IAF : ભારતીય વાયુસેના દ્વારા અંકલેશ્વર ખાતે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લેનું આયોજન
ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર એક શાનદાર હવાઇ ડિસ્પ્લે કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. વાઇબ્રન્ટ હેલિકોપ્ટર અને સચોટ ફોર્મેશન ઉડાન માટે ખાસ ઓળખાતી, સારંગ ટીમ 3-5 ડિસેમ્બરે પ્રેક્ટિસ ડિસ્પ્લે કરશે, 7 મીએ એક ભવ્ય જાહેર ડિસ્પ્લે કરાશે. અંકલેશ્વર એરસ્ટ્રીપ પર 07 ડિસેમ્બરે સવારે 9.30 વાગ્યાથી સારંગ ડિસ્પ્લે યોજાશે.
02:47 PM Dec 04, 2025 IST
|
Vipul Sen
- ભારતીય વાયુસેનાની (IAF) સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ શાનદાર હવાઇ ડિસ્પ્લે માટે તૈયાર
- ભરૂચ જિ. નાં અંકલેશ્વર એરફિલ્ડ પર શાનદાર હવાઇ ડિસ્પ્લે કરશે
- 03 થી 05 ડિસેમ્બર 2025 દરમિયાન પ્રેક્ટિસ ડિસ્પ્લે કરશે
- 07 ડિસેમ્બર 2025 નાં રોજ એક ભવ્ય જાહેર ડિસ્પ્લે કરવામાં આવશે
- ‘મોર’ પક્ષીના સંસ્કૃત શબ્દ પરથી અપનાવવામાં આવેલો સારંગ
ભારતીય વાયુસેનાની (IAF) સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ (Ankleshwar Airfield) પર એક શાનદાર હવાઇ ડિસ્પ્લે કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. વાઇબ્રન્ટ હેલિકોપ્ટર અને સચોટ ફોર્મેશન ઉડાન માટે ખાસ ઓળખાતી, સારંગ ટીમ (Sarang Helicopter display team) 03 થી 05 ડિસેમ્બર 2025 દરમિયાન પ્રેક્ટિસ ડિસ્પ્લે કરશે તેમ જ 07 ડિસેમ્બર 2025 નાં રોજ એક ભવ્ય જાહેર ડિસ્પ્લે કરવામાં આવશે. અંકલેશ્વર એરસ્ટ્રીપ પર 07 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 9.30 વાગ્યાથી સારંગ ડિસ્પ્લે યોજાશે.
IAF : 'સારંગ' શબ્દ વાયુ યોદ્ધાઓના પ્રોફેશનલિઝમ, ચોકસાઈ-પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબિત
‘મોર’ પક્ષીના સંસ્કૃત શબ્દ પરથી અપનાવવામાં આવેલો સારંગ શબ્દ ભારતીય વાયુસેનાના (Indian Air Force) ગૌરવપૂર્ણ હવાઇ રાજદૂત તરીકે ઉભરી આવે છે, જે પોતાના વાયુ યોદ્ધાઓના પ્રોફેશનલિઝમ, ચોકસાઈ અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ ટીમની શરૂઆત કરવામાં આવી ત્યારથી, તેણે પોતાના તાલમેલપૂર્ણ એરોબેટિક દાવપેચથી દુનિયાભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. સારંગે વર્ષ 2004માં સિંગાપોરમાં એશિયન એરોસ્પેસ શોમાં (Asian Aerospace Show) આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ વખત પ્રદર્શન કર્યું હતું અને ત્યારથી તેઓ દુનિયાભરના 390 થી વધુ સ્થળોએ 1,200 થી વધુ વખત પરફોર્મન્સ આપી ચૂક્યા છે.
ધ્રુવ હેલિકોપ્ટર ભારતની વધતી જતી ટેકનોલોજિકલ તાકાતનું પ્રદર્શન
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા સ્વદેશી ધોરણે ડિઝાઇન કરવામાં અને વિકસાવવામાં આવેલા 'ધ્રુવ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH)' ઉડાડતી, સારંગ ટીમ આત્મનિર્ભરતાની ભાવનાને સાકાર કરે છે. તમામ પ્રકારના હવામાનમાં બહુવિધ મિશન માટે કામ કરી શકતું ધ્રુવ હેલિકોપ્ટર (Dhruv Helicopter) ભારતની વધતી જતી ટેકનોલોજિકલ તાકાતનું પ્રદર્શન કરે છે. આ ટીમ અત્યંત ચપળ ALH Mk I વેરિઅન્ટને ઓપરેટ કરે છે, જે તેની શ્રેષ્ઠ ગતિશીલતા અને વિશ્વસનીયતા માટે પ્રખ્યાત છે. સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં ઉડાન ભરશે, ત્યારે દર્શકોને ભારતીય વાયુસેનાની (IAF) વિશિષ્ટ ઓળખ એટલે કે, હવાઇ શ્રેષ્ઠતા, શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવનું રોમાંચક પ્રદર્શન જોવા મળશે.
Next Article