ઇડર તાલુકામાં ધાર્મિક સ્થાનોના દબાણ મુદ્દે વિવાદ
- ઇડર તાલુકામાં ધાર્મિક સ્થાનોના દબાણ મુદ્દે વિવાદ
- દબાણો દુર કરવા અપાયેલી નોટીસ બાદ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆત
ઇડર તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલ નવ ધાર્મિક સ્થળોને તંત્ર દ્વારા હાઇકોર્ટના આદેશના અનુસંધાનમાં દબાણ ગણાવીને એક સપ્તાહમાં દૂર કરવાની નોટીસ ફટકારાતા વિવિધ હિન્દૂ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. જેના પગલે બુધવારે વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓએ મિટિંગ યોજી મામલતદારને રજુઆત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઇડર મામલતદાર કચેરી સામે આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર સહિત રેલ્વે સ્ટેશન પાસેના સંકટમોચન હનુમાનજી મંદિર, વલાસણ રોડ પરનું સુરપુર હનુમાનજી મંદિર, ગંભીરપુરા, બડોલી, કડિયાદરા તથા મોટાકોટડા નજીક બીજલ માતાજી મંદિર અને બકરપુરા પાસે આવેલી એક દર્ગા સહિત ૯ ધાર્મિક સ્થાનોના દબાણને દૂર કરવાનો વિવાદ ચાલી રહયો હતો. ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો. જેની સુનાવણી તાજેતરમાં થયા બાદ ન્યાયાધિશે દબાણો દુર કરવા માટે આદેશ કર્યો હતો. જેથી સ્થાનિક તંત્ર દ્વારા આ દબાણો દુર કરવા માટે નોટીસની બજવણી કરાઈ હતી. જેને લઈને ઈડર તાલુકાના વિવિધ હિન્દૂ સંગઠન તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને સ્થાનિક મંદિરોના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં એક વિશેષ બેઠક યોજાઇ હતી.
જેમાં પ્રાંતસહ ધર્માચાર્ય પ્રદીપભાઈ ખરાદી, બજરંગ દળના જિલ્લા સંયોજક સંજયભાઈ ભોઈ, પ્રખડ મંત્રી રવિભાઈ શંખેશ્વર, જગદીશભાઈ મિસ્ત્રી, જયેશભાઈ મિસ્ત્રી, દીપકભાઈ ભરવાડ, ભાવેશભાઈ સોની સહિત કાર્યકર્તાઓએ મીટીંગ યોજી હતી.
ત્યારબાદ આ મામલે ઈડર મામલતદારને લાગણી સભર રજુઆત કરાઈ હતી. જેમાં જણાવાયા મુજબ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મંદિર તોડવાની કાર્યવાહી હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાશે. તમામ મંદિરના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઈને વૈકલ્પિક યોજના બનાવવા આગ્રહ કરાયો હતો. જો તંત્ર દબાણ હટાવશે તો ધર્મપ્રેમી જનતા દ્વારા આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. જરૂર પડે હિન્દુ સંગઠનો રક્ષક બનીને ધાર્મિક સ્થળોની ઢાલ બનશે.
અહેવાલ: યશ ઉપાધ્યાય, સાંબરકાંઠા
આ પણ વાંચો- રંગકામ કરતા બાપની ઝિંદગી બેરંગ થતા અટકાવી અમદાવાદની કિડની હોસ્પિટલે! ગરીબ બાપના પુત્રને મળ્યું નવજીવન


