Gondal: કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા દેવના પ્રાગટય દિવસે યોજાઈ ભવ્ય શોભાયાત્રા
- સતત 17માં વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
- આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગોંડસ લોકો જોડાયા હતાં
- નેતાઓ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો પણ રહ્યાં હાજર
Gondal: ગોંડલમાં કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા દેવની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આજે તારીખ 14 જાન્યુઆરીને મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિતે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજની જન્મજયંતિ નિમિતે કોળી સેના તથા માંધાતા ગ્રુપ ગુજરાતના સયુંકત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું તેમજ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ જ્ઞાતિ ભોજનનું ભવ્ય આયોજન માંધાતા પાર્ટી પ્લોટ, ભગવતપરા મેઇન રોડ, ગોંડલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
શોભાયાત્રા પાંજરાપોળથી શ્રી માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થઈ
માંધાતા ગ્રુપ ગુજરાતના સ્થાપક ભુપતભાઈ ડાભીના માર્ગદર્શનથી સતત 17માં વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા સવારે 8 કલાકે શ્રી માંધાતા પાર્ટી પ્લોટ ગોંડલથી શરૂ થઇ હતી, ત્યારબાદ શહેરના ધોધાવદર ચોક, પટેલ વાડી, હોસ્પિટલ ચોક, માંધાતા સર્કલ, માંડવી ચોક, આંબેડકર ચોક, જેલ ચોક, પાંજરાપોળથી શ્રી માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં ગોંડલ શહેર તથા તાલુકાના તમામ પરિવાર દિઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ બનાવવામાં આવી હતી અને જ્ઞાતી ભોજનમાં પીરસવામાં આવી હતી.
મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ રહ્યાં હતા હાજર
આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાઇઓ, બહેનો જોડાયા હતા. શોભાયાત્રામાં માંધાતા, વેલનાથ, જલકારી બાઈ અને વિર તાનાજી વગેરેના જીવન ચરિત્રો રજુ કરવામાં આવ્યા હતાં. શોભાયાત્રામાં ગોંડલ સહિત સમગ્ર ગુજરાતભરમાંથી જ્ઞાતિજનો તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્ય ને સફળ બનાવવા પ્રમુખ હિરેન ડાભી, મહેશ કોલી, વિજય ગોહેલ, પરેશ મકવાણા, રમેશભાઈ મકવાણા, રઘુભાઈ પાટડીયા, પુનાભાઈ સાકરીયા, રેખાબેન સગાકરા, વિનોદભાઈ નાગાણી, રવિભાઈ પરમાર, રઘુભાઈ ડાભી, અજયભાઈ ડાભી અને વિજયભાઈ વાવડીયા જહેમત ઉઠાવી હતી.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


