Gondal : 350 વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરનું નવનિર્માણ, ધનતેરસે દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ મૂકાયું
- ગોંડલનાં 350 વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરનું નવનિર્માણ પૂર્ણ
- આજે ધનતેરસનાં પાવન દિવસે દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ મૂકાયું
- રાજાશાહી સમયનો ઇતિહાસ આજે ફરી વાર જીવંત થયો
- રાજવી હિમાંશુસિહ, કુમાર જ્યોતિર્મયસિંહ, MLA ગીતાબા સહિત મહાનુભાવો હાજર રહ્યા
ગોંડલ : રજવાડી ઠાઠ અને પ્રાચીન ઇતિહાસ માટે જાણીતા ગોંડલમાં ઐતિહાસિક ગણાતા મહાલક્ષ્મી મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થતા આજે ધનતેરસનાં પાવન દિવસે ગોંડલ રાજવી હિમાંશુસિહ, કુમાર જ્યોતિર્મયસિંહ, ધારાસભ્ય ગીતાબા,પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા,અશોકભાઈ પીપળીયા સહિતે મહાઆરતી કરી હતી. આ સાથે મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મુકાતા દર્શન માટે ભાવિકોની ભીડ જામી હતી.
ગોંડલનાં 350 વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરનું નવનિર્માણ પૂર્ણ
ગોંડલની સ્થાપના કરનારા પ્રથમ રાજવી ભા'કુંભાજીએ નિર્માણ કરેલા અંદાજે 350 વર્ષ જૂના નાનીબજાર વચલી શેરીમાં આવેલા પુરાતન એવા મહાલક્ષ્મી મંદિરનું નવનિર્માણ ગણતરીનાં દિવસોમાં જડપભેર પૂર્ણ થયું છે. આજે આ ઐતિહાસિક મંદિર ધનતેરસનાં પાવન પર્વ પર દર્શનાર્થીઓ માટે આધુનિક સ્વરુપે ખૂલ્લું મૂકાયુ છે. આશરે દોઢસો વર્ષથી વધુ સમયનો ઇતિહાસ સંઘરી બેઠેલા ભૂરાબાવાનાં ચોરાનો અદભૂત કાયાકલ્પ કરી જૂના ઇતિહાસને ફરી જીવંત કરનાર નાગરિક બેંકનાં પૂર્વ ચેરમેન અને ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયાએ ગોંડલનાં વચલી શેરીમાં આવેલા શહેરનાં એક માત્ર મહાલક્ષ્મી મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવનિર્માણ કરવા બીડુ ઝડપ્યા બાદ ધમધોકાર રિનોવેશનનું કાર્ય શરુ કરાયું હતુ. ટૂંકી જગ્યામાં રહેલા મંદિરની પરિસરને વિશાળ બનાવી આરસ, માર્બલનાં ચણતર તથા ઝુમ્મર સહિત લાઇટિંગ સાથે આધુનિક ઓપ અપાયો છે.
આ પણ વાંચો - Jamnagar : આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં ધન્વંતરી દેવની વિશેષ પૂજા કરાઈ
મહાલક્ષ્મી મંદિરનો જીર્ણોદ્ધાર, 35 લાખથી વધુનો ખર્ચ
અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે, મહાલક્ષ્મી મંદિર અતિ પ્રાચિન અને પુરાતન છે. ગોંડલનાં અદભૂત અને ગૌરવંતા ઇતિહાસને ફરી જીવંત કરવાની લગનને કારણે ભુરાબાવાનાં ચોરા બાદ મહાલક્ષ્મી મંદિરનાં જીર્ણોદ્ધારનું કાર્ય હાથ ધરાયું હતું, જેમાં અંદાજે 35 લાખથી વધુ ખર્ચ કરાયો છે. આ ભગીરથ કાર્યમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનો પરિવાર, ભક્તજનો અને વેપારીઓ સહયોગી બન્યા છે. અશોકભાઈ પીપળીયાએ વધુમાં જણાવ્યું કે, આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરિવાર દ્વારા દેવ દિવાળીનાં પાવન દિવસે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરાયું છે જે માટે બ્રહ્મ સમાજને સાથે લઇ તૈયારીઓ શરુ કરી દેવાઇ છે.
આ પણ વાંચો - અયોધ્યાના દિપોત્સવમાં 'પુષ્પક વિમાન'નું આકર્ષણ, ત્રેતા યુગની યાદો તાજી થશે
વાંચો ઐતિહાસિક મંદિરની લોકવાયકા
ગોંડલનું મહાલક્ષ્મી મંદિર ઐતિહાસિક ગણાય છે. લોકવાયકા મુજબ, જ્યારે ગોંડલ રાજ્ય દ્વારા સંત દાશી જીવણસાહેબને કેદખાનામાં બંધ કરી અમુક કોરી દંડ ભરવાનો આદેશ કરાયો હતો ત્યારે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ વેપારી શેઠનો વેશ ધારણ કરી દ્વારકાથી ગોંડલ આવ્યા હતા અને ગોંડલ પહોંચે તે પહેલા વચલીશેરીમાં મહાલક્ષ્મી મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. ત્યાર બાદ દરબારગઢ પહોંચી તેમના પરમ ભક્ત દાસીજીવણ સાહેબનો દંડ ભરી તેમને કેદમાંથી મુક્ત કરાવ્યાં હતા. આજે પણ આ ઘટનાની ગવાહી આપતું મહાલક્ષ્મી મંદિર આધુનિક સ્વરુપે દર્શનીય બન્યું છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Diwali : ફટાકડા વિષે આપ શું જાણો છો ?


