Fire Explosion: ડીસાનો ફટાકડા ફેક્ટરી અગ્નિકાંડ, હોમાઈ ગઈ 18 નિર્દોષ જિંદગીઓ, મુખ્યમંત્રીએ લીધી ગંભીર નોંધ
- ફટાકડા ફેક્ટરી અગ્નિકાંડમાં અત્યાર સુધી 18 નિર્દોષોનો ભોગ લેવાયો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગંભીર નોંધ લઈ રાહત અને બચાવકાર્યની સૂચના આપી
- હજુપણ 4થી વધુ લોકો ગંભીર હાલતમાં દાખલ
- જવાબદારોને કડક સજા કરવાની પરિજનોની માગ
Deesa: ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીના અગ્નિકાંડમાં 18 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ ફેક્ટરી ખૂબચંદ સીંધી નામના વ્યક્તિની માલિકીની દીપક ટ્રેડર્સ એજન્સી હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટનામાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે શ્રમિકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો. વિસ્ફોટક પદાર્થોના ભડાકા સાથે આગે આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો અને ચકચાર મચી ગઈ.
ફેક્ટરી વિસ્ફોટમાં 18 નિર્દોષોના મોત
ડીસાની ફટાકડાની ફેકટરીમાં લાગેલ અગ્નિમાં 18 જિંદગીઓનો ભોગ લેવાયો હોવાનું સામે આવ્યું છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મૃતદેહોને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે લવાયા છે. આ ઉપરાંત 4 ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને પણ હોસ્પિટલ દાખલ કરાયા છે. પરિવારજનો ઉહાપોહ કરી રહ્યા છે કે, જવાબદારોને કડક સજા કરો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ લીધી ગંભીર નોંધ
ડીસામાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટથી જે કરુણાંતિકા સર્જાઈ છે. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. તેમણે કલેકટર અને પ્રભારી મંત્રીને સ્થળ પર પહોંચવા સૂચના આપી છે. સ્થાનિક તંત્ર સાથે સંકલન કરવા પણ સૂચના આપી છે.
કાયદાની એસી કી તેસી
તપાસમાં માલૂમ પડ્યું છે કે, કાયદાની એસી કી તેસી કરી હોય તેમ નાના બાળકો અને મહિલાઓ પણ ફેક્ટરીમાં કામ કરતી હતી. પૈસાના જોરે સરકારી નિયમો અને ધારાધોરણોના લીરેલીરા ઉડાડીને ચલાવાતી હતી ફેકટરી. આ અગ્નિકાંડમાં મૃતકોના અંગો દૂર દૂર સુધી ફેલાયા. હજૂ બાળ મજૂરો અને મહિલાઓ કામ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે જણાય છે કે પૈસાના જોરે માનવતા નેવે મુકીને આ કાળો કારોબાર ગેરકાયદેસર ચલાવાતો હતો. ફટાકડાની ફેક્ટરીમાં ગેરકાયદેસર દારુગોળાનો ઉપયોગ થયો છે. આ ફેક્ટરી ચાલી રહી હતી તેમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો ખુલ્લેઆમ સપોર્ટ હોવો જોઈએ. ફટાકડાની ફેકટરી ચલાવવામાં કેટલા લાયસન્સ લાગે તેમાંથી કેટલા રીન્યૂ કરાવ્યા હશે....કેટલા બાકી હશે....આ છે સળગતા સવાલો.
આ પણ વાંચોઃ Rajkot : શહેરની આ ખાનગી શાળા વિદ્યાર્થીઓને ભણાવે છે અનોખો AI આધારિત રોબોટ
કઈ રીતે સર્જાયો અગ્નિકાંડ ?
ફેક્ટરીમાં પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતું બોઇલર ફાટવાને કારણે આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટના બાદ વિસ્ફોટક પદાર્થોમાં થયેલા ધડાકાઓએ આગને વધુ ઉગ્ર બનાવી દીધી. આગની લપેટમાં આવેલી ફેક્ટરીના ગોડાઉનમાં મોટી માત્રામાં ફટાકડાનો સંગ્રહ કરાયો હતો, જેના કારણે આગ પર કાબૂ મેળવવો પડકારજનક બની ગયું છે. આ ઘટનાને પરિણામે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં પણ ભયનો માહોલ ઊભો થયો.
યુદ્ધના ધોરણે ચાલી રહી છે બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા, પરંતુ આગની ભયાનકતા એટલી હતી કે તેને ઓલવવામાં ઘણો સમય લાગી શકે તેવી સ્થિતિ હતી. ફેક્ટરીમાં હાજર વિસ્ફોટક સામગ્રીએ આગને વધુ ભડકાવી, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ. ફાયર ફાયટરો દ્વારા આગને ફેલાતી અટકાવવા અને શ્રમિકોને બચાવવા માટે પૂરી તાકાત લગાવવામાં આવી રહી છે.
રાજકોટમાં પણ અગ્નિકાંડ
ડીસામાં થયેલ અગ્નિકાંડની સાથે ગુજરાતમાં બીજો અગ્નિકાંડ રાજકોટમાં પણ થયો છે. રાજકોટની કેમિકલ બનાવતી ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી છે. કુવાડવા રોડ પર નવાગામ પાસે જે.કે.કોટન કંપનીમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. 25થી વધુ જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે.કે.કોટન કંપનીમાં લાગેલ આગ આસપાસના કારખાનામાં પણ આગ ફેલાઈ ચૂકી છે. કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે.
આ પણ વાંચોઃ ડીસામાં ફટાકડાની ફેકટરીમાં લાગી ભીષણ આગ