Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GNLU : “‌‌‌‌‌‌‌‌‌પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય: નવીનતા, રોગ નિવારણ અને પશુકલ્યાણ”-એક દિવસીય સેમીનાર

રૂ. ૧૯.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત રાજ્યની વિવિધ ૩૧ પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ
gnlu   “‌‌‌‌‌‌‌‌‌પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય  નવીનતા  રોગ નિવારણ અને પશુકલ્યાણ” એક દિવસીય સેમીનાર
Advertisement
  • GNLU ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) રૂ. ૧૯.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત રાજ્યની વિવિધ ૩૧ પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું
  • પશુ સારવાર અંગેના એક દિવસીય ટેક્નીકલ સેમિનારનો પશુપાલન મંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો
  • ગુજરાતમાં વાર્ષિક ૧૮૩ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં ચોથા ક્રમે: મંત્રી શ્રી રાઘવજી પટેલ
  • ગુજરાતને પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર રાખવામાં આ સેમીનાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: પશુપાલન મંત્રીશ્રી
  • કૃત્રિમ બીજદાનની તાલીમ પૂર્ણ કરેલા ૨૧૭ MAITRI ટેકનીશીયનને કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરાયા
  •  રાજ્યની વેટરનરી કોલેજોના ૩૧ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને “સ્ટુડન્ટ ઓફ ધ યર”નું સન્માન અપાયું
  • સેમિનારમાં લમ્પી સ્કિન ડિસીઝ સહિતના વિવિધ રોગચાળા અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ

GNLU : પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ GNLU-ગાંધીનગર ખાતે “‌‌‌‌‌‌‌‌‌પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય: નવીનતા, રોગ નિવારણ અને પશુકલ્યાણ” વિષય પર એક દિવસીય ટેક્નીકલ સેમીનારનો શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન સેમિનારના શુભારંભ સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે એક સાથે રાજ્યના ૧૦ જિલ્લામાં રૂ. ૧૯.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત કુલ ૩૧ પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ સમારોહ દરમિયાન ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કૃત્રિમ બીજદાનની તાલીમ પૂર્ણ કરેલા રાજ્યના ૨૧૭ MAITRI ટેકનીશીયનને (મલ્ટી-પર્પઝ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનીશીયન ઇન રૂરલ ઇન્ડિયા) કૃત્રિમ બીજદાન માટે જરૂરી ૧૨ સાધન-સામગ્રી ધરાવતી કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુ વીમા યોજના હેઠળ ક્લેમ મંજૂર થયો હોય તેવા લાભાર્થીઓને વીમા હેઠળ મળવાપાત્ર રૂ. ૪૦,૦૦૦ રકમના ચેક પણ મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

ભારતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ચોથા ક્રમે

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi )એ કંડારેલા પથ પર આગળ વધીને આજે ગુજરાતે પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં રાજ્યના પશુપાલકો ઉપરાંત પશુ સારવાર માટે કામ કરતા રાજ્યના પશુ ચિકિત્સકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો ૨૫ ટકા છે અને ભારતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતમાં વાર્ષિક ૧૮૩ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે.

Advertisement

દૂધ ઉત્પાદન અને પશુ આરોગ્યને સીધો સંબંધ છે, તેમ કહી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે પશુ સારવાર કેન્દ્ર અને ફરતા પશુ દવાખાના થકી ઘરઆંગણે પશુ આરોગ્ય સુવિધા, પશુ સંવર્ધન માટે રાહત દરે કૃત્રિમ બીજદાન અને IVFની સુવિધા, પશુઓમાં રોગ નિયંત્રણ માટે રસીકરણ અભિયાન, પશુ ચિકિત્સકોની ઉપલબ્ધતા, પશુઓના પોષણ માટેની યોજના તેમજ પશુઓના રક્ષણ માટે પશુ વીમા યોજના જેવી અનેકવિધ નવતર પહેલો કરી છે.

ગુજરાતના નિર્માણમાં પશુપાલન ક્ષેત્રની  મહત્વપૂર્ણ ભૂમિકા

આગામી સમયમાં ગુજરાતને પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર રાખવા માટે આજનો સેમીનાર ખૂબ જ મહત્વપૂર્ણ પૂરવાર થશે. સેમિનારમાં નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, પશુ રોગચાળા નિયંત્રણ, પશુ સંવર્ધન જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવશે. હવેના જમાનામાં પશુ સારવાર એટલે રોગનું નિદાન નહિ, પરંતુ સંભવિત રોગ સામે ટેકનોલોજીની મદદથી આગોતરી તૈયારી છે. મુખ્યમંત્રીશ્રીના સંકલ્પ અનુસાર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પશુપાલન ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સેમિનારને પશુપાલન ક્ષેત્રના બમણા વિકાસ માટે ફળદાયી બનાવવા મંત્રીશ્રીએ સૌને આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન રાજ્યની વેટરનરી કોલેજોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અવ્વલ આવેલા ૩૧ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ મંત્રીશ્રીના હસ્તે “સ્ટુડન્ટ ઓફ ધ યર”ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ મંત્રીશ્રી દ્વારા ‘ઓલ ગુજરાત વેટરનેરીયંસ સોસીયલ સિક્યુરીટી ટ્રસ્ટ’ના વાર્ષિક અહેવાલ તેમજ ‘ધ ગુજરાત વેટરીનરી ટેક્નીકલ ઓફિસર્સ એસોસિયેશન ડિરેક્ટરી’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

પશુ સારવાર અંગેના એક દિવસીય ટેક્નીકલ સેમિનારની જરૂરિયાત

સમારોહના પ્રારંભે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે સૌનું શાબ્દિક સ્વાગત કરીને પશુ સારવાર અંગેના એક દિવસીય ટેક્નીકલ સેમિનારની જરૂરિયાત અને મહત્વ અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ તેમણે, ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં પશુપાલન ક્ષેત્રના યોગદાન અને પશુપાલન ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારના નવતર પ્રયાસોની પણ વિસ્તૃત ભૂમિકા આપી હતી. કાર્યક્રમના અંતે અધિક પશુપાલન નિયામક ડૉ. કિરણ વસાવાએ આભારવિધિ કરી હતી.

દિવસ દરમિયાન ચાલેલા વિવિધ ટેક્નીકલ સત્રોમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા આધુનિક પશુ સારવાર અને પશુસંવર્ધન સંબંધિત વિવિધ મુદ્દે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

સાથો સાથ રાજ્યમાં જોવાં મળતા લમ્પી સ્કિન ડિસીઝ રોગચાળા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પશુપાલન વિભાગના ક્ષેત્રીય અધિકારીશ્રીઓએ આ રોગના નિદાન, સારવાર અને રસીકરણ અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા તેમજ પશુપાલન નિયામકશ્રીએ લમ્પી રોગ અંગે વધુ સતર્કતા રાખવા અને પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવા ખાસ આહ્વાન કર્યું હતું.

આ સમારોહમાં ઓલ ગુજરાત વેટરનેરીયંસ સોસીયલ સિક્યુરીટી ટ્રસ્ટના પ્રમુખ શ્રી એસ. ટી. દેસાઈ, ગુજરાત વેટરીનરી કાઉન્સીલના અધ્યક્ષ શ્રી ભગીરથ પટેલ, ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરના નિયામક શ્રી સી. જી. જોશી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રતિનિધિ ડૉ. નીલેશ નાઈ સહિત પશુપાલન ક્ષેત્રના વિષય નિષ્ણાતો, નિવૃત્ત અધિકારીશ્રીઓ, સરકારી તથા સહકારી ડેરી સંઘના પશુ ચિકિત્સકો અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Nepali Parliamentarians : નેપાળના ૧૪ સંસદ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે

Tags :
Advertisement

.

×