Gondal ના અક્ષર મંદિરે એકાદશી નિમિત્તે ગણેશ વિસર્જન કરાયું
- Gondal માં એકાદશી નિમિત્તે ગણેશ વિસર્જન કરાયું
- ઠાકોરજીની પાલખીયાત્રાનું પણ ભવ્ય કરાયું આયોજન
- અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ભાદરવા સુદ એકાદશી (જલજીલણી એકાદશી) નિમિત્તે ગોંડલના અક્ષર મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક તેમજ ભક્તિ સંબંધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સવારે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા દ્વારા હરિભક્તોના ઘરે ઠાકોરજીની પધરામણી કરાવવામાં આવી હતી. હરિભક્તોએ શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજનું ભાવપૂર્વક સ્વાગત કરી તેઓને આરતીના અર્ઘ્ય તેમજ પુષ્પહાર અને થાળ દ્વારા વધાવ્યા હતા. આ પાલખીયાત્રા ગોંડલની આશાપુરા સોસાયટી તેમજ યોગીનગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તો જોડાયા ઉત્સાહભેર હતા.
Gondal માં ઠાકોરજીની પાલખીયાત્રાનું ભવ્ય કરાયું આયોજન
નોંધનીય છે કે આ પવિત્ર અને માંગલિક અવસરે સાંજે ૫:૦૦ કલાકે અક્ષર મંદિરના પર્શ્વભુમાં આવેલ અક્ષરઘાટ પર વિરાટ વૈદિક મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપૂજામાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ તેમજ વિઘ્ન વિનાયક દુંદાળા દેવ શ્રી ગણપતિ ગજાનનનું ષોડશોપચારપૂજન કરવામાં આવ્યું હતું. આ મહાપૂજામાં પણ વરિષ્ઠ સંતોની સાથે ગોંડલ શહેરના મહાનુભાવો તેમજ શ્રેષ્ઠીઓ જોડાયા હતા. ઠાકોરજીની મહાપૂજા બાદ શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને શ્રી ગણપતિ મહારાજને નૌકામાં બિરાજમાન કરી ગોંડલી ગંગામાં આવેલ નવા નીરમાં જળ વિહાર કરાવવામાં આવ્યો હતો અને પાંચ આરતીના અર્ઘ્ય સાથે સંતો તેમજ હરિભક્તોએ ભગવાનને વધાવ્યા હતા.
Gondal માં એકાદશી નિમિત્તે ગણેશ વિસર્જન કરાયું
ઉલ્લેખનીય છે કે આજના દિવસે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ શ્રી દુંદાળા દેવનું ભારે હૈયે ગોંડલી ગંગામાં વિસર્જન કરાયું હતું. આ અવસરે સંધ્યા સમયે આકાશ ભવ્ય આતશબાજીથી રંગાઈ ગયું હતું. આમ, આજે અક્ષર મંદિરે જલજીલણી એકાદશી નિમિત્તે ગણેશ વિસર્જન અને ઠાકોરજીની પાલખીયાત્રા અને ઠાકોરજીને જળવિહાર તેમજ વિરાટ વૈદિક મહાપૂજાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો: Delhi : વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન, 20 દેશનાં 300 ડેલિગેટ્સ હાજર


