Chhota Udepur માં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ફરિયાદ, સ્થાનિકોએ ભાંડો ફોડ્યો, ચાર ટ્રકો જપ્ત
- છોટા ઉદેપુરના (Chhota Udepur) પાવીજેતપુરમાં રેતી ખનન મુદ્દે ફરિયાદ
- સ્થાનિકો અને ભૂમાફિયાઓ વચ્ચે બબાલ થતા અધિકારીઓ દોડ્યા
- મજૂરીકામ કરી રેતી ભરતા સ્થાનિકો અને મશીનથી ચોરી થતી હોવાનો ખુલાસો
- અધિકારીઓએ ગેરકાયદે રેતી ખનન સાથે ચાર ટ્રકોને પકડી પાડ્યા
Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામે ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે મોટો હોબાળો મચ્યો છે. સ્થાનિકો હાથ મજૂરી કરીને ટ્રેક્ટરમાં રેતી ભરીને જીવન ચલાવે છે, પરંતુ હદબાણની બહાર હિટાચી મશીનનો ઉપયોગ કરીને ભૂમાફિયાઓ દ્વારા મોટા પાયે રેતીની ચોરી થઈ રહી હોવાનો આરોપ લાગ્યો છે.સ્થાનિકોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભાંડો ફોડતાં અધિકારીઓને તાત્કાલિક જાણ કરી હતી. જે બાદ ખાણ-ખનીજ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ગેરકાયદેસર રેતીથી ભરેલા ચાર ટ્રકોને જપ્ત કર્યા હતા.
સ્થાનિકોએ અધિકારીઓ સામે ઠાલવ્યો રોષ
આ ઘટના દરમિયાન સ્થાનિકોએ અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો અને સવાલ ઉઠાવ્યો કે, ટ્રેક્ટરથી રેતી ભરવામાં આવે તો તરત દેખાય છે અને કાર્યવાહી થાય છે, પરંતુ મશીનોના ઉપયોગથી થતું મોટું ખનન કેમ અધિકારીઓની નજરે નથી પડતું? વધુમાં, ભારે વાહનો અને મશીનોથી પુલ તેમજ બ્રિજને વધુ નુકસાન થાય છે તેવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
ગેરકાયદેસર રેતી ખનન પર ઉઠ્યા ગંભીર સવાલો
આ ઘટનાએ જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઓરસંગ નદીના કિનારે આવેલા વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓને કારણે પુલોના પાયા નબળા પડી રહ્યા છે અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખનીજ વિભાગની કામગીરી પર પણ શંકાના વાદળો છવાયા છે. સ્થાનિકોની માંગ છે કે મશીનોના ઉપયોગ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવે અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: Vadodara: નશામાં ધૂત કારચાલકે ટૂ-વ્હીલર દંપતીને અડફેટે લીધા, કારચાલકની અટકાયત


