NHAI: મુસાફરોની સલામતી, સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે તંત્ર પ્રતિબદ્ધ
- NHAI: National Highway Authority of India અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ સાથે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) વધારી રહી છે હાઇવે યુઝર એક્સપિરિયન્સ
* - 24x7 ટોલ-ફ્રી નંબર 1033 દ્વારા હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે
* - રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ (Rajmarg Yatra Mobile App)આપે છે ફરિયાદો નોંધવાની તેમજ ટોલ અને મુસાફરી અંગેની માહિતી મેળવવાની સુવિધા
* - મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ થકી NHAI હાઇવેનો ઉપયોગ કરતા મુસાફરોને દૃઢ સહયોગ પૂરો પાડી રહી છે
NHAI :National Highway Authority of India (NHAI)એ હાઇવે સંબંધિત ફરિયાદોના નિવારણ માટે વ્યાપક પદ્ધતિઓ અમલી બનાવીને રોડ-રસ્તાઓ થકી મુસાફરી કરતા લોકો (Road Users-રોડ યુઝર્સ)ની સલામતી, સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. NHAIએ રોડ યુઝર્સની ફરિયાદોના નિવારણ માટે અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ્સ અમલી કર્યા છે. આ પ્લેટફોર્મ્સ થકી નાગરિકો તેમની સમસ્યાઓની જાણ કરી શકે છે, સહાય મેળવી શકે છે, અને રિયલ ટાઇમમાં તેમની ફરિયાદોના નિવારણની પ્રગતિને ટ્રેક કરી શકે છે. તેનાથી, નેશનલ હાઇવેની કામગીરીની પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધુ મજબૂત બને છે.
હાલમાં, રસ્તા સંબંધિત સમસ્યાઓનું ઝડપી અને કાર્યક્ષમ રીતે નિરાકરણ લાવવા માટે NHAI દ્વારા છ મુખ્ય પ્લેટફોર્મ સંચાલિત કરવામાં આવી રહ્યા છે, જે નીચે મુજબ છે:
1033 હેલ્પલાઇન
1033 એ ચોવીસ કલાક ને સાતેય દિવસ (24x7) ચાલુ રહેતો ટોલ ફ્રી નંબર છે, જે હાઇવે યુઝર્સ એટલે કે હાઇવે પર મુસાફરી કરતા લોકોને અકસ્માતો, રસ્તા પરના ખાડાઓ અથવા તો અન્ય ટોલ સંબંધિત સમસ્યાઓ જેવી કટોકટીની સ્થિતિની જાણ કરવા અંગેની સુવિધા આપે છે. હાઇવે યુઝર્સની ફરિયાદો કેન્દ્રીય રીતે નોંધવામાં આવે છે, અને ત્યારબાદ સંબંધિત ફિલ્ડ એજન્સીઓને ફોરવર્ડ કરવામાં આવે છે, જેમાં પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIM), કન્સેશનિયર્સ, અથવા ઇન્સિડન્ટ મેનેજમેન્ટ ટીમો (ઘટના વ્યવસ્થાપન ટીમો)નો સમાવેશ થાય છે. સમયસર ક્ષેત્રીય કાર્યવાહી થયા પછી અનુપાલનનું રિપોર્ટિંગ કરવામાં આવે છે, ત્યારબાદ ફરિયાદનું નિવારણ કરવામાં આવે છે અને ફરિયાદીને ફરિયાદની સ્થિતિ અંગે અપડેટ કરવામાં આવે છે.
રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ્લિકેશન(Rajmarg Yatra Mobile App)
NHAIનું આ એક નાગરિક-કેન્દ્રિત એપ્લિકેશન છે, જે ફરિયાદો નોંધાવવા, ટોલ અને મુસાફરી અંગેની માહિતી મેળવવા તેમજ નજીકમાં આવેલી હોસ્પિટલ કે પોલીસ સ્ટેશન અંગેની જાણકારી મેળવવા માટે યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ પ્રદાન કરે છે. હાલમાં, નેશનલ હાઇવે પર મુસાફરી કરતા યુઝર્સ જ જીઓ-ટેગિંગ દ્વારા સમસ્યાઓની જાણ કરી શકે છે. વિવિધ વિકલ્પો, જેવાકે ફરિયાદોનું રિયલ ટાઇમ ફોરવર્ડિંગ, ફિલ્ડ લેવલ રિસ્પોન્સ, ક્લોઝર એટલે કે નિવારણ અંગેની સૂચનાઓ અને યુઝર્સના પ્રતિભાવો સિસ્ટમમાં બિલ્ટ-ઇન છે.
જાહેર ફરિયાદ માટેનું પોર્ટલ (CPGRAMS)
નાગરિકો https://pgportal.gov.in ના માધ્યમથી NHAI અથવા માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય-Ministry of Transport and Highwaysની પસંદગી કરીને સુગઠિત ફરિયાદો નોંધાવી શકે છે. આ પોર્ટલ આગળની કાર્યવાહી માટે ફરિયાદોને યોગ્ય PIU અથવા પ્રાદેશિક કાર્યાલયો (રિજિયોનલ ઓફિસ)ને મોકલી આપે છે. નિવારણ સંબંધિત વિગતો અને પ્રતિભાવ માટેના વિકલ્પો પારદર્શિતા સુનિશ્ચિત કરે છે, જ્યારે વણઉકેલાયેલી ફરિયાદોને આગળ વધારી શકાય છે.
ડ્રોન એનાલિટિક્સ મોનિટરિંગ સિસ્ટમ
રોડ-રસ્તાઓની સપાટી (સરફેસ) પરની ખામીઓ અને બાંધકામ ગુણવત્તામાં ખામીઓને સક્રિયપણે ઓળખવા માટે NHAIએ અત્યાધુનિક ડ્રોન-આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોનિટરિંગ શરૂ કર્યું છે. તેનાથી જાહેર સલામતી અથવા સુવિધાને અસર થાય તે પહેલાં સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ મળે છે.
NHAI વન મોબાઇલ એપ (અગાઉ TATPAR)
આ આંતરિક મોબાઇલ પ્લેટફોર્મ કોન્ટ્રાક્ટરો અને ફિલ્ડ એન્જિનિયરોને ખામીઓનું દસ્તાવેજીકરણ કરવા, નિરીક્ષણ કરવા, કાર્યવાહી અંગેના અહેવાલો સબમિટ કરવા અને એક્સટેન્શનની વિનંતી અથવા મંજૂરી આપવા સક્ષમ બનાવે છે. આ પ્લેટફોર્મ હાઇવેની જાળવણી અને તેની કામગીરીઓ માટે સુવ્યવસ્થિત સંદેશાવ્યવહાર અને ટ્રેકિંગ સુનિશ્ચિત કરે છે.
ટોલ ઇન્ફર્મેશન સિસ્મટ (TIS)
TIS પોર્ટલ (https://tis.nhai.gov.in) તાત્કાલિક ફરિયાદ નિવારણ અથવા કટોકટીની સ્થિતિમાં સહાય માટે ટોલ ફીની વિગતો, રૂટની માહિતી અને ફિલ્ડ-લેવલના અધિકારીઓ અને ટોલ મેનેજરોના સંપર્ક નંબરો પ્રદાન કરે છે.
NHAIનો આ સંકલિત અભિગમ ભારતના વિસ્તરી રહેલા હાઇવે નેટવર્ક પર રોડ યુઝર્સના અનુભવને વધારવા માટે ઝડપી, ડેટા-આધારિત રિસ્પોન્સ મિકેનિઝમ સુનિશ્ચિત કરે છે. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (National Highway Authority of India)પોતાની સેવા-વિતરણ પદ્ધતિઓમાં સતત નવીનીકરણ કરે છે, જેથી દરેક નાગરિકને સલામત, વિશ્વસનીય અને પારદર્શક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુલભ બને.


