વલસાડ નેશનલ હાઈવે પર ખાડાઓને લઈને કલેક્ટરનો કડક નિર્ણય, માનવ વધનો ગુનો..!
- વલસાડ નેશનલ હાઈવે પર પડેલા ખાડાને લઈને કલેક્ટરનું જાહેરનામું
- નેશનલ હાઈવે પર પડેલ ખાડાને લઈને જિલ્લા કલેકટરનું જાહેરનામું
- ખાડાના કારણે અકસ્માત તથા મુસાફરોને પડી રહી છે હાલાકી
- સયમ મર્યાદામાં જો કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામ નહીં કરે તો થશે કાર્યવાહી
- ભારતીય સંહિતાની કલમ 106 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે
- કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા હુકમને લઈને લોકોમાં ખુશીનો માહોલ
Valsad : વલસાડ જિલ્લાના માર્ગો, ખાસ કરીને અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે નં. 48 (Ahmedabad-Mumbai National Highway No. 48) માં અનેક ગંભીર ખાડાઓ (several serious potholes) ના કારણે દિન પ્રતિદિન અકસ્માત (Accident) ના બનાવો સામે આવી રહ્યા છે. ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ (Heavy Rain) ને કારણે રસ્તાઓ તૂટી ગયા છે અને અનેક સ્થળોએ મોટા ખાડાઓ ઉભા થયા છે. આ ખાડાઓને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે.
કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો ગુનો દાખલ કરાશે
ખાસ કરીને વલસાડથી પસાર થતા નેશનલ હાઈવેના અનેક વિસ્તારોમાં ખાડાઓ એટલા ગંભીર છે કે વાહનચાલકો માટે ટ્રાફિકમાં વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આ રસ્તાઓ પર રોજ ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. મુસાફરોના રોષને ધ્યાને લઈને વલસાડ જિલ્લાના કલેક્ટર ભવ્ય વર્માએ ગંભીર પગલાં લીધાં છે. કલેક્ટર ભવ્ય વર્માએ જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કહ્યું છે કે, જો કોન્ટ્રાક્ટર સમયમર્યાદામાં રસ્તાની યોગ્ય રીતે મરામત નહીં કરે, અને તેની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિએ જીવ ગુમાવવો પડે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 હેઠળ માનવ વધનો ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત, જાહેર જનતાને મુસાફરીમાં થતાં વિઘ્નોને ધ્યાને લઈને કલમ 223 હેઠળ પણ ગુનો દાખલ કરવાની છૂટ પોલીસને આપવામાં આવી છે.
10 દિવસની ડેડલાઈન – અને પછી કાયદેસર કાર્યવાહી
કલેક્ટરે સંબંધિત નેશનલ હાઈવે ઓથોરિટી અને કામ સોંપવામાં આવેલી એજન્સીઓને 10 દિવસની અંદર રોડના ખાડાઓ સુધારવાની તાકીદ કરી છે. કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી છે કે PSI કે તેનાથી ઉપરના અધિકારીઓ આવા કેસમાં ફોજદારી કાર્યવાહી કરવા માટે સત્તાધિકારીઓ તરીકે કામગીરી કરશે. આદેશ બહાર પડ્યા બાદ વલસાડ જિલ્લાની જનતામાં આશા અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે. ઘણી વખત ફરિયાદો છતાં કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા. હવે કલેક્ટરના આ કડક વલણથી કામમાં લાપરવાહી દાખવનાર કોન્ટ્રાક્ટરોમાં ભયનું માહોલ છવાઈ ગયો છે.
પહેલાની દુર્ઘટનાઓ અને શાસનનું નિદ્રાથી જાગવું
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં થયેલી ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી રાજ્ય સરકાર તથા સંચાલકો પાસે વધુ સહાનુભૂતિ અને જવાબદારી અપેક્ષિત હતી. હવે વલસાડની ઘટનાએ આ તંત્રને "કુંભકર્ણની નિદ્રા"માંથી જગાડી દીધું છે એવું લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાની માર્ગ વ્યવસ્થાને યોગ્ય બનાવી જનતાને સલામત મુસાફરીનો અધિકાર આપવો એ તંત્રની ફરજ છે. કલેક્ટરના આ નિર્ણયથી આશા છે કે હવે ખાડાઓ ભરાશે નહીં તો જવાબદાર સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad : શહેરમાં અડધી રાત્રે AMTS બસનો થયો અક્સ્માત


