Gondal : અવૈધ સબંધનો કરુણ અંજામ, વેરીતળાવમાં મળેલી મહિલાની લાશનો અંતે ભેદ ઉકેલાયો
- તળાવમાં મળેલી અજાણી લાશનો ભેદ ઉકેલાયો!
- અવૈધ સંબંધનો વિરોધ, સગીર પુત્રએ મહિલાને તળાવમાં ધકેલી
- ગોંડલની વેરીતળાવ ઘટનાના 15 દિવસ પછી રહસ્ય ઉકેલાયું
Gondal : ગોંડલના વેરીતળાવમાં અઠવાડીયા પહેલા મળી આવેલી અજાણી મહીલાની લાશની ઘટનાનો ભેદ ગણતરીના દિવસોમાં રુરલ LCB એ ઉકેલી દીધો છે. ત્યારબાદ સગીરને હીરાસતમાં લઇ કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી હતી, જેમા સામે આવ્યું કે, પિતા સાથે મહિલાને અવૈધ સબંધ હતા જે સગીર પુત્રને ગમતુ નહોતું. આ અવૈધ સંબંધના કારણે પુત્રએ વેરીતળાવે મહીલાને લઈ જઈ ધક્કો મારી તળાવમાં ધકેલી દીધી હતી અને આ રીતે તે મહિલાનું મોત નિપજાવ્યું હોવાની વિગતો બહાર આવી હતી.
કોહવાયેલી હાલતમાં મહિલાની લાશ મળી
પ્રાપ્ત વિગત મુજબ અઠવાડીયા પહેલા વેરીતળાવમાં પાઇપ લાઇનના વાલ્વમાં માથુ ફસાયેલી અને કોહવાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવતા બી ડીવીઝન પોલીસ દ્વારા મહિલાની ઓળખ સહિત તપાસ હાથ ધરાઇ હતી.દરમિયાન LCB ના હેડ કોન્સ્ટેબલ અનીલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા,વાઘાભાઇ આલ તથા મહિપાલસિહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો હતો.મૃતક મહિલા દિપાબેન જેન્તીભાઈ સોલંકી ઉંમર 25 હોવાનું અને હાલ ગોંડલ ભગવતપરા કંટોલીયા રોડ નદીકાંઠે રહેતા હબીબશા હુશેનશા શાહમદાર ઉંમર 45 સાથે પત્નિ તરીકે રહેતી હોવાની વિગતો બહાર આવી હતી.
પત્નિ રુખશાના સાથે 15 વર્ષથી અબોલા
મુળ બગસરાની દિપા 8 વર્ષ પહેલા રાજકોટના ભગવતીપરામાં રહેતા જગદીશ સોલંકી સાથે ભાગીને જતી રહેલ હતી. જ્યા રાજકોટ બન્ને સાથે રહેતા હતા. દરમિયાન બન્ને વચ્ચે મનમેળ તૂટતા ઝગડા અને મારકૂટ શરું થઈ હતી. એકવાર જગદીશે દિપાને માર મારતા બાજુમાં રહેતા હબીબશા દિપાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને દિપા જગદીશને છોડી હબીબશા સાથે રહેવા લાગી હતી. હબીબશા કલરકામ ઉપરાંત રીક્ષા ચલાવેછે. તે થોડો સમય રાજકોટ રહી બાદમાં દિપાને લઇ ગોંડલ રહેવા આવી ગયો હતો. જણાવી દઇએ કે, હબીબશા પરણિત છે. 3 સંતાનો છે તેની પત્નિ રુખશાના સાથે 15 વર્ષથી અબોલા છે. પતિની હરકતો રુખશાનાને પસંદના હોય બન્ને એકબીજાથી દૂર રહેતા હતા. દિપા ગોંડલમાં ક્યારેક માંડવીચોક તો ક્યારેક ફુટપાથ અને ક્યારેક હબીબશાની રીક્ષામાં રહેતી હતી. હબીબશા પણ ઘરે ક્યારેક જ જતો બાકી દિપા સાથે રહેતો હતો. છેલ્લા દોઢ બે વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો હતો.
LCB એ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો
દરમિયાન હબીબશાનાં સગીર પુત્રને પિતાના પ્રેમ સંબંધની જાણ થતા સમસમી ઉઠ્યો હતો. અને 15 દિવસ પહેલા એકટીવા મોટરસાયકલ પર દિપાને બેસાડી વેરીતળાવ પંહોચ્યો હતો. જ્યાં પિતા હબીબશા સાથેના અવૈધ સબંધને લઇને દિપા સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં ઉશ્કેરાયેલા સગીરે દિપાને ધક્કો મારી તળાવમાં ધકેલી દઇ ઘરે પરત ફર્યો હતો. તળાવના ઉંડા પાણીમાં ધકેલાયેલી દિપાને બચાવનારું કોઇ ના હોવાથી તે ડૂબી ગઇ હતી, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. તળાવની અંદર કાંઠા પર ગોંડલને પાણી સપ્લાય કરતો કોઠો(ટાંકી) છે. જ્યા પાણીના પ્રવાહમાં દિપાનો મૃતદેહ ખેંચાઇને કોઠા સુધી પંહોચી પાઇપલાઇનના વાલ્વમાં માથુ ફસાઈ જતા પાણી ધીમુ થતા નગરપાલિકાની વોટરવર્કસની ટીમે તપાસ કરી હતી. 15 દિવસ બાદ તેની લાશ મળી હતી. આમ ભટકેલી જીંદગી જીવતી દિપાનો કરુણ મોત સાથે અંજામ આવ્યો હતો. દિપાના હાથના કાંડા પર જે.ડી તથા દિપા નામનું ટેટૂ ચિતરાવેલું હોય LCB એ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. LCB PI, ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PSI ગોહિલ, ASI બાલકૃષ્ણ ત્રિવેદી, અનીલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, મહિપાલસિહ ચુડાસમા સહિતની ટીમે અજાણી લાશનો ભેદ ઉકેલવા કામગીરી કરી હતી.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : Banaskantha : ડીસામાં સ્થાનિક સુવિધાઓના અભાવે હાલાકી


