Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kharif Crops : રાજ્યમાં ૯૪ ટકા એટલે કે, ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર

રાજ્યમાં સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ આવતા આ વર્ષે વિવિધ પાકોના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો
kharif crops   રાજ્યમાં ૯૪ ટકા એટલે કે  ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર
Advertisement
  • Kharif Crops : સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના ખેડૂતો દ્વારા ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર       
  • મગફળીનું સૌથી વધુ ૨૧.૮૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર; કપાસનું પણ ૨૦.૭૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર
  • મગફળીના વાવેતરમાં પ્રતિવર્ષ સતત વધારો; ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો

Kharif Crops : ચાલુ વર્ષે ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા પુષ્કળ માત્રામાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૫ ટકાથી વધુ નોંધાયો છે. જેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં જ ૯૪ ટકા એટલે કે, ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ આવતા આ વર્ષે વિવિધ પાકોના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત છે, જેથી આગામી ૧૫ દિવસમાં રાજ્યનો કુલ વાવેતર વિસ્તાર ૧૦૦ ટકાને પાર પહોંચવાની પૂર્ણ સંભાવના છે.

Advertisement

ખેતી નિયામકની કચેરીના અહેવાલ મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના સમયસર આગમનના પરિણામે ચાલુ વર્ષે ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. છેલ્લા ૩ વર્ષના વાવેતરની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ ૮૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૧ લાખ હેક્ટરથી વધુ એટલે કે, ૯૪ ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે.

Advertisement

Kharif Crops-ગુજરાતમાં મગફળીના વાવેતરમાં  પ્રતિવર્ષ સતત વધારો 

મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મગફળી અને કપાસનું પુષ્કળ પ્રમણમાં વાવેતર અને ઉત્પાદન થાય છે. આ વર્ષે પણ મગફળી અને કપાસનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતના ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ આશરે ૨૧.૮૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળી અને ત્યારબાદ ૨૦.૭૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં મગફળીનું વાવેતર પ્રતિવર્ષ સતત વધી રહ્યું છે. રાજ્યમાં મગફળીનું સરેરાસ ૧૭.૫૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ખેડૂતોએ ૧૯.૧૦ લાખ હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે પણ ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. અત્યાર સુધીમાં જ મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ ૧૨૫ ટકા વાવેતર પૂર્ણ થયું છે, જે હજુ પણ વધવાની સંભાવનાઓ છે.

Kharif Crops- મગફળી સહિત રાજ્યમાં તેલીબીયા પાકનું વિક્રમી વાવેતર 

મગફળી સહિત રાજ્યમાં તેલીબીયા પાકનું ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ૨૭.૬૯ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તેલીબીયા પાકોનું કુલ ૩૦.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ધાન્ય પાકોનું ૧૩.૫૭ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં, કઠોળ પાકોનું ૪.૧૩ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં, ઘાસચારાનું ૮.૯૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અને શાકભાજીનું ૨.૪૯ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે મગફળી, તુવેર, સોયાબીન, ડાંગર, મઠ જેવાં પાકોનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતરની સરખામણીએ ૧૦૦ ટકાને પાર પહોંચ્યું છે. આ ઉપરાંત બાજરી, મકાઈ અને શાકભાજીનું વાવેતર ૯૦ ટકાને પાર પહોંચ્યું છે.

આ પણ વાંચો : Gandhinagar : ગણેશ ચતુર્થી પહેલા ST નિગમનાં કર્મીઓ માટે આનંદનાં સમાચાર, સરકારનો મોટો નિર્ણય

Advertisement

.

×