GONDAL : બ્રાન્ડેડ કંપનીના નામે બનાવતા હતા ડુપ્લિકેટ પાઈપ, પોલીસે દરોડા પાડી કર્યો પર્દાફાશ
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ માંથી ડુપ્લિકેટ પાઈપને લગતી એક મોટી ઘટના સામે આવી છે. તાલુકાના સડક પીપળીયા ગામે આવેલ ઓશિયન પાઈપ કંપનીના માલિક મુંબઈની સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદની એસ્ટ્રલ લિમિટેડ કંપનીના પરવાનગી વગર કોપીરાઈટનો ભંગ કરી ડુપ્લિકેટ પાઈપ બનાવતા હતા. સમગ્ર બાબત વિષેની માહિતી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી 64,500નો મુદામાલ કબજે કરી કારખાનેદાર સામે કોપીરાઈટ ભંગની ફરિયાદ નોંધાવી છે.
ડુપ્લિકેટ માર્કો લગાવી કરતા હતા વેચાણ
પ્રાપ્ત થતી વિગત મુજબ, અમદાવાદમાં રહેતા અને ખાનગી કંપનીમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે નોકરી કરતા નીતિન ભીખાભાઈ પટેલ (ઉ.વ.45)એ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના નાનામવા મેઈન રોડ પર રહેતા કારખાનેદાર પિયુષ દામજીભાઈ રામાણીનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગોંડલના સડક પીપળિયા ગામે આવેલ આરોપીની ઓશીયન પાઈપ કંપનીમાં મુંબઈના સુપ્રીમ બ્રાન્ડ અને અમદાવાદની એસ્ટ્રલ બ્રાન્ડના પાઈપનું ઉત્પાદન કરી તેનો માર્કો મારી વેચાણ કરતો હોવાનું ફરિયાદીના ધ્યાન પર આવતા તપાસ કરી હતી.
પોલીસે છાપો મારી કર્યો પર્દાફાશ
જે બાદ ગઈકાલે ગોંડલ તાલુકા પોલીસને સાથે રાખી સડક પીપળિળયા ગામે આવેલ ઓશીયન પાઈપ કારખાનામાં છાપો મારી તેની તપાસ કરતા સુપ્રીમ બ્રાન્ડના 42,000ની કિંમતના પાઈપના 15 બંડલ અને એસ્ટ્રલ બ્રાન્ડના 22,500ની કિંમતના 6 બંડલ મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા હતા. પોલીસે રાજકોટના કારખાનેદાર સામે કોપીરાઈટ ભંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -- માતાના મઢ જતા પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા માટે પોલીસે તેમના થેલા પર રેડિયમ લગાવ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


