Uniform Civil Code મુદ્દે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ જાહેરાત
- રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય
- ગુજરાતમાં લાગુ થશે UCC
- 45 દિવસમાં કમિટી સરકારને રિપોર્ટ આપશે
Uniform Ciivil Code : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં મહત્વપૂર્ણ પગલાં લેવાઇ રહ્યા છે. રાજ્ય સરકાર આજે આ સંબંધે કમિટીની રચના કરી છે, જે કાયદાના અમલીકરણ માટે લોકોના સૂચનોને ધ્યાનમાં રાખીને કામ કરશે. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીની સાથેની પત્રકાર પરિષદમાં આ વિષય પર મોટી જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે વિધાનસભા ચૂંટણી વખતે UCC અંગેની જાહેરાત કરી હતી, અને હવે આ કમિટી રાજ્ય સરકારને UCCના અમલીકરણ અંગેનો નિર્ણય પ્રસ્તાવિત કરશે. આ નિર્ણયના આધારે ગુજરાતમાં UCCનો અમલીકરણ શક્ય બનશે.
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. આ સંદર્ભે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દ્વારા UCC લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે હવે રાજ્યના રાજકીય અને સામાજિક માહોલમાં એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ચર્ચામાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, UCC માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી બનાવી છે. કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ થવાનો છે. ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. ગુજરાત PMના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે.
UCC માટે એક કમિટીની રચના કરવાની જાહેરાત
UCCને લગતા મુદ્દાને આગળ વધારવા માટે CM ભૂપેન્દ્ર પટેલે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. આ કમિટીના અધ્યક્ષ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના દેસાઈ હશે. 5 સભ્યોની આ કમિટી 45 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે, જેના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેતી રહેશે. રસપ્રદ વાત એ છે કે, રંજના દેસાઈ પહેલાં ઉત્તરાખંડમાં પણ UCCની કમિટીમાં સામેલ હતા. આ કમિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકોર, પૂર્વ IAS અધિકારી સી.એલ મીણા, એડવોકેટ આર.સી કોડેકર, અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફ પણ સામેલ થશે.
UCC સમિતિના સભ્યો
પાંચ સભ્યોની સમિતિમાં કોણ કોણ?
- જસ્ટિસ રંજના દેસાઈ (નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ) - અધ્યક્ષ
- સીએલ મીણા (પૂર્વ IAS અધિકારી)
- આર.સી. કોડેકર (એડવોકેટ)
- દક્ષેશ ઠાકર (પૂર્વ વાઇસ ચાન્સેલર)
- ગીતાબેન શ્રોફ (સામાજિક કાર્યકર)
ઉત્તરાખંડમાં UCC પહેલાથી જ લાગુ કરવામાં આવ્યું છે
ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી હતી. UCCના અમલીકરણ પછી, ઉત્તરાખંડ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રિમોટ દ્વારા સૂચના જારી કરીને UCC લાગુ કર્યું હતું. હવે આ બીજા ભાજપ રાજ્ય ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
UCCનો અર્થ એ છે કે રાજ્યના તમામ નાગરિકોને લગ્ન, છૂટાછેડા, દત્તક, મિલકત વિભાજન અને અન્ય નાગરિક બાબતો માટે એક સમાન કાયદો લાગુ પડશે. તેનો ઉદ્દેશ્ય વિવિધ ધર્મો અને સમુદાયો માટે અલગ અલગ વ્યક્તિગત કાયદાઓને બદલે એક સમાન વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે. આ અંતર્ગત, લગ્નમાં રહેતા અને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે પણ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
આ પણ વાંચો : ગુજરાતમાં લાગુ થશે UCC, સરકાર કરશે કમિટીની જાહેરાત