છોટાઉદેપુર બાળકી હત્યા કેસ: તાંત્રિક વિધિ નહીં, આંતરિક તકરારે લીધો નિર્દોષનો જીવ
- છોટાઉદેપુર બોડેલીમાં બાળકીની હત્યા મામલે મોટા સમાચાર
- તાંત્રિક વિધિ કે અંધશ્રદ્ધામાં હત્યા નહીં થયાનો મોટો ખુલાસો
- પાણેજ ગામમાં સાડા ચાર વર્ષની બાળકીની કરાઈ હતી હત્યા
- પાડોશીએ જ કુહાડીના ઘા ઝીંકીને કરી હતી બાળકીની હત્યા
- પોલીસે આરોપીની કરેલી પૂછપરછમાં થયો મોટો ઘટસ્ફોટ
- મૃતક બાળકીના પરિવાર સાથે આરોપીને થઈ હતી તકરાર
- આંતરિક તકરારના લીધે આરોપીએ બાળકીની કરી હત્યા
- આરોપીના ઘરેથી નથી મળ્યો કોઈ તાંત્રિક વિધિનો સામાન
- આરોપી લાલુ તડવી માનસિક રીતે વિકૃત હોવાનો ખુલાસો
- વિકૃતિ અને સ્વભાવના લીધે પત્નીએ પણ આરોપીનો છોડ્યો
- 10 વર્ષથી આરોપી લાલુ તડવી રહેતો હતો એકલો
- બાળકોને લઈને પત્નીએ પણ આરોપીને તરછોડી દીધો હતો
ChhotaUdepur : આપણા દેશમાં બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. જોકે, આવું દેશમાં તમાામ લોકો નથી માની રહ્યા. તાજેતરમાં બનેલી એક ઘટનાએ આ વાત પર વિશ્વાસ કરવા મજબૂર કર્યા છે. જીહા, છોટાઉદેપુરના બોડેલીમાં બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે, આ હત્યા તાંત્રિક વિધિ અને અંધક્ષદ્ધામાં થઇ હતી, પરંતુ તાજેતરમાં સ્પષ્ટતા થઇ કે આ હત્યા કુહાડીના ઘા ઝીંકીને કરવામાં આવી હતી. કોણે આ હત્યા કરી અને તેની પાછળનું કારણ શું છે આવો જાણીએ આ આર્ટિકલમાં...
ઘટનાનો ઘટસ્ફોટ: પાડોશી જ નીકળ્યો હત્યારો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા પાણેજ ગામમાં સાડા ચાર વર્ષની એક નાનકડી બાળકીની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો હતો. શરૂઆતમાં આ ઘટનાને અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિ સાથે જોડવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસમાં થયેલા નવા ખુલાસાએ આ મામલાને એક અલગ જ દિશા આપી છે. આ હત્યા પાછળ કોઈ ધાર્મિક આડંબર કે અંધવિશ્વાસ નહીં, પરંતુ આંતરિક તકરાર અને આરોપીની માનસિક વિકૃતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે આરોપી લાલુ તડવીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી. જાણવા મળ્યું કે, આ હત્યા તાંત્રિક વિધિ કે અંધશ્રદ્ધાના નામે નહીં, પરંતુ મૃતક બાળકીના પરિવાર સાથેની જૂની અદાવતના કારણે કરવામાં આવી હતી. આરોપીએ નિર્દોષ બાળકી પર કુહાડીથી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાએ ગામમાં ભય અને આક્રોશનું વાતાવરણ ઊભું કરી દીધું છે.
આરોપીની માનસિક સ્થિતિ અને એકલવાયું જીવન
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે આરોપી લાલુ તડવી માનસિક રીતે અસ્થિર હતો. તેની વિકૃત માનસિકતા અને આક્રમક સ્વભાવના કારણે તેની પત્નીએ પણ તેને છોડી દીધી હતી. છેલ્લા 10 વર્ષથી લાલુ એકલો જ રહેતો હતો અને તેની પત્ની બાળકોને લઈને તેનાથી અલગ થઈ ગઈ હતી. આ એકલતા અને માનસિક વિકૃતિએ તેને આવા ઘાતકી કૃત્ય તરફ દોરી ગયો હોવાનું પોલીસનું માનવું છે. જણાવી દઇએ કે, શરૂઆતમાં આ હત્યાને તાંત્રિક વિધિ સાથે જોડવાના પ્રયાસો થયો હતો, પરંતુ પોલીસે આરોપીના ઘરની તપાસ કરતાં ત્યાંથી કોઈ તાંત્રિક સામગ્રી કે વિધિના સંકેતો મળ્યા નથી. આ ખુલાસાએ સ્પષ્ટ કરી દીધું કે આ ઘટના પાછળ અંધશ્રદ્ધા નહીં, પરંતુ વ્યક્તિગત ઝઘડો અને આરોપીની વિકૃત મનોવૃત્તિ જવાબદાર હતી.
પરિવાર અને ગામમાં શોકનું મોજું
આ નિર્દોષ બાળકીની હત્યાથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પાણેજ ગામના લોકોમાં પણ આ ઘટનાને લઈને ગુસ્સો અને ડરનો માહોલ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. જણાવી દઇએ કે, પોલીસે આરોપી લાલુ તડવીની ધરપકડ કરીને તેની સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં આ ઘટનાના તમામ પાસાંઓને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
આ પણ વાંચો : Surat : પરિણિતા પર વિધિના નામે દુષ્કર્મ આચરનારા ભૂવાની ધરપકડ


