ઈડર: બટાકાના પાકમાં નુકસાન થતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી
- બટાકાના પાકમાં નુકસાન થતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી
- મોટાકોટડા ગામના ખેડૂતનું સારવાર દરમિયાન મોત નિપજયું
ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડુતોએ ચિલાચાલુ ખેતીને તિલાંજલિ આપી બટાકાના પાકનું વાવેતર શરૂ કર્યું છે ત્યારે ગઈ સિઝનમાં ઈડર તાલુકાના મોટાકોટડા ગામના એક યુવાન ખેડુતને બટાકાના પાકમાં નુકશાન જતા તેને ત્રણ દિવસ અગાઉ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ સારવાર માટે તેને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં બુધવારે તેમનું મોત નિપજયું હતું. જે સંદર્ભે મૃતકના સ્નેહીએ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મોટાકોટડા ગામના અમરકુમાર રઘજીભાઈ ચૌધરી(ઉ.વ.34) પોતાના પરિવારના ગુજરાન માટે બટાકાની ખેતી કરતા હતા. પરંતુ ગમે તે કારણસર ગત સિઝનમાં તેમને બટાકાના પાકમાં નુકસાન થતાં તેઓ માનસિક રીતે ખૂબજ વ્યથિત હતા. અને તેમણે ગત તા.28 જુલાઈના રોજ ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધી હતી.
પરંતુ તેમના પરિવારજનોને ખબર પડતાં તરતજ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમનું ગુરૂવારે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જે અંગે મૃતકના સ્નેહી અશ્વિનભાઈ પ્રભુદાસ પટેલે ઇડર વિભાગીય જાદર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરાવી હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો- ગોંડલ: 79.81 લાખ રૂપિયામાં ગ્રાઉન્ડ બૂક, સાત દિવસ લોકમેળાની રમઝટ


