Gujarat : 24 કલાકમાં વિકરાળ બનશે 'Shakti' વાવાઝોડું! દરિયાકાંઠાના ગામોમાં એલર્ટ જાહેર
- અરબી સમુદ્રમાં 'Shakti' વાવાઝોડાનો ભય
- દ્વારકા કિનારે વાવાઝોડાની પ્રારંભિક અસર
- માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી
- વાવાઝોડા સામે તંત્ર એલર્ટ મોડ પર
- દરિયાકાંઠાના ગામોમાં એલર્ટ જાહેર
- 'શક્તિ' વાવાઝોડા પહેલાં સાવચેતીના પગલાં
Shakti Cyclone : અરબી સમુદ્રમાં સર્જાયેલા 'શક્તિ' નામના વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠા પર, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. હવામાન વિભાગના અહેવાલો મુજબ, આ વાવાઝોડું હાલમાં દ્વારકાથી આશરે 240 કિલોમીટર દૂર છે અને તે પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ વાવાઝોડું વધુ જોર પકડીને દ્વારકા તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
ગુજરાત પર ચક્રવાત ‘શક્તિ’ની સંભાવિત અસર
હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ ચક્રવાત શક્તિ (Shakti) હાલમાં દ્વારકાથી આશરે 240 કિલોમીટર દૂર છે અને તે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન છે કે 4 ઓક્ટોબરના રોજ આ સિસ્ટમ ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાશે અને 5 ઓક્ટોબરે મધ્ય અરબ સાગરના ઉત્તરી ભાગ સુધી પહોંચશે. ત્યારબાદ 6 ઓક્ટોબરથી તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં વળી દરિયામાં જ આગળ વધશે. જોકે, આ વાવાઝોડાનો પ્રભાવ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર સ્પષ્ટ અનુભવાશે. ખાસ કરીને 5થી 7 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં અને દરિયાકાંઠે તેજ પવનની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
દરિયાકિનારે Shakti વાવાઝોડાની પ્રારંભિક અસર
વાવાઝોડું ભલે કિનારાથી દૂર હોય, પરંતુ તેની અસર દ્વારકાના દરિયાકાંઠે અનુભવાવવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલમાં દરિયામાં પવન સાથે ઊંચા-ઊંચા મોજાં ઉછળી રહ્યા છે અને તીવ્ર કરંટ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ સ્પષ્ટ સંકેત આપે છે કે વાવાઝોડાએ ધીમે ધીમે કિનારા તરફ પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધું છે. આવા સંજોગોમાં દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા લોકો માટે સાવચેતી રાખવી અનિવાર્ય બની જાય છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Thereafter, it will recurve and move east-northeastward from 0000 UTC of 6th October 2025.
— India Meteorological Department (@Indiametdept) October 3, 2025
માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના
વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સૌથી પહેલું અને મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તારોમાં માછીમારી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ અંગે માછીમાર ભાઈઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ જીવનું જોખમ લઈને દરિયો ન ખેડે. દરિયામાં રહેલા માછીમારોને પણ તાત્કાલિક કિનારે પાછા ફરવા જણાવી દેવામાં આવ્યું છે. દરિયામાં તીવ્ર કરંટ અને ઊંચા મોજાંની સ્થિતિ જોતાં, આ નિર્ણય માછીમારોની સલામતી માટે અત્યંત જરૂરી છે. તંત્ર દ્વારા આ પહેલને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે.
સાવચેતીના પગલાં અને તંત્રની સજ્જતા
'શક્તિ' વાવાઝોડું દ્વારકા ઉપર સીધી અસર પહોંચાડે તે પહેલાં જ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જણાવી દઇએ કે, દરિયાકાંઠાના તમામ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. પરિસ્થિતિ વણસે તો તાત્કાલિક સ્થળાંતર (Evacuation) પણ કરાવવામાં આવશે, જેની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે તટવર્તી વિસ્તારોમાં રહેતા લોકો માટે સતત ચેતવણીઓ જારી કરવામાં આવી રહી છે. નગરજનોને પણ સલામતીના ભાગરૂપે દરિયા તરફ ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ કુદરતી આફતનો સામનો કરવા માટે તંત્રની આ સજ્જતા જાનમાલના નુકસાનને ટાળવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
જનતા જોગ અપીલ, અફવાઓથી દૂર રહો
આ ગંભીર પરિસ્થિતિમાં અફવાઓ ફેલાવાનો અને ખોટી માહિતી પર વિશ્વાસ મૂકવાનો ખતરો વધી જાય છે. આ તરફ, તંત્ર દ્વારા જાહેર જનતાને વિનમ્ર અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો. ફક્ત સરકારી જાહેરાતો અને સત્તાવાર સમાચાર સૂત્રોને આધારે જ માહિતી મેળવવી. વળી દરિયા કિનારેથી સંપૂર્ણપણે દૂર રહેવું. તંત્ર દ્વારા આપવામાં આવતા દરેક સૂચનો અને માર્ગદર્શિકાનું પાલન કરવું.
આ પણ વાંચો : Gujarat Rain: ગુજરાત પર ફરી તોળાતો વાવાઝોડાનો મોટો ખતરો! એકસાથે 3 વરસાદી સિસ્ટમ એકબીજાથી ટકરાઈ શકે


