GST Reforms : જી.એસ.ટી. રિફોર્મ્સ ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવશે
- GST Reforms : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી
- 225 જેટલા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને 3500થી વધુ વેપારીઓ-ઉદ્યોગકારો વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સએ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવવામાં ઉપયુક્ત થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- જી.એસ.ટી. રિફોર્મ્સનો ફાયદો લોકો સુધી પહોચાડીને વડાપ્રધાને આપેલી બચત ઉત્સવની વિભાવના સાકાર કરવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રી
GST Reforms : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવવામાં પણ ઉપયુક્ત થશે.
મુખ્યમંત્રીશ્રી રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો, અગ્રણી ઉદ્યોગકારો સાથે યોજાયેલી જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ - સ્વદેશી અભિયાન અંગેની વિડીયો કોન્ફરન્સને ગાંધીનગરથી સંબોધન કરી રહ્યા હતા.
આ વીડિયો કોન્ફરન્સમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ(Kanubhai Desai), ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત(Balwantsinh Rajput), રાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) અને જગદીશ વિશ્વકર્મા(Jagadish Vishwakarma) તેમજ રાજ્યભરના 225 જેટલા ઉદ્યોગ સંગઠનો અને 3500થી વધુ વેપાર-ઉદ્યોગકારો સહભાગી થયા હતા.
GST Reforms : ભવિષ્યના આગવા વિઝન સાથે આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં વડાપ્રધાનએ ભવિષ્યના આગવા વિઝન સાથે આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો છે. આ માટે તેમણે સ્વદેશી ઉત્પાદનો પર ફોકસ કરવા માટે જી.એસ.ટી. રિફોર્મ્સ કર્યા છે. એટલું જ નહીં ટેક્સના સ્લેબમાં પણ ઘટાડો કર્યો છે. જી.એસ.ટી. ઘટાડાનો આ ફાયદો લોકો સુધી પહોંચાડવામાં આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો બચત ઉત્સવની જે વિભાવના વડાપ્રધાન આપી છે તે સાચા અર્થમાં સાકાર થશે.
મુખ્યમંત્રીએ રાજ્યના ઉદ્યોગ-વેપારકારોને સ્થાનિક ઉત્પાદનોને વેગ આપીને આપણા જ દેશના યુવાનો તથા કારીગરોની મહેનત અને પરિશ્રમથી બનેલી ચિજવસ્તુઓ અને ઉત્પાદનોને બજાર મળે તેમજ વોકલ ફોર લોકલનો વડાપ્રધાનશ્રીનો હેતું પાર પડે તે માટે અનુરોધ કર્યો હતો.
ભારત જેવા દેશે આર્થિક વિકાસ માટે સ્વનિર્ભર બનવું જરૂરી છે. આપણી સ્થાનિક ડિમાન્ડ ખૂબ જ ઊંચી છે અને તે સબળ પાસાને કારણે વધુ મેન્યુફેક્ચરિંગનો પણ ભારતમાં અવકાશ છે.
GST Reforms-સેમિકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરમાં પણ હવે આપણે આત્મનિર્ભર થવાના માર્ગે
તેમણે કહ્યું કે, મોબાઈલ ફોનની નિકાસ જે 2014-15માં 0.2 બિલિયન યુએસ ડોલર હતી તે 2023-24માં 15.6 બિલિયન ડોલરે પહોંચી છે. એન્જિનિયરિંગ ગુડ્સ નિકાસ 2023-24માં 109.32 બિલિયન યુએસ ડોલર પહોંચી છે. સેમિકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરમાં પણ હવે આપણે આત્મનિર્ભર થવા જઈ રહ્યા છીએ.
વડાપ્રધાનએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં રાષ્ટ્ર ભાવ સાથે જે કરવું પડે તે કરવાની તૈયારી સાથે સરકાર આયાત ઘટે અને નિકાસ વધે તેને પણ પ્રાયોરિટી આપી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીએ આપેલા કોલને બધા જ કોલની જેમ ઉત્સાહથી ઝિલી લઈને ગુજરાત વિકસિત ભારત- આત્મનિર્ભર ભારત માટે પણ ઉદ્યોગ-વેપાર સંગઠનોના સહયોગથી લીડ લેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું કે, અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને ટેક્સમાં જે જટિલતા હતી તેને સરળ કરવાનો હિંમતપૂર્વકનો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો ત્યારે શરૂઆતની જે જી.એસ.ટી. આવક હતી તે વધીને હવે 22.8 લાખ કરોડની થઈ છે.
જી.એસ.ટી.ની આવકમાં વધવા સાથે આવનારા દિવસોમાં જી.ડી.પી. ગ્રોથ રેટમાં પણ વધારો થશે
આ સરળીકરણને પરિણામે જી.એસ.ટી.ની આવકમાં વધવા સાથે આવનારા દિવસોમાં જી.ડી.પી. ગ્રોથ રેટમાં પણ વધારો થશે અને સ્વદેશી વસ્તુઓના વેચાણમાં પણ વૃદ્ધિ થવાથી આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પાર પડશે તેમ બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું.
લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આ વીડિયો કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું કે, રાજ્ય સરકાર વેપાર-ઉદ્યોગો પ્રત્યે પ્રો-એક્ટિવ એપ્રોચ સાથે આગળ વધી રહી છે ત્યારે જી.એસ.ટી. રિફોર્મ્સ, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન જેવા મહત્વના વિષયો પર ઉદ્યોગ-વેપાર જગતના સૂચનો પણ આવકાર્ય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે વીડિયો કોન્ફરન્સના આયોજનની જે પ્રેરણા આપી છે તે માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
આ વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થતા એસોચેમના ચિંતન ઠાકર, ટોરેન્ટ પાવરના જીનલ મહેતા, ઝાયડસ ગ્રુપના પંકજ પટેલે જી.એસ.ટી. રિફોર્મ્સને લેન્ડમાર્ક સ્ટેપ ગણાવતા વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં પાછલા દશકમાં આવેલા મોટા બદલાવોની પ્રશંસા કરી હતી.
તેમણે ખાસ કરીને લાઇફ સેવિંગ ડ્રગ્સ, મેડિસિનલ અને મેડિકલ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ગ્રોથ સહિતના ક્ષેત્રોમાં ટેક્સ રિફોર્મ્સનો લાભ થતા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ વેગ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
એટલું જ નહીં સ્વદેશીને પ્રમોટ કરનારા ઉદ્યોગોને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ પંકજ જોશી, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અવંતિકાસિંઘ, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા
આ પણ વાંચો : DILRMP : ડિજિટલ ઈન્ડિયા અન્વયે મહત્વપૂર્ણ માઈલસ્ટોન કોન્ફરન્સ


