ગુજરાત સાયન્સ સિટી ખાતે રોબોફેસ્ટ 4.0ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન
- સાયન્સ સિટી ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે રોબોફેસ્ટ 4.0નુ ગ્રાન્ડ ફિનાલે
- રોબોટિક્સ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલેમાં 100 રોબોટ મેકિંગ ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે
- વિદ્યાર્થીઓમાં રોબોટીક્સની ઓળખ વિકસાવવા આ આયોજન કરવામાં આવ્યું છે
Robofest 4.0 Grand Finale : ગાંધીનગર સ્થિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રોબોફેસ્ટ 4.0ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન 21 થી 24 જાન્યુઆરી, 2025 દરમિયાન ગુજરાત સાયન્સ સિટી ખાતે થવા જઈ રહ્યુ છે. આ કાર્યક્રમ ગુજરાત સાયન્સ સિટી ખાતે સવારે 10.00 કલાકે થવા જઈ રહ્યો છે.
5,000 થી વધુ વિદ્યાર્થીઓ રોબોફેસ્ટ 4.0માં ભાગ લેશે
રોબોફેસ્ટ 4.0માં સ્પર્ધાઓ અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે, સાથે સાથે ગુજરાતભરના 5,000 થી વધુ વિદ્યાર્થીઓ રોબોફેસ્ટ 4.0માં અત્યાધુનિક નવીનતાઓ જાણવા માંટે ભાગ લેશે. વર્તમાન સમયને જોતાં, વિદ્યાર્થીઓમાં રોબોટીક્સની ઓળખ વિકસાવવા આ આયોજન કરવામાં આવ્યું છે. રોબોફેસ્ટ ગુજરાત 4.0માં ગુજકોસ્ટ(GUJCOST) દ્વારા સ્ટેમ(STEM) સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવનાર સાત પ્રકારના રોબોટ્સને વિવિધ કેટેગરીમાં સમાવવામાં આવ્યા છે. જેમાં ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડર વોટર રોબોટ, રોવર્સ, હેક્સાપોડ રોબોટ કેટેગરી, સ્વાર્મ રોબોટ્સ, ફન રોબોટિક્સઃ મેઝ સોલ્વિંગ રોબોટ અને એપ્લિકેશન બેઈઝ્ડ રોબોટ કેટેગરીનો સમાવેશ થાય છે.
1,284 ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
આ કાર્યક્રમમાં દેશભરમાંથી કુલ 1284 ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 169 ટીમોને પહેલી સ્પર્ધાના વિજેતા તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી અને દરેક ટીમનેરૂ. 50,000/- નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. 169 ટીમોમાંથી રોબો મેકિંગ કોમ્પિટિશનની તમામ 7 કેટેગરીમાંથી કુલ 100 પ્રૂફ ઓફ કન્સેપ્ટની પસંદગી રોબોફેસ્ટ-ગુજરાત 4.0ના ગ્રાન્ડ ફિનાલે માટે કરવામાં આવી છે.
આ પણ વાંચો : Mahisagar : જાહેરનામાનો ભંગ કરતી મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારવાની શરૂઆત ગુજરાતમાં ?
100 ટીમો તેમના પ્રોટોટાઇપ અને ડેમોન્સ્ટ્રેશનનું પ્રદર્શન કરશે
રોબોફેસ્ટ 4.0ના ગ્રાન્ડ ફિનાલેમાં પ્રદર્શન, ડોમેન નિષ્ણાતો સાથેની ક્રિયા પ્રતિક્રિયા, રોબોટિક ગેલેરીમાં પ્રદર્શન અને વોકથ્રુનો સમાવેશ કરવામાં આવશે, તમામ 100 ટીમો તેમના પ્રોટોટાઇપ અને ડેમોન્સ્ટ્રેશનનું પ્રદર્શન કરશે. જેનો ઉદ્દેશ્ય યુવાનોમાં રોબોટ જગતની નવીનતા જાણવા અને પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં, 500 વિદ્યાર્થીઓ, માર્ગદર્શકો, નિષ્ણાતો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે. રોબોફેસ્ટ ગુજરાત 4.0 અંતર્ગત રાજ્યભરમાંથી 5000 જેટલાં વિદ્યાર્થીઓ રોબોટિક્સ ક્ષેત્રે અવનવા અત્યાધુનિક ઇનોવેશન્સ જોવા સાયન્સ સિટી આવશે. સ્પર્ધાની સાથોસાથ રોબો-પ્રોટોટાઇપ્સનું એક અનોખું પ્રદર્શન પણ યોજવામાં આવશે.
રોબોફેસ્ટ ગુજરાત 4.0ના ગ્રાન્ડ ફિનાલેનો ઉદ્ઘાટન સમારોહ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર, GUJCOSTના એડવાઈઝર ડો. નરોત્તમ સાહુ, SAC-ISROના ડાયરેકટર શ્રી નિલેશ દેસાઈ, જીટીયુના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ ગજ્જર, રોબોફેસ્ટ ગુજરાત 4.0ના ટેકનિકલ એડવાઈઝરી કમિટીના ચેરમેન ડો. દેબાનિક રોય, ગુજરાત સાયન્સ સીટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં યોજાશે.
આ પણ વાંચો : VADODARA : એવરેસ્ટ ગર્લ નિશા કુમારીની સાયકલ યાત્રાનું લંડનમાં સમાપન


