Gujarati Top News : આજે 12 જુલાઈ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે વડાપ્રધાનની વર્ચ્યુઅલી અધ્યક્ષતામાં નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે
- આજે કેન્દ્રીય જળ વિકાસ મંત્રી સી. આર. પાટીલ વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે
- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તાપી જિલ્લામાં યોજાનાર વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે
- આજે મોન્સૂન ટર્ફ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે
Gujarati Top News : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી અધ્યક્ષતામાં સવારે 10 કલાકે કેન્દ્ર સરકારની અલગ અલગ ભરતીમાં રોજગાર મેળવનાર યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ વડોદરાની મુલાકાતે છે જ્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તાપી જિલ્લાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
વડોદરાની મુલાકાતે સી. આર. પાટીલ
આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ વડોદરાની મુલાકાતે છે. તેઓ શહેરમાં અલગ-અલગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સૌપ્રથમ કલેક્ટર ઓફિસમાં સાંસદ ડો હેમાંગ જોષી સાથે શુભેચ્છા મુલાકાત લેશે. પ્રતાપનગર રેલવે DRM ઓફિસ પાસે આવેલ ઓડિટોરિયમમાં રોજગાર મેળામાં હાજરી આપશે. ત્યારબાદ ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા આયોજિત રિચાર્જ બોરવેલના ઉદ્ઘાટન પ્રસંગમાં જશે. હોમ સાયન્સ ફેકલ્ટીમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહના કાર્યક્રમમાં પણ સહભાગી થશે.
હર્ષ સંઘવી તાપીના વૃક્ષારોપણમાં સહભાગી થશે
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે એક પેડ માં કે નામ-2.0 અંતર્ગત યોજાનારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. હર્ષ સંઘવી તાપી જિલ્લાના વ્યારાના ડુંગર ગામ ખાતે વૃક્ષારોપણ કરવાના છે. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી સાથે વન મંત્રી મુકેશ પટેલ સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
આજે મોન્સૂન ટર્ફ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 24 કલાક બાદ ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે. દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. મોનસૂન ટર્ફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે. વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ Ambaji : આજથી મારવાડી શ્રાવણની શરૂઆત, અંબાજીમાં શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર


