ગોંડલ નજીક હૃદય કંપાવી દેતો અકસ્માત! એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ
- ગોંડલ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, યુવાનનું મોત
- સુરેશ્વર ચોકડી પાસે ટ્રક-બાઈક અકસ્માત, એકનો એક દીકરો અકાળે મૃત્યુ પામ્યો
- ગોંડલમાં માર્ગ અકસ્માત: પરિવાર પર આભ તૂટી પડ્યું
- મોટરસાઈકલ સવાર યુવાનનું અકસ્માતમાં દુઃખદ અવસાન
- ગોંડલમાં ટ્રકની ટક્કરે આશાસ્પદ યુવાનનું મોત
Gondal-Rajkot highway Accident : ગોંડલ-રાજકોટ હાઈવે પર ફરી એકવાર માર્ગ અકસ્માતી ઘટના બની છે. ગત મોડી રાત્રે, સુરેશ્વર ચોકડી નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. આ ઘટનાએ પરિવારના સભ્યોને ભારે શોકમાં ગરકાવ કરી દીધા છે. આશાસ્પદ યુવાનનું અચાનક અવસાન થતાં આસપાસના વિસ્તારમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.
અકસ્માતની કરુણ ઘટના
આ દુર્ઘટના ગઈ કાલે રાત્રે ગોંડલની સુરેશ્વર ચોકડી પાસે બની હતી. જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામના વતની પ્રિન્સ વિઠ્ઠલભાઈ સતાસિયા (ઉ.વ. 22) પોતાના બાઇક પર રાજકોટથી પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સુરેશ્વર ચોકડી પાસે એક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે હેલ્મેટ પહેરેલું હોવા છતાં ગંભીર ઈજાઓ થવાથી પ્રિન્સનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું.
Gujarat Highway Tragedy
અકસ્માત સર્જીને ટ્રક ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જોકે, ગોંડલ બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી, નાકાબંધી કરીને ટ્રક ચાલકને સુરેશ્વર ફાટક પાસેથી ઝડપી પાડ્યો હતો.
આશાસ્પદ યુવાન અને પરિવાર પર આભ ફાટ્યું
મૃતક પ્રિન્સ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. પરિવારના આ આધારસ્તંભનું અકાળે અવસાન થતાં સતાસિયા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. પ્રિન્સના પિતા ખેતીકામની સાથે સાથે ઇલેક્ટ્રિકનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બીજી તરફ, પ્રિન્સ પોતે પણ પેપર ડિશ, ડુના અને ચાના પેપર કપ બનાવવાનો વ્યવસાય સંભાળતો હતો. આ ઉપરાંત તે ઓનલાઈન કામ પણ કરતો હતો. એક મહેનતુ અને આશાસ્પદ યુવાનના આ રીતે અચાનક મૃત્યુથી પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.
Hit and Run Case Gujarat
પોલીસની ત્વરિત કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝનના પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સની મદદથી પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક નંબર GJ04X 8323 ના આધારે ચાલકને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસ અધિકારી રવિભાઈ ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : Gondal નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિનું અકસ્માતમાં મોત, શહેરમાં શોકનો માહોલ