GSRTC : તહેવારો નિમિત્તે નાગરિકોની સુવિધા માટે દૈનિક ૧૨૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે
GSRTC : નાગરિકો જન્માષ્ટમીના તહેવારમાં સરળતાથી પોતાના વતન જઈ ઉજવણી કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો કાર્યરત
****
નિગમ દ્વારા એક્સ્ટ્રા ૧૨૦૦ ટ્રીપો સંચાલિત કરશે જેનો રાજ્યના બે લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
***
GSRTC : રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૨૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
GSRTC જન્માષ્ટમીના તહેવારો દરમિયાન નિગમ દ્વારા અંદાજે ૧૨૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરશે
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ચાલુ વર્ષ -૨૦૨૫માં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન નિગમ દ્વારા અંદાજે ૧૨૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવાં મોટા શહેરી વિસ્તારોમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલન કરવાનું એસ.ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્વના જિલ્લા-તાલુકા કક્ષાના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોની જરૂરિયાતો અને સલામતીને ધ્યાને રાખીને ગત વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં ૧૦૦૦ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે નાગરિકોની જરૂરિયાતને ધ્યાને રાખીને ૧૨૦૦ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Vadodara : અરવિંદ ઘોષ 13 વર્ષ શહેરમાં રહ્યા, જાણો એક વિચારકથી ક્રાંતિકારી સુધીની તેમની પ્રેરણાદાયી સફર વિશે


