Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Farmers Welfare : ખેડૂતો જાતે પણ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે

પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી
farmers welfare   ખેડૂતો જાતે પણ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે
Advertisement
  • Farmers Welfare-કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂતજોગ મહત્વપૂર્ણ સંદેશ
  •  મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીમાં દર્શાવેલા સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે થઇ રહ્યું છે
  •  વેરીફીકેશન દરમિયાન જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર જોવા નથી મળ્યું, તેવા રાજ્યના ૧૦ ટકાથી પણ ઓછા ખેડૂતોને SMSથી જાણ કરાઈ
  •  SMS મળ્યો હોય તેવા ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી, આવા ખેડૂતોએ વહેલામાં વહેલી તકે તેઓના ગામના ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવું
  • ખેડૂતો ગામના સર્વેયર મારફત અથવા Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે

Advertisement

Farmers Welfare : કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું છે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે-support price ખરીદીનો લાભ મેળવી શકે. આજ તા. ૧૭ સપ્ટેમ્બર સુધીમાં જ, રાજ્યના ૮.૭૯ લાખથી વધુ ખેડૂતોએ મગફળી માટે, ૬૬,૦૦૦થી વધુ ખેડૂતોએ સોયાબીન માટે, ૫,૦૦૦થી વધુ ખેડૂતોએ અડદ માટે તેમજ 1,100 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે.

Advertisement

અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા ૧૦ ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને SMSના માધ્યમથી જાણ કરવામાં આવી છે, પરંતુ આ મેસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી.

Farmers Welfare-ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે

ખેડૂતોને ખાતરી આપતા ડૉ. અંજુ શર્માએ કહ્યું છે કે, નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યુ હોય, તેમ છતાં પણ આવો SMS મળ્યો હોય, તેવા ખેડૂત મિત્રોએ કોઇપણ ચિંતા કર્યા વગર વહેલામાં વહેલી તકે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે. ખેતી નિયામકની કચેરી દ્વારા આવા તમામ સર્વે નંબરની યાદી જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવી છે.

આ ઉપરાંત ખેડૂત મિત્રો ગામના સર્વેયરનો સંપર્ક કરીને નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકશે. ખેડૂતો પાસે પોતાના ફોનના પ્લેસ્ટોરમાંથી Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ ડિજિટલ ક્રોપ સર્વે કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ખેડૂતો ફોનના માધ્યમથી જાતે જ ડિજિટલ ક્રોપ સર્વે કરી શકે, તે માટે બાઈસેગની વંદે ગુજરાત ચેનલ મારફત કૃષિ વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવશે, જેનો મહત્તમ ખેડૂતોને લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવાનો અનુરોધ કરતા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ કહ્યું હતું કે, જે ખેડૂતોએ નોંધણી કરાવેલા સર્વે નંબરમાં મગફળીનું જ વાવેતર કર્યું હોય, તેવા ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરુર નથી. આવા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે જથ્થાની ખરીદી કરવામાં આવશે.

આ પણ વાંચો : Vantara : SC થી મળી ક્લીનચીટ, વનતારાએ નિવેદન જાહેર કર્યું!

Tags :
Advertisement

.

×