વાહ રે તંત્ર! મહિને12 હજાર રૂપિયા કમાતા પરિવારના મોભીને IT એ મોકલ્યું રૂપિયા 36 કરોડ ભરવાનું ફરમાન
આ વર્ષે કેન્દ્રીય બજેટમાં નાણાં મંત્રીએ ઈન્કમટેક્ષ ભરવા માટે આવકની મર્યાદમાં વધારો કર્યો છે, ત્યારે તાજેતરમાં તંત્રના વાંકે ઈડર તાલુકાના રતનપુર ગામે રહેતા એક પરિવારના મોભીને રૂ. 36 કરોડનો ટેક્ષ ભરવાની નોટીસ ફટકારી છે. ત્યારે હાલ તો છેલ્લા 4 દિવસથી આ પરિવારનો મોભી નોકરી છોડીને સંલગ્ન વિભાગની વિવિધ કચેરીઓમાં ફરી રહ્યો છે. પરંતુ અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી જેથી તેની હાલત બાઈ બાઈ ચારણી જેવી બની ગઈ છે. જે અંગેનો વીડિયો મંગળવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
ગરીબ પર ઇન્કમટેક્ષનો ખોટો બોજો?
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈડર તાલુકાના રતનપુર ગામે રહેતા જીતેન્દ્ર મકવાણા પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગાંધીનગરમાં આવેલ એક ખાનગી કંપનીમાં અંદાજે રૂપિયા 12 હજારના પગારે નોકરી કરી રહ્યા છે. જોકે ગરીબી રેખાની નીચે આવતા હોવાને કારણે તેમને ઈન્દિરા આવસ યોજના અંતર્ગત મકાન બનાવવાની સહાય મળી ચુકી છે. પરિવારની આર્થિક સ્થિતી સામન્ય હોવાથી તેમના વિધવા માતા તથા પત્નિ છુટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે મથી રહ્યા છે. તો બીજી તરફ ગમે તે કારણસર 4 દિવસ અગાઉ ઈન્કમટેક્ષ વિભાગ (IT) દ્વારા 2 વર્ષનો અંદાજે રૂ.36 કરોડનો ટેક્ષ ભરવાની નોટીસ ફટકારી છે. જે અંગેની જાણ જીતેન્દ્ર મકવાણાને તથા તેમના વિધવા માતા અને પત્નિને થતાં જાણે કે તેમના પર આફતના ઓળા ઉતરી આવ્યા હોય તેવી દશા થઈ છે.
અધિકારીઓના વાહિયાત જવાબ
જીતેન્દ્ર મકવાણાના દાવા મુજબ તેમણે આ નોટીસ લઈને અત્યાર સુધીમાં પોલીસ, સાયબર ક્રાઈમ તથા ઈન્કમટેક્ષની ઓફિસે જઈને સંપર્ક કર્યો છે જયાં અધિકારીઓએ વાહિયાત જવાબ આપીને સંભળાવી દીધુ છે કે તમારે ટેક્ષ ભરવો પડશે. જેથી તેઓ તથા તેમનો પરિવાર માટે રાત જાય છે તો દિવસ જતો નથી અને દિવસ જાય તો રાત જતી નથી. તેવો ઘાટ સર્જાયો છે ત્યારે ગ્રામજનોએ પણ તંત્રની આ લાપરવાહીની જોરદાર ટીકા કરી છે. હવે જોવાનું એ રહે છે કે ઈરાદા પૂર્વક અથવા તો અગમ્ય કારણોસર અધિકારીઓએ જે ભુલ કરી છે તે સુધરે છે કે નહીં તે જાણવા માટે તંત્ર નિર્ણય કરે ત્યાં સુધી રાહ જોવી રહી.
ટેક્ષ નોટિસથી પરિવાર ચિંતામાં ગરકાવ
ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર મકવાણાને વર્ષ 2005-06 ઈન્દિરા આવાસ મળ્યું હતું. તો બીજી તરફ અત્યારે પણ તેમના બેંકના ખાતામાં અત્યારે બે આંકડામાં રકમ સિલક તરીકે દેખાય છે ત્યારે કેવી રીતના અધિકારીઓએ આ નોટીસ ફટકારી છે તે તપાસનો વિષય છે. જોકે હાલ તો રતનપુરનો આ પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હોવાને કારણે ખાઈ પણ શકતો નથી. જેને કરમની કઠનાઈ અથવા તો કોઈકના ષડયંત્રનો ભોગ બન્યો હોય તેવી શકયતાને નકારી શકાતી નથી.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો : વિજયનગરના ચિતરીયામાં પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું