Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Human Milk Bank : આ વર્ષે ૫,૫૩૭ માતાઓએ ૫,૦૩૬ લીટર દૂધ ડોનેટ કર્યું

આજની યશોદા: અમૃતરૂપી દૂધદાન નવજાતને આપે છે નવજીવન
human milk bank   આ વર્ષે ૫ ૫૩૭ માતાઓએ ૫ ૦૩૬ લીટર દૂધ ડોનેટ કર્યું
Advertisement
  • Human Milk Bank : રાજ્યમાં અત્યાર સુધી ૧૯,૭૩૧ બાળકોને અમૃતરૂપી દૂધનું દાન કરી ૨૧,૩૫૭ માતાઓ બની યશોદા
  • હ્યુમન મિલ્ક બેંકમાં આ વર્ષે ૫,૫૩૭ માતાઓએ ૫,૦૩૬ લીટર દૂધ ડોનેટ કર્યું
  • આ પહેલ થકી ૭,૮૨૯ બાળકોને નવજીવન મળ્યું
  • ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં ૬૪૬ માતાઓએ ૬૯૪ બાળકોને દૂધ ડોનેટ કર્યું

Human Milk Bank : મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ…એથી મીઠી તે મોરી માત રે…જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ…કવિ બોટાદકર રચિત ઉપરોક્ત પંક્તિ ‘માતા’ની મહાનતા દર્શાવે છે. બાળકને મન ‘મા’ સર્વસ્વ હોય છે. બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધુ ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેવી રાજ્ય સરકારની વ્યવસ્થા એટલે ‘હ્યુમન મિલ્ક બેંક’ Human Milk Bank (માનવ દૂધ બેંક).

રાજ્યના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. આ બેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની રહી છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેંક તરીકે ઓળખાતી આ માતૃબેંકમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી નવજાત બાળકો માટે સાચા અર્થમાં યશોદા બની રહી છે.

Advertisement

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ ૨૦૨૧ થી હ્યુમન મિલ્ક બેંક કાર્યરત

રાજ્યમાં કાર્યરત ‘હ્યુમન મિલ્ક બેંક’ Human Milk Bank માં અત્યાર સુધીમાં ૨૧,૩૫૭ માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે. જેનો અંદાજે ૧૯,૭૩૧ બાળકોને લાભ અપાયો છે. રાજ્યની રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ ૨૦૨૧ થી આવી જ એક હ્યુમન મિલ્ક બેંક-Human Milk Bank કાર્યરત છે. આ બેંકમાં અત્યાર સુધી કુલ ૬૪૬ માતાઓએ પોતાના અમૃતરૂપ દૂધનું દાન કર્યું છે. આ દૂધથી ૬૯૪ બાળકોને નવજીવન મળ્યું છે. આ બેંકમાં અત્યાર સુધી ૧૮૩.૧૮ લીટર દૂધ એકત્ર કરાયું છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની એસ.એસ.જી હોસ્પિટલ વડોદરાને ઉચ્ચ ગુણવત્તા યુક્ત માપદંડોનું (NQAS) પ્રમાણપત્ર અનાયત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર આ હોસ્પિટલ ભારતની પ્રથમ હોસ્પિટલ છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫માં હ્યુમન મિલ્ક બેંકમાં ૫,૫૩૭ માતાઓએ ૫,૦૩૬ લીટર દૂધ ડોનેટ કર્યું છે. આ વર્ષે હ્યુમન મિલ્ક બેંક દ્વારા ૨,૦૯૨ લીટર દૂધ આપીને ૭,૮૨૯ બાળકોને નવજીવન મળ્યું છે.

ગુજરાતમાં દર વર્ષે અંદાજે ૧૩ લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી અમુક બાળકો પ્રિટર્મ હોય છે અને ઓછા વજનવાળા હોય છે. આ તમામ બાળકો જ્ઞાનાત્મક વિકાસની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે તેમની તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ માતાનું દૂધ સીધું ગ્રહણ કરી શકતા નથી. આવા બાળકો માટે આ અન્ય માતાઓ દ્વારા આપવામાં આવેલું દૂધ અમૃત સમાન બને છે.

રાજ્યની ૪ મેડિકલ કોલેજ હોસ્પિટલ સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે કાર્યરત

ભારત સરકારના ગાઇડલાઇન મુજબ કોમ્પ્રીહેન્સીવ લેક્ટેશન મેનેજમેન્ટ સેન્ટર Comprehensive Lactation Management Center-CLMC એટલે કે, હ્યુમન મિલ્ક બેંક Human Milk Bank રાજ્યની ૪ મેડિકલ કોલેજ હોસ્પિટલ સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે કાર્યરત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૧,૩૫૭ માતાઓ દ્વારા મિલ્ક ડોનેટ કરી ૧૯,૮૭૧ બાળકોને તેમના આ પોષણયુક્ત મિલ્કનો લાભ આપવામાં આવ્યો છે.

માતાઓના તમામ તબીબી રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમનું દૂધ લેવાય છે

સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડ રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ લેવામાં આવે છે. માતાનું દૂધ લેવા માટે ઈલેક્ટ્રીક બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી યોગ્ય માત્રામાં અને જરૂર પૂરતું જ માતાનું દૂધ લઇ શકાય અને તેનાથી માતાને કોઈ શારીરિક નૂકસાન કે દર્દ થતું નથી.

માતાના દૂધને ડીપ-ફ્રિજમાં -૧૮ થી -૨૦ ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરી છ મહિના સુધી સાચવી શકાય

આ ડોનેટ કરેલા દૂધને પેશ્યરાઈઝ્ડ કરી તેનું રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટમાં રીપોર્ટ માટે મોકલાય છે. દૂધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં -૧૮થી -૨૦ ડિગ્રી તાપમાને સ્ટોર કરાય છે. સામાન્ય રીતે ૧૨૫ MLની એક બોટલમાં ત્રણ માતાઓના દૂધને મિશ્ર કરાય છે. આ સંગ્રહિત અમૃત છ માસ ચાલે છે. અધૂરા માસે જન્મેલા બાળકો કે જેમનું વજન ૧ કિલો ૮૦૦ ગ્રામથી ઓછું હોય, બાળક કોઈ બીમારીના કારણે ICU માં ભરતી હોય અને તેમની માતા હોસ્પિટલ પહોંચી શક્યા ના હોય તેવા બાળકોને આ બેંકમાંથી દૂધ આપવા માટે પ્રાધાન્ય અપાય છે. આ પરિસ્થિતિમાં બાળકો માટે હ્યુમન મિલ્ક બેંક પ્રાણરક્ષક સાબિત થાય છે.

દૂધદાનની પ્રક્રિયા: સલામત અને સરળ: દૂધનું દાન રક્તદાન જેટલું જ અમૂલ્ય

ઘણી માતાઓને પોતાનું બાળક ધરાઈ જાય તો પણ વધે એટલું ધાવણ આવતું હોય છે. મમતા જેવા દૂધની સરવાણી વહેતી હોય એવી માતાઓ પોતાના બાળકને પૂરતું ધાવણ આપ્યાં પછી વધારાના ધાવણનું જે બાળકો કોઈપણ કારણસર માતાના દૂધથી વંચિત છે તેમના માટે દાન કરી શકે છે, એટલે કે આ બેંકમાં જમા કરાવી શકે છે. રકતદાનની જેમ જ દૂધની દાતા માતાના શરીરને કોઈ જ નુકશાન થતું નથી. માતાના દૂધનું દાન રક્તદાન જેટલું જ અમૂલ્ય છે.

વિશ્વભરના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ-કાળજી માટે માટે દર વર્ષે ૧ થી ૭ ઑગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે . આ સપ્તાહ ઉજવણીનો આશય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, છ માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને ૬ માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો છે જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે અને બાળકનું જીવન બચાવવાની સાથે અમૂલ્ય એવું સ્વસ્થ જીવન ભેટ કરી શકાય.

આ પણ વાંચો : Abhirakshak : ગુજરાત પોલીસ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલ 'અભિરક્ષક'થી સુસજ્જ

Tags :
Advertisement

.

×