં મૃતદેહ ને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રેલ્વેસ્ટેશન ચોક માં પાન નો ગલ્લો ચલાવતા અને સહજાનંદનગર ગરબીચોક નાં ખુણે રહેતા સુનિલભાઇ આશાનંદ વરધાણી ઉ.50 નું બે માળનું મકાન સવારે સાત કલાકે ધડાકાભેર ધરાશઇ થતા મકાન માં સુતેલા સુનિલભાઇ તેમનાં પત્નિ ઉષાબેન ઉ.40 તથા માતા નીતાબેન ઉ.70 કાટમાળ હેઠળ દબાઇ ગયા હતા. જેમા ઉષાબેન નું મોત નિપજ્યુ હતુ.જ્યારે સુનિલભાઇ તથા તેમની માતાને ગંભીર ઇજાઓ પંહોચી હતી.
મકાન ધરાશઇ થતા ધડાકો થયો હોય પાડોશીઓ એ પહેલા તો ભુકંપ આવ્યાનો ડર અનુભવ્યો હતો.બાદ માં મકાન જમીનદોસ્ત થયાની જાણ થતા દોડી ગયા હતા.બનાવ અંગે સ્થાનિક આગેવાન દશુભા જાડેજાએ આ વિસ્તાર માં રહેતા ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમાને જાણ કરતા તેમણે ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી.દરમિયાન નગરપાલિકા નાં સદસ્ય ગૌતમભાઇ સિંધવ, આ વિસ્તાર માં રહેતા જીતુભાઇ આચાર્ય, જીતુભાઇ પંડ્યા સહિત યુવાનો અને લતાવાસીઓ ઘટના સ્થળે દોડી જઇ જેસીબી,ક્રેઇન, કટર અને એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી ફાયર ટીમ સાથે રાહત કામગીરી શરુ કરી હતી.બનાવ નાં પગલે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,ગણેશભાઈ, અશોકભાઈ પીપળીયા તથા નગરપાલિકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી સહિત આગેવાનો દોડી આવ્યા હતા.બી'ડીવીઝન પીઆઇ ગોસાઇ, પીએસઆઇ ઝાલા સહિત પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પંહોચ્યો હતો.
ફાયર ટીમ દ્વારા ચાર કલાક નું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઇજાગ્રસ્ત માતા પુત્ર ને મલબામાં થી બહાર કાઢ્યા હતા. મકાન સંપુર્ણ જમીનદોસ્ત થયુ હોય દિવાલો અને છત ને કટરથી કાપવા પડ્યા હતા.અને ક્રેઇન તથા જેસીબી દ્વારા દુર ખસેડાયા હતા.કાટમાળ નીચે સુનિલભાઇ દિવાલ અને બારણા વચ્ચે ફસાઈ ગયા હોય ફાયર ટીમ ની ભારે જહેમત ને અંતે બહાર કઢાયા હતા.કાટમાળ માં દબાયેલા સુનિલભાઇ તથા તેમનાં વૃધ્ધ માતા ને ફ્રેક્ચર સહીત ગંભીર ઇજાઓ થઇ છે.
જમીનદોસ્ત થયેલું મકાન 35 વર્ષ જુનુ હતુ.હાલ રિનોવેશન સાથે દિવાલોમાં નવુ પ્લાસ્ટર થઇ રહ્યુ હતુ.મકાન ની હાલત જોતા પાડોશીઓ એ મકાન માં નહી રહેવાની સલાહ સુનિલભાઇ ને આપી હતી.પણ સલાહ ને ગણકારી સુનિલભાઇ તેના પત્નિ અને વૃધ્ધ માતા મકાન માં રાત્રીના સુતા હતા.તેમના નાનાભાઇ કમલેશભાઈ તેના પત્નિ અન્ય જગ્યાએ સુવા ગયા હતા.જ્યારે સુનિલભાઇ નો પુત્ર અને પુત્રી જમીનદોસ્ત થયેલા મકાન માંજ સુતા હતા.પરંતુ વહેલી સવારે સ્કુલે જવા નીકળી ગયા હોય તેનો બચાવ થવા પામ્યો હતો. મકાન જમીનદોસ્ત થતા ઘરમાં રહેલી ફ્રીજ,ટીવી,એસી સહીત ઘરવખરીનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. બનાવ નાં પગલે સહજાનંદનગર વિસ્તાર નાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
સહજાનંદનગર માં જમીનદોસ્ત થયેલા મકાન માં ઉપરનાં માળે સુનિલભાઇ તથા તેનો પરિવાર જ્યારે નીચે તેમના નાનાભાઈ કમલેશભાઈ પરિવાર સાથે રહેછે. મકાન નું રિનોવેશન ત્રણ દિવસ પહેલા શરુ કરાયુ હતુ.કામ કરનાર કોન્ટ્રાક્ટર હિતેશભાઈ ટાંકે જણાવ્યું કે મકાન માં પ્લાસ્ટર તોડવાનું કામ ચાલીરહ્યુ હતુ.મકાન જુનુ હોય છ થી સાત ટેકાચોકા માર્યા હતા.મે સુનિલભાઇ ને કહેલુ કે કામ ચાલુ હોય પરીવાર નું રહેવુ હિતાવહ નથી.તેમ છતા સુનિલભાઇ રાત્રે રોકાયા હતા.જ્યારે તેમના ભાઈ કમલેશભાઈ પરીવાર સાથે અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા હતા.


