Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Digital Gujarat : અધૂરા અભ્યાસે બાળક શાળા ન છોડે તે માટે AI નો નવતર પ્રયોગ

EWS દ્વારા સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ
digital gujarat   અધૂરા અભ્યાસે બાળક શાળા ન છોડે તે માટે ai નો નવતર પ્રયોગ
Advertisement
  • Digital Gujarat : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ છોડતા અટકાવવા અગમચેતીના પગલાં માટે ગુજરાત કરી રહ્યું છે AIનો ઉપયોગ
  • શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે અમલમાં મૂકી AI આધારિત Early Warning System-અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS)
  • EWS થકી સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા લગભગ 1,68,000 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી, જેમના પર અપાશે વિશેષ ધ્યાન
  • શાળા પ્રવેશોત્સવ 2025 દરમિયાન ઓળખ કરાયેલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આમંત્રિત કરવામાં આવશે, બાળકની પ્રગતિ માટે શાળાકીય શિક્ષણના મહત્વની સમજણ આપવામાં આવશે

Digital Gujarat :  ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષ 2002-03થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમના પરિણામે આજે ગુજરાતની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2001-02 જ્યાં ધો 1 થી 8માં વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપઆઉટરેશિયો School Dropout Ratio   37.22 ટકા હતો, તે વર્ષ 2023-24માં ઘટીને 2.42 ટકા થયો.

Advertisement

Early Warning System EWS કાર્યરત 

ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો -School Dropout Ratio લગભગ શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા માટે Artificial Intelligence (AI) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) લાગૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ શાળા છોડીને જઇ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે, જેથી તેઓને શાળા છોડતા અટકાવી શકાય અને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરી શકાય.

Advertisement

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ (ધો- 1 થી 8)માં આજે લગભગ 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, અને આ વિદ્યાર્થીઓમાંથી EWS થકી અત્યારસુધીમાં લગભગ 1,68,000 એટલે કે 2%થી પણ ઓછા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, જેઓ સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવે છે. રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે કે EWS દ્વારા ઓળખી કાઢવામાં આવેલ સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા આ 1,68,000 બાળકો તેમનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખે. આ માટે આ બાળકો અને તેમના વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે, અને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે, તેની સમજ આપવામાં આવશે. આમ, સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા રાજ્ય સરકાર સક્રિયપણે કાર્યરત છે.

શું છે AI આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS)?

સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી AI આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) પ્રાથમિક શાળામાં (ધો- 1 થી 8) ભણતા પ્રત્યેક વિદ્યાર્થીના રેકોર્ડ (ઉંમર, જાતિ, વિકલાંગતા વગેરે), શાળા પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની અગાઉથી આગાહી કરે છે અને તેને અટકાવવા માટેના પગલાં લેવા માટે એલર્ટ આપે છે.

આ સિસ્ટમમાં એલ્ગોરિધમ્સ Algorithms દ્વારા ડેટાની પેટર્નની ઓળખ કરીને સંભવિત ડ્રોપઆઉટ School Dropout  લેનારા બાળકની ઓળખ કરવામાં આવે છે, જેથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપીને ડ્રોપઆઉટ થયા પહેલા જ સમયસર પગલાં લઇ શકાય.

વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ માટેના મુખ્ય પરિબળોમાં શાળામાં તેમની સતત ગેરહાજરી, શાળા શિક્ષણમાં નબળું પ્રદર્શન, બાળકની તંદુરસ્તી અને શારીરિક વિકલાંગતા, બાળકની વર્તણૂંક વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની શાળા સંબંધિત માહિતી જેમકે, વિદ્યાર્થીની શાળાનો પ્રકાર (સરકારી, સહાયિત, ખાનગી વગેરે), મલ્ટિગ્રેડ વર્ગખંડો, શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, તેમજ વિદ્યાર્થીઓના પરિવાર અંગેની માહિતી જેમકે, પરિવારની આર્થિક સ્થિતિ, પરિવારનું સ્થળાંતર, ઘરમાં શિક્ષણ અંગેના વિચારો અને ધારણા, પરિવારમાં બાળકોની સંખ્યા, વસ્તી વિષયક માહિતી વગેરેનો પણ સંભવિત ડ્રોપઆઉટ બાળકની ઓળખ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

આમ, આ સિસ્ટમનો ઉદ્દેશ મુખ્ય સૂચકાંકોના આધારે શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા બાળકોની ઓળખ કરવાનો છે. આવા બાળકોની ઓળખ થઈ ગયા પછી તેમની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, નિવારક પ્રતિભાવ વ્યૂહરચનાઓ અને હસ્તક્ષેપોના માધ્યમથી તેમને શાળામાં ટકી રહેવા માટે સહયોગ પૂરો પાડવામાં આવશે.

EWS દ્વારા સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ

ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં EWS દ્વારા સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા લગભગ 1,68,000 બાળકોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતાં અને ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી તમામ શાળાઓને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)ના લોગઇનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યાદી મુજબના બાળકોને શાળા છોડતા અટકાવવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025 દરમિયાન બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) કો-ઓર્ડિનેટર, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર (CRC) કો-ઓર્ડિનેટર અને શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) મારફતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓનો સંભવિત ડ્રોપઆઉટ અટકાવવા માટે અગમચેતીના જરૂરી પગલાં લેવા માટે જિલ્લા કક્ષાએથી યોગ્ય આદેશ, સમીક્ષા અને મોનિટરીંગ હાથ ધરવામાં આવશે.

બાળકોના વાલીઓને કોઇ જ પ્રકારની નકારાત્મક કે શરમજનક લાગણીનો અનુભવ ન થાય તે કાળજી 

EWS દ્વારા ઓળખી કાઢવામાં આવેલ સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા બાળકો અને તેમના વાલીઓને આગામી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે, તેની વાલીઓને સમજણ આપવામાં આવશે. આ ઉપરાંત, આ બાળકોના વાલીઓને કોઇ જ પ્રકારની નકારાત્મક કે શરમજનક લાગણીનો અનુભવ ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે.

સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ સંબંધિત પરિબળોની ઓળખ કર્યા પછી, તેમને શાળા છોડતા અટકાવવા માટે તેમના વાલીઓ સાથે ચર્ચા કરીને બાળકો શાળા શિક્ષણ પૂર્ણ કરે અને તેમનું શાળામાં સ્થાયીકરણ સુનિશ્ચિત થાય તે અંગે શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે ડ્રોપઆઉટ થવાની સંભાવના ધરાવતા બાળકો અચૂક શાળા પ્રવેશ મેળવે અને નિયમિતપણે શાળાએ આવે તે શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત સુનિશ્ચિત કરવામાં આવશે.

આમ, અર્લી વૉર્નિંગ સિસ્ટમ થકી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ કર્યા બાદ લોકજાગૃતિ, વાલીસંપર્ક અને સામુદાયિક સહયોગ થકી બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવશે.

આ પણ વાંચો : WhatsApp ચેટ્સને AI સુંદર બનાવશે, અદ્ભુત ફીચર જાણો કેવી રીતે કરશે કામ

Tags :
Advertisement

.

×