Folk Songs : લોકમાનસ હૃદયમાંથી સહજભાવે ઉદભવેલું, સ્ફૂરિત થયેલું ગેયગીત
Folk Song : લોકગીતમાં લોકપ્રજાની લાગણીઓ, સંવેદનો, લોકબોલીમાં વ્યક્ત થાય છે. કુદરતને ખોળે વિચરતા જીવતા અભણ માનવીઓ તેમના જીવનની ગતિવિધિને, હર્ષ, દુઃખ, નફરત, સાહસને તેમજ જન્મથી મૃત્યુ સુધીના રીત-રિવાજો, માન્યતાઓને રજૂ કરે છે. શ્રમકાર્યનાં ગીતો, મેળા-ઉત્સવ ગીતો, પ્રકૃત્તિને ઋતુના ગીતો, નવરાત્રીના ગરબા ,મરણ પછી લેવાતા મરશિયા એ લોકગીતો જ છે.
‘મારે આંગણિયે તુલસીનો ક્યારો,
તુલસીને ક્યારે ઘીના દીવા બળે.’
લોકગીતો નો પ્રેરણાસ્ત્રોત
આદિમાનવ પ્રકૃતિને ખોળે જીવતો હતો ત્યારે અનેક વિસ્મયકારક ઘટનાઓ તેની સામે બનતી હતી. જેમકે ફૂલનું ખીલવું, સૂર્યનું ઊગવું ને આથમવું, નવલખ તારલિયા ને ચાંદની, વહેતા ઝરણાંનો નાદ, પશુ-પક્ષીઓના અવાજો, કલરવ-ટહુકો, વર્ષાનો સ્પર્શ, લહેરાતાં પાકનાં ખેતરો, તેમાં જે હર્ષ-ઉલ્લાસ, ભય, વિસ્મયભાવ સમયે લોકથી ગવાયું, નાચાયું તે સમયે ગીતના અજ્ઞાત સ્વરોથી માનવીના કંઠેથી જે ગીત ગુંજી ઊઠ્યું તે લોકગીત (Folk Songs).
‘મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે ?
મારું હૈયું લે’રા લે’ર, જનાવર જીવતું ઝાલ્યું રે! મોર કાં બોલે?’
કમનીય કાયા માટેનાં પ્રતીકાત્મક વિશેષણો વિપ્રલંભ શૃંગાર રસનું સદભૂત નિરૂપણ છે. સાહિત્યના ઇતિહાસમાં આજ સુધી કોઈ કવિ આવી રચના કરી નથી કરી શક્યો.
સવિશેષ સ્ત્રીહૃદયના ભાવો
સ્ત્રી દ્વારા જ પ્રગટ થયા છે. એટલે લોકગીત સૌપ્રથમ નારીવાદી સાહિત્ય છે.
“માનવ હૃદયમાંથી ઉદભવેલું સહજભાવે સ્ફૂરેલું સંગીત એટલે લોકગીત”
લોકગીતની રચના કોણે કરી તે અજ્ઞાત છે, કારણકે જે આ ગીતો તો હૈયેથી આપોઆપ નીકળેલી લાગણીઓ છે. છેક છેવાડાનો માનવી ગાય તે લોકગીત. કોઈ એ યાદ રાખીને કર્ણોપકર્ણ ઉતારી આવે અને ઝવેરચંદ મેઘાણી જેવા એ સંગ્રહિત કરે તો ભયો ભયો થઈ જાય. આપણા કમનસીબે જેટલાં લોકગીતો (Folk Songs). આજે પ્રાપ્ય છે એતો સમુદ્રના બુંદ બરાબર છે.
સહજ સર્જન
લોકગીત લોકોનું પ્રયત્ન વિનાનું સહજ સર્જન છે. કોઈ પણ જાતના આડંબર વિના, બીજાને કેવું લાગશે તેનાવિના, નૈતિક મૂલ્યોની પરવા કર્યા વિના જે સહજ જીવાતું જીવન છે. સહજ ઉર્મિઓની અભિવ્યક્તિ છે.
પ્રકૃતિ મહિમાનું ગાન
આદિવાસી લોક તો અરણ્યમાં જ જીવે છે. આ લોકોની આસપાસ પ્રકૃતિ પથરાયેલી છે. લોકો પ્રકૃતિના ખોળામાં મોટાં થયાં છે. આથી લોકગીતોમાં પ્રકૃતિનું આલેખન થાય છે. ઝવેરચંદ મેઘાણીએ જે ઋતુગીતો સંપાદિત કર્યાં તે પ્રકૃતિનું જ ગાન છે. લોકગીતોમાં નદી, ઝરણાં, પર્વત, સીમ, વનરાજી, વૃક્ષ, વેલી, પશુ-પંખી આવે છે. લોકગીતોમાં મોર-ઢેલ, મેના-પોપટ, કોયલ-કાગ આવે તે લોકો પંખી સાથે જોડાયેલા છે ને એ પંખીને પ્રતીક બનાવી પોતાના હૈયાની વાત લોકગીતમાં મૂકે છે, જે લોકગીતનું કાવ્યસોંદર્ય છે.
“આસો માસો શરદપૂનમની રાત જો;
ચાંદલિયો ઊગ્યો રે, સખી મારા ચોકમાં !”
માનવહૃદયની ઉર્મિઓ
માનવજીવન સુખ-દુઃખથી, હર્ષ-શોકથી, પ્રેમ-વિયોગથી ભરેલું છે. ગમા-અણગમા, મનોસંઘર્ષ આ બધુંજ રહેવાનું, આનંદ ઉલ્લાસમાં ગીતો ગવાય છે, નાચે છે, મેળા ને ઉત્સવના પ્રસંગોમાં, મનભરી ને આનંદ ગીતો ગવાય છે. તો દુખદ ઘટનાઓ આવે ત્યારે પેટભરીને રડે છે. આ દરેક હ્રદયની લાગણીઓ લોકગીતમાં પ્રગટ થાય છે. લોકગીત માનવ સંવેદનાની ગેય અભિવ્યક્તિ છે.
લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !
રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !..
આ લોકગીતમાં છેલ્લી પંક્તિ છે-
રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !
રામ-સીતાનાં પ્રસન્ન દાંપત્યજીવનની ઝાંખી કરાવતું લોકગીત. રાધકૃષ્ણની પ્રણયમસ્તીનાં ગીતો તો ખૂબ જોવા મળે છે, પરંતુ રામસીતાનાં પ્રેમને-સંબંધને હળવાશથી-મસ્તીથી રજૂ કરતા ગીતો જવલ્લે જ જોવા મળે છે. લવિંગની નાનકડી નાજુક લાકડી વડે રામનું સીતાને મારવું અને પછી એનાથીયે નાજુક એવા ફુલનાં દડાથી સીતાનું વેર વાળવું- કેવી નાજુક કલ્પના! રિસાયેલી પત્નિ કોઈ ને કોઈ બહાને પતિથી દૂર જવા માંગે છે, પરંતુ પતિ ગમે તે રીતે એની સાથે જ રહેવા માંગે છે- સાવ સામાન્ય પતિ-પત્નિ જેવી જ નોકઝોંક! પરંતુ છેલ્લે સીતાની બળીને ઢગલો થવાની વાત આવનારી અગ્નિપરીક્ષાની ઝાંખી કરાવી જાય છે…
“દાદા હો દીકરી વાગડમાં નાં દેજો રે સૈ,
વાગડની વઢિયારી સાસુ, દોહ્યલી રે! સૈયર લો હમચી.”
પ્રસન્ન પ્રણયગાન
લોકગીતો(Folk Songs)નો મુખ્ય સૂર તો પ્રણયનો છે. આ પ્રણય લોકસમાજમાં સહજ છે. આજે પણ આદિવાસી સમાજમાં પ્રણય ને પ્રણયનો સ્વીકાર સહજ છે. શિષ્ટસમાજમાં સરળ નથી. લોકગીતોમાં પ્રણય કથાગીત છે જેમાં ઢોલા-મારું, ઓઢો-હોથલ, મેહ ઊજળી વગેરે..
ઝવેરચંદ મેઘાણીએ પ્રણય લોકગીતો(Folk Songs) ને કથાગીતો ને કથાગીતોનું સંપાદન કર્યું છે. પ્રણયના વિવિધ રૂપો લોકગીતમાં પડયા છે, જેમ કે-
‘હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો’
‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો’
‘પાણી ગયાં’તાં રે, બેની ! અમે તળાવનાં રે !’
પ્રણયની અભિવ્યક્તિ વ્યંજનાત્મક છે. નાયિકાને જે કહેવું તે સાદા, સરળ, લોકબોલીના જ શબ્દો છે ને તે છતાં પ્રતીકાત્મક, વ્યંજનામાં કહેવાયું છે.
લોકોની સામે જ પ્રકૃતિ પથરાયેલી છે, કે જીવાતું જીવન છે. તેમની પાસે જે લોકકહેવતો ને અલંકારો છે. તે સહજ રીતે ગૂંથીને મૂકે છે છતાં તેમાં કલ્પનાની ભવ્યતા અને કાવ્યસોંદર્ય પ્રગટ થતું અનુભવાય છે.
લોકગીતોમાં બનેલી એતિહાસિક ઘટનાઓ જે હૈયે ને હોઠે હોય છે તે લોકગીતોનું રૂપ ધરે છે. કેટલીક દંતકથાઓ તો કેટલીક ધર્મ માન્યતાઓ લોકગીતમાં આવે છે.
*‘જશમાં ઓડણ હાલો મારે દ્વાર, કહોતો બતાવું મારો હાથિયો
જેવું તારા હાથિયાનું રૂપ, તેવી રે મારે ઘેર ભેંસલડી રે. (ઐતિહાસિક ઘટના)
*‘લીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનારા દ્યોને, રન્નાદે !’ (ધર્મ કથા)
*‘ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા,
દારુ ગોળાની વાગે ઠરમઠોર રે મકરાણી કાદુ – બહારવટિયો મકરાણી કાદુ.
લોકગીતો(Folk Songs) આપણી અમૂલ્ય ધરોહર છે. અમૂલ્ય ખજાનો છે. સૂર અને તાલથી ભરપૂર લોકગીતોના અર્થ પણ ગૂઢ છે.
સુખ, દુઃખ, અભાવ, ખુશહાલી- દરેક સંજોગોમાં જે પ્રજા ગાતી રહી, ગુંજન કરતી એને સહજજીવન જીવવાના માર્ગો મળી ગયા, એ લોકો અટવાયા નથી, એણે ‘ષટરિપુ’ઓને જીતી લીધા હતા એટલે જ તેઓ દુઃખ વચાળે સુખ શોધી લેતા હતા. આજે સુખના સમદર વચ્ચે પણ આપણે વ્યાધિના વહાણે સવાર થયા છીએ કેમકે લાગણીને હૈયામાં ધરબી રાખીએ છીએ...ગીતરૂપે વહેવા નથી દેતાં.
(આલેખન: કનુ જાની)


