Gujarat Rain : મેઘાની ધમાકેદાર બેટિંગ શરૂ, 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં શ્રીકાર વર્ષા
Gujarat Rain : આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે ભક્તોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળી રહી છે, તો બીજી તરફ મેધરાજા પણ મન મુકીને વરસી રહ્યા છે. સમગ્ર રાજ્યની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં શ્રીકાર વર્ષા થઇ છે.
રાજ્યમાં મેઘમહેર
ગત 24 કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં કુલ 198 તાલુકાઓમાં ભારે વરસાદે જીનજીવન પર અસર કરી છે. ખસ કરીને ખેડાના નડિયાદ અને અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાઓમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે મહેમદાવાદમાં 9 ઈંચ અને માતરમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. મહુધામાં 7 ઈંચ, કઠલાલ તથા ઉમરેઠમાં 6 ઈંચ અને સાણંદ, ખેડા તથા બાવળામાં 5 ઈંચ વરસાદ નોંધાયો. ધોળકા, ગળતેશ્વર, વઘઈ અને સુબિરમાં પણ 4 ઈંચ વરસાદ પડ્યો છે. બોરસદ, ભીલોડા, આણંદ, પાટણ સહિતના અનેક તાલુકાઓમાં 3 ઈંચ વરસાદ થયો, જ્યારે પાવી જેતપુર, અમદાવાદ શહેર અને સિદ્ધપુરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો. કુલ 28 તાલુકાઓમાં 2 ઈંચ અને 68 તાલુકાઓમાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો. રાજ્યભરમાં વરસેલા આ ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં રાહતની લાગણી છે તો કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે.
ખેડા જિલ્લામાં નેશનલ હાઇવે પર ખાડાઓનો આતંક, વાહનચાલકો પરેશાન
July 28, 2025 12:13 pm
ખેડા જિલ્લામાં આવેલા ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર લાડવેલથી સેવાલીયા વચ્ચેના ભાગમાં ખાડાઓનું જાણે રાજ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ પહેલા તૂટી પડેલો માર્ગ હવે કાળ સમાન બની ગયો છે, જ્યાં નાના મોટાં વાહનો ખાડાઓમાં પડી રહ્યા છે અને અવારનવાર બંધ પડી રહ્યાં છે. ખાસ કરીને થર્મલ બાલાસિનોર અને સેવાલીયા નજીક વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. હાઇવે ઓથોરિટીની બેદરકારી અને માત્ર ઔપચારિક પેટ્રોલિંગને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પુરવાના કામને જાણે ભૂલી જવામાં આવ્યું છે. જોકે વાહનચાલકો ડબલ ટોલ ટેક્સ ચૂકવીને પણ દયનિય માર્ગ પર મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જેને લઇ ભારે રોષ પેદા થયો છે.
Kheda : ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ખાડાઓનું રાજ । Gujarat First
— Gujarat First (@GujaratFirst) July 28, 2025
ખેડામાં વરસાદ પહેલા તૂટેલો નેશનલ હાઇવે કાળ સમાન
ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ખાડાઓનું રાજ
લાડવેલથી સેવાલીયા વચ્ચે છે અગણિત ખાડાઓ
ખાડા કૂદી જતાં નાના મોટા વાહનો પડ્યા બંધ
ખાડા પુરવાનું જાણે કે ભુલ્યું હાઉવે… pic.twitter.com/MklD2ratzL
સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, નદીકાંઠે સાવચેતીનું એલર્ટ
July 28, 2025 12:08 pm
ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળતા, સંત સરોવર ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી આશરે 10,400 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમમાં 3,840 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. દરવાજાઓ 0.60 મીટર જેટલા ઉંચે ખોલવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ધરોઈ ડેમ catchment વિસ્તારમાં થયેલા સારા વરસાદને કારણે સરોવરના પાણી સ્તરમાં વધારો થયો છે. ગણતરીના કલાકોમાં ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેના નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને આગાહીરૂપે સચેત કરવામાં આવ્યા છે, જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ઉદભવે નહીં.
અંબાલાલ પટેલની આગાહી
July 28, 2025 11:22 am
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યો મુજબ આવતા દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. તેમના અનુમાન મુજબ 29 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે અને ત્યારબાદ ધીરે ધીરે તેનું પ્રમાણ ઘટશે. બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજના કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી છે. તેઓએ આગાહી કરી છે કે 3 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી મજબૂત વરસાદી ચક્રવાત પ્રવેશી શકે છે, જ્યારે 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. ત્યારબાદ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખસી જશે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત રાજ્યમાં વરસાદની આગાહી છે, અને 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડી શકે છે જ્યાં પણ વાદળો ચઢશે ત્યાં વરસાદ વરસવાની શક્યતા છે. ઓગસ્ટના અંતમાં ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે, જ્યારે 3 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે પણ લોકો મેળાની મજા માણી શકશે.
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 3 કલાક માટે રેડ એલર્ટ
July 28, 2025 11:13 am
અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર સહિત ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોતા, ચાંદલોડિયા, એસ.જી. હાઈવે, સોલા, સાયન્સ સિટી, પ્રહલાદનગર, ચાણક્યપુરી, ઘાટલોડિયા અને નારણપુરા જેવા વિસ્તારોમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા આગામી 3 કલાક માટે શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ડીસામાં મેઘ તાંડવ : ખેતરો બેટમાં ફેરવાયા, પાકને ભારે નુકસાન
July 28, 2025 11:09 am
બનાસકાંઠાના ડીસા પંથકમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના પગલે ગામડાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દામા, રામપુરા, જેનાલ, લક્ષ્મીપુરા અને વરણ સહિતના અનેક ગામોમાં પાણી ફરી વળતાં ગામની ગલીઓ અને મુખ્ય રસ્તાઓ બંધ થઇ ગયા છે. આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને પાકને મોટું નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
Banaskantha : ડીસાના આકાશી દ્રશ્યો આવ્યા સામે
— Gujarat First (@GujaratFirst) July 28, 2025
ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા
વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ થયા બંધ
દામા, રામપુરા, જેનાલ, લક્ષ્મીપુરા સહિતના ગામો પાણી પાણી#Gujarat #BanasKanthaRain #DeesaFloods #HeavyRain #RainUpdate #GujaratFirst pic.twitter.com/iuDkms2Oks
ડાંગમાં અવિરત વરસાદથી નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ
July 28, 2025 10:57 am
ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીઓમાં જળસ્તર ઊંચું થતાં તંત્ર ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. ખાસ કરીને અંબિકા નદી ઉપર આવેલો ગીરાધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, જે જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. અનેક નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળતાં ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બની છે.
વણાકબોરી ડેમ ઓવરફ્લો, મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ
July 28, 2025 10:52 am
વણાકબોરી ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની જોરદાર આવક નોંધાઈ છે, જેના પરિણામે ડેમ આજે અઢી ફૂટે ઓવરફ્લો થયો છે. વણાકબોરી વિયરનું સ્તર 222.75 ફૂટે પહોંચી ગયું છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 238 ફૂટ છે. કડાણા અને પાનમ ડેમમાંથી પણ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ સતર્કતા વધારી છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ બાદ 27 ગામોને એલર્ટ
July 28, 2025 10:47 am
અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના પગલે ભિલોડા અને મોડાસા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. તેના પરિણામે મેશ્વો જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે અને હાલ જળાશય 79.97 ટકા ભરાઈ ગયો છે. ઓવરફ્લો લેવલ 214.59 મીટર સુધી પહોંચતા પહેલાં જ સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે વહીવટ તંત્ર એલર્ટ થઈ ગયું છે. સલામતીના ભાગરૂપે ભિલોડા, મોડાસા અને ધનસુરા તાલુકાના 27 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને સ્થાનિક વસ્તીને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદની અસરથી જળસ્તર સતત વધી રહ્યો છે અને પરિસ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે.


