Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Doodh Sanjeevani Yojana : ગુજરાતના ભવિષ્યને મળ્યું શક્તિનું 'અમૃત' પોષણ

મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણયુક્ત દૂધનું વિતરણ કરીને બાળકો અને માતાઓને સુપોષિત બનાવવાનો
doodh sanjeevani yojana   ગુજરાતના ભવિષ્યને મળ્યું શક્તિનું  અમૃત  પોષણ
Advertisement
  • Doodh Sanjeevani Yojana: ગુજરાતના ભવિષ્યને મળ્યું શક્તિનું 'અમૃત' પોષણ
  • દૂધ સંજીવની યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના ૯.૭૫ લાખથી વધુ બાળકોને મળ્યો લાભ
  • રાજ્યના ૨૦ જિલ્લાના ૧૦૫ આદિજાતિ અને ૩૬ વિકાસશીલ ઘટકોને મળી કુલ ૧૪૧ ઘટકોમાં આ યોજના કાર્યરત
  • આંગણવાડીમાં નોંધાયેલા ૬ માસથી ૬ વર્ષના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ અપાય છે ૧૦૦ મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ

Doodh Sanjeevani Yojana : ગુજરાત સરકારે બાળકોના સશક્ત ભવિષ્ય માટે 'દૂધ સંજીવની યોજના' અમલી બનાવી છે. આ યોજના લાખો બાળકો માટે જીવનદાયી બની છે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ અપાતી દૂધ સંજીવની તેમને રોગો સામે લડવાની શક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. બાળ સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ યોજના, ગુજરાતના આદિવાસી બાળકો માટે આશીર્વાદ બની રહી છે.

Advertisement

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૯,૭૫,૧૦૩ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓને દરરોજ પોષણથી ભરપૂર દૂધ આપવામાં આવે છે. આ યોજના થકી બાળકો તંદુરસ્ત રહી ભણતરમાં વધુ ધ્યાન આપી શકે છે.

Advertisement

રાજ્યના ૨૦ જિલ્લાના ૧૦૫ આદિજાતિ અને ૩૬ વિકાસશીલ ઘટકોને મળી કુલ ૧૪૧ ઘટકોમાં આ યોજના કાર્યરત છે. તેનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણયુક્ત દૂધનું વિતરણ કરીને બાળકો અને માતાઓને સુપોષિત બનાવવાનો છે.

Doodh Sanjeevani Yojana : યોજના હેઠળ લાભાર્થીઓને આપાતી સહાય

આંગણવાડીમાં નોંધાયેલા ૬ માસથી ૬ વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ ૧૦૦ મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. આ દૂધ તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

સગર્ભા અને ધાત્રી માતાઓને ૬ માસ સુધી બુધવાર અને શુક્રવાર એમ અઠવાડિયામાં બે દિવસ ૨૦૦ મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે, જે ગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમિયાન તેમના અને શિશુના પોષણને ટેકો આપે છે.

રાજ્ય સરકારે આ યોજનાની મહત્તાને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૧૩૩.૨૬ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઈ સુનિશ્ચિત કરે છે કે રાજ્યના વધુ ને વધુ જરૂરિયાતમંદ બાળકો અને માતાઓને પોષણ નિયમિતપણે મળતું રહે.

ગુજરાત સરકારની આ પહેલ રાજ્યને કુપોષણ મુક્ત બનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે, જે આવનારી પેઢીના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યનો પાયો નાખી રહી છે. રાજ્યના બાળકોના પોષણ સ્તરને સુધારવા માટે ગુજરાત સરકારની ૧૦૦ ટકા રાજ્ય પુરસ્કૃત 'દૂધ સંજીવની યોજના' એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ખાસ કરીને આદિજાતિ અને વિકાસશીલ વિસ્તારોમાં કુપોષણના નિવારણ માટે આ યોજના એક સંજીવની સમાન સાબિત થઈ છે.

આ પણ વાંચો : Land Management : ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની રાષ્ટ્રીય પરિષદ

Advertisement

.

×