ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના દેશ વ્યાપી કૌભાંડનો પર્દાફાશ
અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદની SOG ક્રાઇમે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની આડમાં ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના દેશ વ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.. જેમાં 2 આરોપીઓને પકડી 40 નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ કબજે કરાયા છે.મહત્વનું છે કે આરોપીઓ બેંગલોરની યુનિવર્સિટીના નામે આ કૌભાંડ આચરતા હતા.
પોલીસે ઝડપેલા બે આરોપીઓના નામ રાકેશ પટેલ અને મૌલિક રામી છે. જે બન્ને આરોપીઓને અમદાવાદ SOG ક્રાઇમે ડુપ્લીકેટ માર્કશીટ અને ફરજી સર્ટિફિકેટ આપવાના કેસમાં ઝડપ્યા છે. આ બન્ને શખ્સો અમદાવાદમાં 2 અલગ અલગ ઓફિસ રાખીને નર્સિંગની બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ વેંચતા બદલામાં 5 લાખ સુધી લોકો પાસે થી મેળવી લેતા હતા. જોકે આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે એક યુવતીએ SOG ક્રાઈમને અરજી આપી. જોકે અરજીના આધારે તપાસ કરતા અને બેંગલોરની એક યુનિવર્સિટીનું સર્ટિફિકેટ હોવાનું જાણવા મળતા યુનિવર્સિટીમાં પોલીસે તપાસ કરતા સર્ટીફિકેટ નકલી હોવાનુ સામે આવ્યું. જેને લઇ પોલીસે ફરિયાદ લઈ બન્ને આરોપીઓ ની ધરપકડ કરી છે. યુવતીના કહેવા પ્રમાણે આરોપી વસ્ત્રાલમાં સરદાર વોકેસનલ એજ્યુકેશન અને દેહગામ ખાતે શ્રીજી પેરા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હતા.
મહત્વનું છે કે SOG ક્રાઇમે આરોપીઓની ઓફિસમાં અને અન્ય જગ્યા દરોડા પાડયા દરમ્યાન 40 જેટલા અલગ અલગ સંસ્થાના માર્કશીટ અને અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા. નોંધનીય છે કે બિહારની પણ અલગ અલગ સંસ્થાની અલગ અલગ વિદ્યાર્થીઓની માર્કશીટ પણ મળી આવી છે.
સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આરોપીઓ આ સિવાય અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા છે.કેટલા વર્ષથી આ પ્રકારે કૌભાંડ કરી રહ્યા છે? શુ આ બનાવટી દસ્તાવેજો બનાવવામાં અન્ય કેટલા લોકો સામેલ છે. તે અંગે વધુ તપાસ કરવા હાલ SOG ક્રાઇમે બન્ને આરોપીઓના રિમાનન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.



