જૂનાગઢ: માંગરોળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
- જૂનાગઢના માંગરોળમાં PMAY આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો
- ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ
- જૂનાગઢ: માંગરોળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
જૂનાગઢ: માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગ્રામ્ય કક્ષાએ બાંધવામાં આવેલા આવાસોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ મામલે તાત્કાલિક તપાસની માંગ કરી છે, જેના કારણે જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે. આ આક્ષેપોમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) સામે પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં જૂના મકાનોના રિપેરિંગને નવા મકાનો તરીકે રજૂ કરીને હજારો રૂપિયાના બિલો રજૂ કરવાનો આરોપ છે.
ભગવાનજી કરગઠીયાએ સીએમને પત્ર લખીને સીધા ટીડીઓ ઉપર આરોપ લગાવતા કહ્યું કે તેઓ 40થી 50 હજાર રૂપિયાનો આર્થિક વહીવટ કરીને મકાનના હપ્તાઓ મંજૂર કરે છે. ધારાસભ્યના મતવિસ્તાર એટલે કે માંગરોળમાં મકાન બનાવ્યા વગર જૂના મકાનનું થોડૂ રિનોવેશન કરીને તેના પૈસા લઈ લેવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ કર્યા છે.
આક્ષેપોની વિગતો ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ તેમના પત્રમાં જણાવ્યું છે કે, માંગરોળ તાલુકામાં PMAY યોજના હેઠળ મંજૂર થયેલા 669 આવાસોમાંથી અનેક કેસોમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે. મુખ્ય આક્ષેપો નીચે મુજબ છે:
જૂના મકાનોનું રિપેરિંગ: PMAY હેઠળ નવા મકાનો બનાવવાની યોજના હોવા છતાં અનેક સ્થળોએ જૂના મકાનોનું માત્ર રિપેરિંગ કરીને તેને નવા મકાનો તરીકે રજૂ કરવામાં આવ્યા છે. આ માટે સરકારી ભંડોળનો દુરુપયોગ કરીને હજારો રૂપિયાના બિલો રજૂ કરવામાં આવ્યા છે.
ગેરરીતિઓની તપાસની માંગ: ધારાસભ્યે આ ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસની માંગ કરી છે, જેથી ગેરરીતિઓમાં સંડોવાયેલા અધિકારીઓ અને સંબંધિત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે. તેમણે આ મામલે મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખીને યોજનાના લાભાર્થીઓને ન્યાય અપાવવાની અપીલ કરી છે.
PMAY યોજના અને તેનું મહત્વપ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગો, ઓછી આવક ધરાવતા જૂથો (LIG), અને મધ્યમ આવક ધરાવતા જૂથો (MIG)ને પાકાં મકાનો પૂરા પાડવાનો છે.
ગ્રામીણ વિસ્તારોમાં PMAY-G હેઠળ લાભાર્થીઓને નવા મકાન બનાવવા માટે ₹2.50 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો હિસ્સો સામેલ હોય છે. આ યોજના હેઠળ લાભાર્થીઓની પસંદગી 2011ની સામાજિક-આર્થિક જાતિ ગણતરી (SECC)ના ડેટાના આધારે કરવામાં આવે છે, અને ગ્રામ્ય કક્ષાએ પંચાયતો દ્વારા અરજીઓની ચકાસણી થાય છે.
ગુજરાતમાં PMAY-G હેઠળ લાભાર્થીઓને મકાન બાંધકામ માટે ₹1.50 લાખ કેન્દ્ર સરકાર અને ₹1 લાખ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં (₹50,000, ₹1.50 લાખ, અને ₹50,000) વહેંચવામાં આવે છે. આ ઉપરાંત, ભૂમિહીન પરિવારોને રાજ્ય સરકાર દ્વારા 100 ચોરસ મીટરનો પ્લોટ વિનામૂલ્યે આપવામાં આવે છે.


