Himmatnagar Civil: ચીની વાયરસનું સંક્રમણ અટકાવવા સાબરકાંઠા આરોગ્ય તંત્ર સજ્જ
- હિંમતનગર સિવિલમાં જરૂર પડે દર્દીઓ માટે અલગ કરાસે
- સાબરકાંઠામાં HMPV નામના વાયરસે કોઈને ઝપેટમાં લીધા નથી
- હિંમતનગર સિવિલમાં પણ અલાયદી વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું
Himmatnagar Civil: ચીનમાંથી પ્રસરેલો એચએમપીવી નામના વાયરસે ભારતમાં પગપેસારો કરી દીધો છે ત્યારે દેશમાં 03 થી વધુ કેસ નોંધાઈ ચુકયા છે. જે દર્દીઓને સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. જે અંતર્ગત અમદાવાદમાં પણ એક બે માસનું બાળક આ ચીની વાયરસના ઝપેટમાં આવી ગયુ છે ત્યારે આ વાયરસનું વધુ સંક્રમણ ન થાય તે માટે જિલ્લાવાસીઓએ તકેદારી રાખવી જરૂરી છે. દરમિયાન સોમવારે હિંમતનગર સિવિલમાં પણ અલાયદી વ્યવસ્થા કરવાનું આયોજન કરી દેવાયું છે. જો કે હજુ સુધી સાબરકાંઠા આરોગ્ય વિભાગને ખાસ વિશેષ સુચના રાજય કક્ષાએથી મળી નથી.
આ પણ વાંચો: Ahmedabad: ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને HMPV વાયરસની અસર થાય
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજ સુતરીયાના જણાવ્યું કે, હાલ તો સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી નામના વાયરસે કોઈને ઝપેટમાં લીધા નથી. તેમ છતાં અગમેચેતી અને તકેદારીના ભાગરૂપે હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા, દવાઓ અને જરૂર પડે સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર માટે આઈસોલેશન વોર્ડ ઉભો કરાશે. એટલું જ નહીં પરંતુ જરૂર પડે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમોને પણ કામે લગાડી દેવામાં આવશે.
મેટાન્યુમોવાઈરસ (એચએમપીવી) વિશે જાણવા જેવી બાબતો
- મેટાન્યુમોવાઈરસ (એચએમપીવી) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
- વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થઈ છે.
- આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: 'HMPV નવો વાયરસ નથી', ચીનના નવા વાયરસ પર આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન
રોગના લક્ષણો દેખાય તો શું કરવું ?
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
ચેપની સ્થિતિમાં શું ના કરવું
- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહીં.
- ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો..
અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


