Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : ગુજરાતના કૃષિ વિકાસનો સથવારો-ગુણવત્તાયુક્ત,પ્રમાણિત બીજવારો

બીજ નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો
gujarat   ગુજરાતના કૃષિ વિકાસનો સથવારો ગુણવત્તાયુક્ત પ્રમાણિત બીજવારો
Advertisement
  • “ગુજરાતના કૃષિ વિકાસનો સથવારો; બીજ નિગમ (Gujarat Rajya Beej Nigam Limited)નો ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત બીજવારો”
  • બીજ નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો: કૃષિ મંત્રી  રાઘવજી પટેલ

Gujarat : ગુજરાતીમાં એક કહેવત છે કે “જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો અને જેનું અથાણું બગડ્યું એમનું વર્ષ બગડ્યું”. તેવી જ રીતે, કૃષિ ક્ષેત્રમાં પણ કહી શકાય કે, ‘જેનું બિયારણ નબળું, એ ખેડૂતનું આખું વર્ષ નબળું'. કારણ કે, કોઇપણ પાકના ઉત્પાદનમાં ગુણવત્તાયુક્ત બીજવારો (બિયારણ) સૌથી પાયાનું અને મહત્વપૂર્ણ ઘટક હોય છે. જો બીજ જ ઉત્તમ ન હોય, તો જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેવા બધા જ પરિબળો નિરર્થક સાબિત થાય છે. ગુણવત્તાયુક્ત બિયારણ ખેતી ખર્ચ ઘટાડીને અને ઉત્પાદન વધારીને ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.

Advertisement

ગુજરાતના ખેડૂતોને ગુણવત્તાસભર અને પ્રમાણિત બિયારણ પૂરું પાડીને તેમની આવક વધારવાના શુભ આશય સાથે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે. બીજ નિગમ દ્વારા રાજ્યના છેવાડાના ખેડૂતો સુધી સમયસર, યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. બીજ નિગમ દ્વારા ગત વર્ષે કુલ ૩.૬૮ લાખ ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જેની સામે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં આશરે ૩.૪૦ લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોને વિતરણ કરવામાં આવશે.

Advertisement

Gujarat-બીજ નિગમ સતત પોતાનું કાર્યક્ષેત્ર અને ઉત્પાદન ક્ષમતા

કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel ) જણાવ્યું હતું કે, બીજ નિગમ દ્વારા ઘઉં, ડાંગર, મગફળી, હા.દિવેલા, સોયાબીન, ચણા, મગ અને જીરૂ સહિત કુલ ૨૪ મુખ્ય પાકોની અંદાજે ૧૨૫થી વધુ જાતોના ગુણવત્તાયુક્ત બિયારણોનું ઉત્પાદન સહ વેચાણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી બીજ નિગમ દ્વારા બિયારણનું ઉત્પાદન અને વેચાણ સતત વધી રહ્યું છે. નિગમ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં ૩.૭૫ લાખ ક્વિન્ટલ બીજ ઉત્પાદનનું તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૪ લાખ ક્વિન્ટલથી વધુ બીજ વિતરણ કરવાનું આયોજન કર્યું છે.

કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બીજ નિગમ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨.૩૮ લાખ ક્વિન્ટલ બિયારણના ઉત્પાદન સામે ગત વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૩.૬૮ લાખ ક્વિન્ટલ બિયારણનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એટલે કે, માત્ર બે જ વર્ષમાં બિયારણના ઉત્પાદનમાં ૧.૩૦ લાખ ક્વિન્ટલ વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે, વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨.૪૯ લાખ ક્વિન્ટલ બિયારણના વિતરણ સામે ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ૨.૯૭ લાખ ક્વિન્ટલ બિયારણનું વેચાણ કરવામાં આવ્યું હતું. એમાં પણ, માત્ર બે જ વર્ષમાં ૪૮,૦૦૦ ક્વિન્ટલનો વધારો જોવા મળ્યો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, બીજ નિગમ સતત પોતાનું કાર્યક્ષેત્ર અને ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે.

Gujarat-રાજ્ય સરકારની ભૂમિકા અને બીજ નિગમની કાર્યપદ્ધતિ

ગુણવત્તાની ખાતરી: નિગમ દ્વારા જે તે વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો સાથે મળીને બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાવણીથી લઈને પાકની કાપણી, પ્રોસેસિંગ, પેકેજિંગ અને સ્ટોરેજ સુધીની તમામ બાબતોનું વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ કરવામાં આવે છે. જેમાં ઉત્પાદિત થયેલા બીજને પ્રમાણન એજન્સી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે બીજની આનુવંશિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા અને અંકુરણ ક્ષમતા ઉચ્ચતમ સ્તરની છે.

વ્યાજબી ભાવ અને સરળ ઉપલબ્ધતા: નિગમ દ્વારા રાજ્યભરમાં ગામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ સહકારી સંસ્થાઓ અને ખાનગી અધિકૃત બીજ વિક્રેતાઓ મારફત બીજનું વેચાણ-વિતરણ કરવામાં આવે છે. હાલમાં, નિગમ કુલ ૧,૨૮૯ અધિકૃત બીજ વિક્રેતાનું વિશાળ નેટવર્ક ધરાવે છે, જેમાં ૪૦૧ સહકારી સંસ્થાઓ, ૩૬૭ કૃષિ-ક્લિનિક્સ અને કૃષિ વ્યવસાય કેન્દ્રો, ૫૨૧ ખાનગી સંસ્થાનો સમાવેશ થાય છે. આ નેટવર્કના માધ્યમથી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતોને પણ સમાન ભાવે અને સરળતાથી બિયારણ મળી રહે છે.

નવી ભલામણ કરાયેલી જાતોના બીજ ઉત્પાદનને પ્રાધાન્ય

કૃષિ સંશોધનને વેગ: બીજ નિગમ કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ દ્વારા નવી ભલામણ કરાયેલી જાતોના બીજ ઉત્પાદનને પ્રાધાન્ય આપે છે અને જૂની જાતોનું ઉત્પાદન ઘટાડીને, વેરાયટલ રિપ્લેસમેન્ટ રેટ Varietal replacement rate (VRR) અને સીડ રિપ્લેસમેન્ટ રેશિયો-Seed Replacement Ratio(SRR) વધારવાનો પ્રયાસ કરે છે. જેથી નવી, વધુ ઉપજ આપતી અને રોગપ્રતિકારક જાતો ઝડપથી ખેડૂતો સુધી પહોંચે છે અને સમગ્ર કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતામાં સુધારો થાય છે.

એટલા માટે જ, આજે ગુજરાત રાજ્ય બીજ નિગમ માત્ર બિયારણનું ઉત્પાદન અને વેચાણ કરતી એક સંસ્થા જ નહિ, પરંતુ ગુજરાતના અનેક ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક બન્યું છે.

આ પણ વાંચો : Banaskanatha : અંબાજી ભાદરવી મહામેળાની તડામાર તૈયારીઓ, ટ્રસ્ટ દ્વારા 10 કરોડનો વીમો લેવાયો

Tags :
Advertisement

.

×