ગોંડલ તાલુકાના કોલીથડમાં મેગા ડિમોલેશન, ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
- ગોંડલના કોલીથડ ગામે ડિમોલેશનની કાર્યવાહી
- રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત કાર્યવાહી
- અનેક ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં ગોંડલ તરફ જતા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય રોડની બંને બાજુએ થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરી માર્ગને પહોળો કરવાનો હતો.
ગોંડલના કોલીથડ ગામે ડિમોલેશનની કાર્યવાહી
નોંધનીય છે કે લીથડ બસ સ્ટેન્ડ અને તેની આસપાસના મુખ્ય માર્ગ પરના વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યાં રોડની હદમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો થઈ ગયા હતા.માર્ગની કુલ હદરેખા 20 મીટર નક્કી કરવામાં આવી હોવાથી, રોડની બંને બાજુએથી 10-10 મીટરના વિસ્તારમાં આવતા તમામ પ્રકારના પાકા અને કાચા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. મેગા ડિમોલેશનને કારણે રોડની બન્ને બાજુ પૂરતી જગ્યા ખુલ્લી થઈ છે.માર્ગ પહોળો થવાથી હવે કોલીથડ ગામમાં અને ગોંડલ તરફ જતા માર્ગ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા હળવી થવાની અને વાહનવ્યવહાર વધુ સુવિધાજનક તેમજ સલામત બનવાની આશા છે. માર્ગ અને મકાન વિભાગની આ સખ્તાઈભરી કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
કોલીથડ ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી રાજકોટના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.આર. પટેલની સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી. ગોંડલ તાલુકાના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આઈ. જાડેજા અને મદદનીશ ઈજનેર ડી.ડી. ભારાઈની આગેવાની હેઠળની ટીમે આ કામગીરીનું સંચાલન કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં નવાજૂનીના એંધાણ વચ્ચે BJP ના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતના આંટાફેરા, 17 ઓક્ટોબરે શાહ-નડ્ડા આવશે


