દેશની સૌથી મોટી ક્વિઝ કોમ્પિટિશન STEMQUIZનો ગુજરાત સાયન્સ સિટી ખાતે પ્રારંભ
અહેવાલ : સંજય જોશી
દેશની સૌથી મોટી ક્વિઝ કોમ્પિટિશન સ્ટેમક્વિઝનો ગુજરાત સાયન્સ સિટી ખાતે પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જુદા જુદા તાલુકા કક્ષાએ અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ યોજાયેલી STEMQUIZ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પહોંચ્યા છે.
ગુજરાત સાયન્સ સિટી ખાતે 9 મેથી શરૂ થયેલી આ સ્પર્ધા 12 મે સુધી ચાલુ રહેશે. પ્રથમ દિવસે સ્પર્ધામાં 588 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સને લગતા સવાલો પૂછવામાં આવ્યા હતા. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ, ટેલિસ્કોપ, રોબોટ, ડ્રોન જેવા ઈનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી. વદર સાહેબ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેક્નોલોજી વિભાગના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્ટેમ ક્વિઝ એક એવી સ્પર્ધા છે. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિશે જ્ઞાન વધારવાનો છે.
આ પણ વાંચો : GPSC પરીક્ષા મામલે હાઇકોર્ટમાં સુનાવણી, અરજદારોને મેઈન્સ પરીક્ષા આપવા કર્યો હુકમ




