રાજકોટ પશ્ચિમ બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે
રાજકોટ પશ્ચિમ બેઠક આ બેઠક ભાજપ માટે એકદમ સુરક્ષિત છે. 1985થી 2002 સુધી વજુભાઈ વાળાએ આ બેઠક પર સતત જીત નોંધાવી હતી. બાદમાં 2002માં વજુભાઈએ નરેન્દ્ર મોદી માટે આ બેઠક ખાલી કરી આપી હતી અને મોદી પોતાની પહેલી ચૂંટણી અહીં માત્ર 14,728 વોટથી જીત્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) હવે હાથવેંતમાં છે. આગામી નવેમ્બર મહિનામાં ચૂંટણીની આચારસંહિતા લાગી જાય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. અલબત્ત હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ ચૂંટણી (Election)માં ઘણા બધા રાજકીય સમીકરણો બદલાશે. મોટા નેતાઓ (Big leaders)ને સાચવવા પડશે, યુવાનોને આગળ કરવાના થશે અને જ્ઞાતિવાદી રાજકારણ પણ રમવું પડશે.
આવી સ્થિતિમાં સૌનું ધ્યાન રાજ્યની કેટલીક હોટ સીટ પર રહેશે. આ હોટ સીટમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક (Rajkot West Assembly Constituency)નો પણ સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના રાજકારણનું પાટનગર ગણાતા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક ગુજરાતની અત્યાર સુધીની સૌથી વધારે VIP બેઠકોમાંની એક ગણી શકાય છે. આ બેઠક પર હાલમાં વિજયભાઈ રૂપાણી ધારાસભ્ય છે.
રાજકોટ પશ્ચિમ તરીકે ઓળખાતી વિધાનસભા બેઠક-69 બેઠક પર ભાજપે આંતરિક બેલન્સ સાચવવું પડશે. જોકે, ભાજપ માટે આ બેઠક રાજ્યમાં સૌથી વધારે સુરક્ષિત સીટો પૈકીની એક સીટ માનવામાં આવે છે. 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ સૌથી સલામત વિધાનસભાની બેઠકની શોધમાં હતા. ત્યારબાદ તેમણે આ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને મોદી પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાઇને આવ્યા હતા.
અહી ઉલ્લેખનિય છે કે, રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપનો વર્ષોથી ગઢ રહી છે, 1977થી 2015 સુધી મહાપાલિકામાં માત્ર પાંચ વર્ષને બાદ કરતા દરેક વખતે ભાજપ સત્તા પર રહ્યું છે, લોકસભા બેઠક પર 20 વર્ષથી ભાજપનો કબજો રહ્યો હતો. આવી સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક જીતવા માટે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ કદાવર ઉમેદવાર રાખવા પડશે.
રાજકોટ પશ્ચિમ બેઠક (Rajkot West Assembly Seat)પર સવર્ણ મતદારોનું વર્ચસ્વ
રાજકોટ પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે. પાટીદારો ઉપરાંત 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા મતદારો હોવાનું આંકડા કહી રહ્યા છે. એકંદરે રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે. અહીં અનેક સવર્ણ મતદારો ભાજપ તરફી રહ્યા છે, જેથી આ બેઠક પર ભાજપની પકડ મજબૂત છે.
2017ની વિધાનસભા ચૂંટણીનો જંગ
ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર હાર્દિક પટેલની કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. તે સમયે ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી હતા અને કોંગ્રેસ તરફથી ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ચૂંટણી લડી હતી. વિજયભાઈ રુપાણીને હરાવવા અને ભાજપનો ગઢ છીનવવા માટે ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાની પૂર્વની બેઠક ખાલી કરીને રાજકોટ પશ્ચિમથી લડવાનો નિર્ણય લીધો હતો. આ બેઠક પરની ચૂંટણી પર આખા રાજ્યની નજર હતી. આ ચૂંટણીમાં વિજય રૂપાણીનો 53 હજાર 755 જેટલા જંગી મતોથી વિજય થયો હતો.
રાજકોટ પશ્ચિમ બેઠકનો ઈતિહાસ
આ બેઠક ભાજપ માટે એકદમ સુરક્ષિત છે. 1985થી 2002 સુધી વજુભાઈ વાળાએ આ બેઠક પર સતત જીત નોંધાવી હતી. બાદમાં 2002માં વજુભાઈએ નરેન્દ્ર મોદી માટે આ બેઠક ખાલી કરી આપી હતી અને મોદી પોતાની પહેલી ચૂંટણી અહીં માત્ર 14,728 વોટથી જીત્યા હતા. જે બાદ છેલ્લે 2012માં વજુભાઈ વાળાએ આ બેઠક પર 24,500 વોટથી જીત મેળવી હતી. જોકે 2014માં તેમને ગવર્નર બનાવવામાં આવતા વિજય રુપાણી અહીં પેટા ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે જીત મળી હતી.
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 વિજયભાઈ રૂપાણી ભાજપ
2014 (પેટા ચૂંટણી) વિજયભાઈ રૂપાણી ભાજપ
2012 વજુભાઈ વાળા ભાજપ
2007 વજુભાઈ વાળા ભાજપ
2002 (પેટા ચૂંટણી) નરેન્દ્રભાઈ મોદી ભાજપ
2002 વજુભાઈ વાળા ભાજપ
1998 વજુભાઈ વાળા ભાજપ
1995 વજુભાઈ વાળા ભાજપ
1990 વજુભાઈ વાળા ભાજપ
1985 વજુભાઈ વાળા ભાજપ
1980 મણીભાઈ રાણપરા કોંગ્રેસ (આઈ)
1975 અરવિંદભાઈ મણિયાર બીજેએસ
1972 પ્રદ્યુમ્મનસિંહજી જાડેજા કોંગ્રેસ
1967 એમ પી જાડેજા એસડબલ્યુએ
અહી નોંધનીય છે કે, ભારતીય જન સંઘની સ્થાપના બાદની ચુંટણીમાં પાટીદાર નેતા સ્વ. કેશુભાઈ પટેલ આ બેઠક પર ચૂંટણી જીત્યા હતાં. રાજકોટથી રાજ્યને ત્રણ મુખ્યમંત્રીઓ મળ્યા છે. જેમાં સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીનો સમાવેશ થાય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ બેઠક પરથી 131586 મત મળ્યા હતા.
આ બેઠક પર ભાજપના દાવેદાર
રાજકોટ પશ્ચિમની બેઠક પર હાલમાં વિજયભાઈ રૂપાણી ધારાસભ્ય છે, એક વર્ષ પહેલાં જે રીતે રાજ્યમાં ભાજપે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલીને યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે, તે જોતાં ભાજપના લગભગ જૂના કાર્યકર્તાઓ આ ચૂંટણીમાં ઉમેદવારી નહીં નોંધાવે તેવું જણાઈ આવે છે. આ ઉપરાંત રાજકોટની ચાર બેઠકોમાંથી ત્રણમાં નો રિપીટ થિયરી અને એક બેઠકમાં રિપીટના સંકેત જણાઈ રહ્યા છે. રાજકોટમાં વિજયભાઈ રૂપાણી, ગોવિંદ પટેલ અને રાજકોટ ગ્રામ્યમાં લાખાભાઇ સાગઠીયા એમ ત્રણ બેઠકો નો રિપીટમાં હોવાનું જણાઈ રહ્યું છે. જ્યારે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીની બેઠક પર રિપીટ ના સંકેત છે, જો કે ત્યાં ભાજપ આંતરિક બેલેન્સ સાચવવું પડે તેવા સંજોગો છે.
વિજયભાઈ રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક પર ઉમેદવાર કોણ તેની અટકળો તેજ બની રહી છે. ચૂંટણી સામે આવતા જ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને જુથવાદના કારણે હંમેશા ચર્ચામાં રહેતા રાજકોટ ભાજપનું એક જુથ સક્રિય થયું છે. શહેર ભાજપમાં ગુપચુપ બેઠકો શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા દક્ષિણ રાજકોટના આગેવાનોએ છૂપી રીતે જમવાણનું આયોજન કર્યું હોવાનું પણ જાણવા મળે છે. બીજી તરફ રાજકોટની ચાર બેઠકો માટે ભાજપના દાવેદારો પ્રોફાઈલ કરવા લાગ્યા છે. વિધાનસભાની ચાર બેઠકોના આંતરિક સર્વે પછી ભાજપના નવોદિત દાવેદારો ઉત્સુક થયા છે.


