ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે, મોરારિબાપુ કરશે સન્માન

Narsinh Mehta Award 2025 : મોરારિબાપુના વરદ હસ્તે ગોપનાથ ખાતે યોજાનાર આ ઐતિહાસિક કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી અહીં વાંચો.
03:07 PM Sep 08, 2025 IST | Mihir Solanki
Narsinh Mehta Award 2025 : મોરારિબાપુના વરદ હસ્તે ગોપનાથ ખાતે યોજાનાર આ ઐતિહાસિક કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી અહીં વાંચો.
Narsinh Mehta Award 2025

Narsinh Mehta Award 2025 : મોરારિબાપુની પ્રેરણાથી સ્થપાયેલ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગુજરાતી સાહિત્યના કોઈ એક સમકાલીન કવિના સમગ્ર સર્જનને ધ્યાનમાં લઈને 'નરસિંહ મહેતા એવોર્ડ' એનાયત કરવામાં આવે છે. ગુજરાતી ભાષાના આ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારમાં આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાળા અને રૂ. 1 લાખ 51 હજારની સન્માન રાશિનો સમાવેશ થાય છે.

વર્ષ 2025 માટે આ ગૌરવવંતો એવોર્ડ સુખ્યાત કવિ હર્ષ બ્રહ્મભટ્ટને અર્પણ કરવામાં આવશે. આ ભવ્ય સન્માન સમારોહ આગામી શરદ પૂર્ણિમા, એટલે કે તા. 6 ઓક્ટોબર, 2025, સોમવારના રોજ સાંજે 5.30 કલાકે નરસિંહ મહેતાના જીવન સાથે જોડાયેલા પવિત્ર સ્થળ ગોપનાથ (તા. તળાજા, જિ. ભાવનગર) ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં મોરારિબાપુના વરદ હસ્તે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રઘુવીર ચૌધરી અને અનેક ગુજરાતી સાહિત્યકારો, વિદ્વાનો, અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.

Narsinh Mehta Award 2025

ગઝલ ક્ષેત્રે તેમણે કર્યું છે મહત્વપૂર્ણ ખેડાણ

કવિ વિનોદ જોશી કવિ હર્ષ બ્રહ્મભટ્ટના સર્જન વિશે વિશેષ વક્તવ્ય આપશે, અને બાદમાં સ્વયં કવિ હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા કાવ્યપાઠ પણ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન કવિ પ્રણવ પંડ્યા કરશે, અને મોરારિબાપુ આ પ્રસંગે પોતાના પ્રસંગોચિત પ્રવચનથી સૌને પ્રસન્નતા વ્યક્ત કરશે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ ગુજરાતી ભાષામાં સતત સર્જન કરનારા કવિ છે, જેમણે મુખ્યત્વે ગઝલ સ્વરૂપમાં નોંધપાત્ર ખેડાણ કર્યું છે. તેમની ગુજરાતી કાવ્યસંગ્રહોમાં 'એકલતાની ભીડમાં', 'અંદર દીવાદાંડી', 'મૌનની મહેફિલ' અને 'જીવવાનો રીયાઝ' જેવી કૃતિઓ મુખ્ય છે.

Kavi Harsh Brambhatt

મહત્વપૂર્ણ પુસ્તકોનું કર્યું છે સંપાદન (Narsinh Mehta Award 2025 )

ગુજરાતી ઉપરાંત, તેમણે ઉર્દૂ ગઝલ ક્ષેત્રમાં પણ કલમ ચલાવી છે અને 'કંદીલ' તથા 'સરગોશી' જેવા સંગ્રહો દ્વારા ઉર્દૂ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેમના ગીતો અને ગઝલો દેશના દિગ્ગજ સંગીતકારો અને ગાયકો દ્વારા વિવિધ મ્યુઝિક આલ્બમ સ્વરૂપે ખૂબ જ લોકપ્રિય થયા છે. સર્જન ઉપરાંત, તેમણે અનેક મહત્વપૂર્ણ પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે, જેમાં 'વીસમી સદીની કાવ્યમુદ્રા' અને 'શબ્દ સાથે મારો સંબંધ' જેવી કૃતિઓનો સમાવેશ થાય છે. છેલ્લા એક દાયકાથી તેઓ અમદાવાદમાં કાવ્યપાઠ શ્રેણી 'સદા સર્વદા કવિતાનું'નું આયોજન કરી રહ્યા છે, જેના 108થી વધુ કાર્યક્રમોમાં 350થી વધુ કવિઓએ ભાગ લીધો છે, જે સાહિત્ય પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવે છે.

અગાઉ આ એવોર્ડથી થયુ છે સન્માન

ગુજરાત સરકારના નિવૃત્ત અગ્રસચિવ રહી ચૂકેલા કવિ હર્ષ બ્રહ્મભટ્ટનું કવિકર્મ અગાઉ પણ શયદા એવોર્ડ, કલાપી એવોર્ડ, કુમાર સુવર્ણચંદ્રક અને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક જેવા અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂક્યું છે. આ સર્વોચ્ચ સન્માન માટે તેમની પસંદગી થવી એ સમગ્ર ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે.

આ પણ વાંચો :  Gujarat Rain: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા છે વરસાદનું રેડ એલર્ટ

Next Article